અંડરવર્લ્ડ ડોન વિરુદ્ધ એકલી જુબાની આપી:પ્રીટિએ સિક્કો ઉછાળી ફિલ્મમાં આવવાનો નિર્ણય લીધો, સ્વાભિમાન માટે ₹600 કરોડની સંપત્તિ ઠુકરાવી
બોલિવૂડની ‘પ્રીટિ ગર્લ’ આજે 51 વર્ષની થઈ ગઈ છે. ફિલ્મ ‘દિલ સે’ થી કારકિર્દીની શરૂઆત કરનાર પ્રીટિ ઝિન્ટાએ ‘દિલ ચાહતા હૈ’, ‘કલ હો ના હો’, ‘કોઈ… મિલ ગયા’, ‘વીર-ઝારા’ અને ‘કભી અલવિદા ના કહના’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. આજે પ્રીટિ ઝિન્ટાના જન્મદિવસના ખાસ અવસરે ચાલો તેના જીવનને નજીકથી જાણીએ- પ્રીટિનો જન્મ હિમાચલી રાજપૂત પરિવારમાં થયો હતો. તેના પિતા દુર્ગાનંદ ઝિન્ટા ભારતીય સેનામાં અધિકારી હતા. બાળપણથી જ પિતાની શિસ્તબદ્ધ જીવનશૈલીએ એક્ટ્રેસના વ્યક્તિત્વ પર ઊંડી છાપ છોડી, પરંતુ જ્યારે પ્રીટિ 13 વર્ષની હતી, ત્યારે તેના પિતાનું કાર અકસ્માતમાં અવસાન થયું. તે કારમાં તેનાં માતા નીલપ્રભા પણ હતાં. સદનસીબે તેમનો જીવ બચી ગયો, પરંતુ તેમના શરીરના લગભગ દરેક હાડકાં, એટલે સુધી કે કરોડરજ્જુ પણ તૂટી ગયા હતા. તેઓ લગભગ એક વર્ષ સુધી પથારીવશ રહ્યા. સિમિ ગરેવાલના શોમાં પ્રીટિએ પિતા સાથે થયેલા અકસ્માત વિશે જણાવ્યું હતું કે, અકસ્માતના થોડા દિવસો પહેલા તેને એક વિચિત્ર અનુભવ થઈ રહ્યો હતો. તે શાળામાં રોજ ન્યૂઝપેપર વાંચતી હતી અને એક દિવસ તેણે તેની મિત્ર શગુનને કહ્યું હતું કે, ખબર નહીં કેમ તેને લાગે છે કે તે તેના પિતા સાથે જોડાયેલા કોઈ ખરાબ સમાચાર ન્યૂઝપેપરમાં વાંચવાની છે. જેના પર મિત્રએ કહ્યું હતું કે, ‘તું પાગલ થઈ ગઈ છે.’ જ્યારે એક્ટ્રેસના પિતાનો અકસ્માત થયો હતો, તે સમયે પ્રીટિ સ્કૂલમાં હતી. એક સવારે એક નન તેને જગાડવા આવી અને ખૂબ પ્રેમથી કહ્યું કે, તેને ક્યાંક જવાનું છે. પ્રીટિને આ વિચિત્ર લાગ્યું, કારણ કે સ્કૂલમાં તોફાનના કારણે નન સામાન્ય રીતે તેની સાથે કઠોર રીતે વર્તતી હતી. તેને ફક્ત એટલું જ કહેવામાં આવ્યું કે, ‘એક નાનો અકસ્માત થયો છે.’ તેને સીધી હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેણે પોતાની માતાને સ્ટ્રેચર પર જોઈ. માતા બેભાન હતાં. પિતા વિશે કોઈએ કંઈ જણાવ્યું નહીં. બીજા દિવસે જ્યારે પ્રીટિ સ્કૂલે પાછી ફરી, ત્યારે સ્કૂલ ચાલુ હતી અને તેને પાર્લરમાં બેસાડવામાં આવી. ત્યાં જ તેણે અખબારમાં પોતાના પિતાના મૃત્યુના સમાચાર વાંચ્યાં હતાં. પ્રીટિએ જણાવ્યું હતું કે, તે ઘટના પર તેણે મહિનાઓ સુધી કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. લગભગ છ મહિના સુધી તે રડી પણ ન હતી. તેને ક્યારેય પિતાનો મૃતદેહ જોવા દેવામાં આવ્યો ન હતો, તેથી તેના મને આ સત્ય સ્વીકાર્યું જ ન હતું. પછી એક રાત્રે અચાનક ઊંઘમાં તેની ચીસ નીકળી ગઈ અને બધું દુઃખ અને પીડા આંસુઓ સાથે બહાર આવી ગયા. પોતાના પિતાને યાદ કરતા પ્રીટિએ જણાવ્યું હતું કે, તેમણે તેને હંમેશા સમાનતાનો દરજ્જો આપ્યો. તેઓ કહેતા હતા કે, ‘દીકરીઓને નબળી બનાવીને ઉછેરવી ન જોઈએ. જો દીકરાઓ બેગ ઉઠાવતા હતા, તો દીકરી પણ ઉઠાવતી હતી. જો દીકરી રસોઈ બનાવતા શીખતી હતી, તો દીકરાઓ પણ શીખતા હતા.’ ભાઈને ઝઘડામાં પથ્થર મારી દીધો હતો પ્રીટિ ઝિન્ટા બાળપણથી જ ખૂબ નીડર અને તોફાની હતી. એકવાર તેનો તેના મોટા ભાઈ સાથે ઝઘડો થયો. ગુસ્સામાં તેણે પથ્થર ઉઠાવીને ભાઈના માથા પર માર્યો. ભાઈ રડવા લાગ્યો. ત્યારે પ્રીટિને તેના પપ્પાની વાત યાદ આવી ગઈ. તેના પપ્પા હંમેશા કહેતા હતા, ‘રાજપૂત રડતા નથી.’ બસ પછી શું હતું, પ્રીટિએ ભાઈને થપ્પડ મારીને કહ્યું, ‘તું રાજપૂત નથી શું? રડવાનું બંધ કર!’ ભાઈના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું, પણ તે ચૂપચાપ બેસી ગયો. ત્યારે જ મમ્મી આવી ગયાં. પ્રીટિને ખબર હતી કે, હવે તો માર પક્કો છે. તેથી તે ડરના માર્યા ટેબલ નીચે છુપાઈ ગઈ. આખી રાત તે ત્યાં જ સૂતી રહી. ઘરના સભ્યોને લાગ્યું કે, પ્રીટિ ડરીને ઘરેથી ભાગી ગઈ છે. પોલીસને પણ બોલાવવામાં આવી. સવારે જ્યારે ઘર સાફ કરનારી મહિલા આવી, ત્યારે ખબર પડી કે પ્રીટિ તો ટેબલ નીચે જ સૂતી હતી. પુસ્તક નહોતું, છતાં વિષયમાં ટોપ કર્યું ટીવી શો ‘જીના ઇસી કા નામ હૈ’માં પ્રીટિની માતાએ જણાવ્યું હતું કે, પ્રીટિ સ્કૂલમાં તો ખૂબ ભણતી હતી, પરંતુ ઘરે આવીને પુસ્તકો ઓછાં ખોલતી હતી. જ્યારે તેની માતાને દસમાના અંગ્રેજીના પેપરના એક દિવસ પહેલાં ખબર પડી કે, પ્રીટિ પાસે અંગ્રેજીનું પુસ્તક જ નથી, ત્યારે તે ખૂબ ગભરાઈ ગયા અને તરત જ બજારમાંથી પુસ્તક લાવીને આપ્યું. પ્રીટિને કોઈ ગભરામણ નહોતી, પણ માતાને લાગતું હતું કે, હવે તે નાપાસ થઈ જશે. પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે પ્રીટિ આખા હિમાચલ પ્રદેશમાં અંગ્રેજીમાં પ્રથમ આવી હતી. શાળા પછી પ્રીટિએ શિમલાની સેન્ટ બીડ્સ કોલેજમાંથી અંગ્રેજીમાં ઓનર્સ કર્યું અને પછી સાઇકોલોજીમાં ગ્રેજ્યુએશન અને ક્રિમિનલ સાઇકોલોજીનો અભ્યાસ કર્યો. એક્ટિંગમાં જવાની તેની કોઈ યોજના નહોતી, પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. રસપ્રદ રીતે કારકિર્દીની શરૂઆત થઈ વર્ષ 1996માં પ્રીટિ તેના એક મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. ત્યાં તેની મુલાકાત એક એડ ફિલ્મમેકર કુણાલ સાથે થઈ. વાતો-વાતોમાં કુણાલને પ્રીટિની પર્સનાલિટી એટલી ગમી ગઈ કે, બે દિવસ પછી તેણે ફોન કરીને કહ્યું કે, તેણે પ્રીટિને ધ્યાનમાં રાખીને એક ચોકલેટની એડ લખી છે અને તેણે પ્રીટિને ઓડિશન માટે બોલાવી. પ્રીટિ થોડી ગભરાયેલી હતી, પણ તેણે વિચાર્યું કે ઓડિશન આપવાથી શું નુકસાન થશે? ત્યાં ફક્ત ચાર-પાંચ લોકો હશે અને વાત પૂરી થઈ જશે, પણ જ્યારે તે ઓડિશન માટે પહોંચી, ત્યારે ત્યાં લગભગ 50 છોકરીઓ ઊભી હતી. પ્રીટિ ગભરાઈ ગઈ, પણ તેમ છતાં તેણે હિંમત ભેગી કરી અને હાથમાં ચોકલેટ લઈને ફક્ત બે લાઈનો બોલી. ત્યાંથી જ નસીબે પલટો લીધો. એક્ટ્રેસે ફક્ત બે લાઈન બોલીને બતાવી અને તેનું સિલેક્શન થઈ ગયું. આ ‘પર્ક ચોકલેટ’ની જાહેરાત હતી. આ પછી તેણે ‘લિરિલ’ની પ્રખ્યાત જાહેરાત કરી અને અહીંથી જ તેની ઓળખ બનવાની શરૂઆત થઈ ગઈ. સિક્કો ઉછાળી ફિલ્મોમાં આવવાનો કર્યો હતો નિર્ણય પ્રીટિ એક ઓડિશન માટે ગઈ હતી, ત્યારે તેની મુલાકાત ફિલ્મમેકર શેખર કપૂર સાથે થઈ. તે સીડીઓ પરથી ઉતરી રહી હતી, હાથમાં બે પુસ્તકો હતા. ત્યારે શેખરે તેને પૂછ્યું, ‘તમે ઓડિશનમાં શું કરવા માંગશો?’ પ્રીટિએ સીધું કહ્યું, ‘હું ઓડિશન આપવા નથી આવી.’ શેખરે માઈક લઈને બધાની સામે કહી દીધું કે, આ છોકરી ઓડિશન આપવા આવી છે, પણ ગભરાઈ ગઈ છે. પ્રીટિનો ચહેરો લાલ થઈ ગયો અને તેણે આખરે ઓડિશન આપી જ દીધું. બે અઠવાડિયા પછી શેખર કપૂરે તેને બોલાવી અને કહ્યું, ‘શું તમે મારી સાથે આ ફિલ્મ (તા રા રમ પમ પમ) કરશો?’ પ્રીટિને વિશ્વાસ જ ન થયો, તેણે સિક્કો ઉછાળીને ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય કર્યો. જોકે, આ ફિલ્મ બની શકી નહીં. ‘દિલ સે’થી બોલિવૂડમાં ડેબ્યૂ પ્રીટિની પહેલી રિલીઝ થયેલી ફિલ્મ મણિરત્નમની ‘દિલ સે’ હતી. તેમાં તેનો રોલ ભલે નાનો હતો, પરંતુ તેની શાનદાર એક્ટિંગે તેને ઓળખ અપાવી. જ્યારે પ્રીટિ ‘દિલ સે’ ફિલ્મ કરી રહી હતી, ત્યારે ઘણા લોકોએ તેને ડરાવી દીધી કે, ફિલ્મમાં મનીષા કોઈરાલા તેના રોલને દબાવી દેશે. પ્રીટિ થોડી ગભરાયેલી હતી, પરંતુ સેટ પર મનીષા સાથે કામ કરીને તેને ઘણું શીખવા મળ્યું. પ્રીટિએ કહ્યું હતું કે, આ અનુભવને કારણે આજે જ્યારે પણ કોઈ નવી છોકરી તેની સાથે કામ કરે છે, ત્યારે તે ખાસ કરીને પ્રયાસ કરે છે કે, તેની સાથે સારી રીતે વર્તે. લીડ રોલ તરીકે તે ફિલ્મ ‘સોલ્જર’માં જોવા મળી હતી. સરોજ ખાનના ઠપકા પછી રડી પડી હતી પ્રીટિ ઝિન્ટાએ સિમી ગરેવાલના શોમાં જણાવ્યું હતું કે, જ્યારે તે ફિલ્મ ‘ક્યા કહના’નું શૂટિંગ કરી રહી હતી, ત્યારે એક ગીતના સીનમાં તે બરાબર લિપસિંક કરી શકતી ન હતી. આ વાત પર પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાન ખૂબ નારાજ થઈ ગયાં હતાં. પ્રીટિના મતે, તે જ દિવસે તેને પહેલીવાર સાચા પેશનનો અહેસાસ થયો. તેણે કહ્યું, ‘મને લાગે છે કે મારો સાચો જુસ્સો ત્યારે શરૂ થયો, જ્યારે સેટ પર મારા પર બૂમો પાડવામાં આવી હતી. મને આજે પણ યાદ છે, મારી પહેલી ફિલ્મ ‘ક્યા કહના’ દરમિયાન સરોજ જીએ કહ્યું હતું, ‘ક્યાંથી લઈ આવ્યા છો આ છોકરીને? આને એ નથી ખબર કે, ડાન્સ કેવી રીતે કરવો?’ પ્રીટિએ આગળ જણાવ્યું હતું કે, સરોજ ખાને ગુસ્સામાં એ પણ કહ્યું હતું કે, તેને લિપસિંક પણ નથી આવડતી અને પ્રશ્ન ઉઠાવ્યો કે, તે આખરે અહીં કરી શું રહી છે? તે પળને યાદ કરતા પ્રીટિએ કહ્યું હતું, ‘તે સમયે હું પોતાને ખૂબ મૂર્ખ અનુભવી રહી હતી અને રડી પણ પડી હતી.’ જોકે, તે જ ઠપકાએ તેને પોતાને બદલવાની પ્રેરણા આપી. પ્રીટિએ જણાવ્યું હતું કે, તેને ત્યારે જ સમજાઈ ગયું હતું કે, જો તેને ફિલ્મોમાં ટકી રહેવું હોય, તો અડધા મનથી નહીં પણ પૂરી મહેનત અને લગનથી કામ કરવું પડશે. સખત મહેનતથી સુપરસ્ટાર બની ગઈ 2003 થી 2006 નો સમય પ્રીટિ ઝિન્ટાના કરિયરનો સૌથી શ્રેષ્ઠ સમય રહ્યો છે. ‘કોઈ મિલ ગયા’, ‘કલ હો ના હો’, ‘વીર ઝારા’, ‘સલામ નમસ્તે’ અને ‘કભી અલવિદા ના કહના’ જેવી ફિલ્મોએ તેને સુપરસ્ટાર બનાવી દીધી. પ્રીટિ ઝિન્ટાએ અંડરવર્લ્ડ ડોન વિરુદ્ધ જુબાની આપી હતી પ્રીટિ ઝિન્ટા માત્ર પોતાની ફિલ્મો માટે જ નહીં, પરંતુ પોતાના સાહસ માટે પણ જાણીતી છે. વર્ષ 2003માં અંડરવર્લ્ડ વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપવી એ તેના જીવનનો સૌથી સાહસિક નિર્ણય માનવામાં આવે છે. આ મામલો ફિલ્મ ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’ના ફાઇનાન્સર ભરત શાહ સાથે જોડાયેલો હતો, જેના પર મુંબઈ અંડરવર્લ્ડ ડોન છોટા શકીલ સાથે સંબંધ રાખવાનો આરોપ લાગ્યો હતો. આ મામલામાં ભરત શાહની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રીટિને 50 લાખ રૂપિયાની ખંડણીની ધમકી મળી. આ કેસમાં ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સને સાક્ષી બનાવવામાં આવ્યા હતા, જેમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન પણ સામેલ હતા, પરંતુ બાદમાં બધા પોતાના નિવેદનોથી ફરી ગયા, પરંતુ પ્રીટિએ કોર્ટમાં પોતાના નિવેદનથી પીછેહઠ કરવાનો ઇનકાર કરી દીધો. તે એકમાત્ર સાક્ષી હતી, જેણે પોતાના પહેલા આપેલા નિવેદનને કોર્ટમાં દોહરાવ્યું અને પ્રોસિક્યુટરનો સાથ આપ્યો. કોર્ટમાં જુબાની આપ્યા બાદ પ્રીટિને બે મહિના સુધી વિટનેસ પ્રોટેક્શનમાં રાખવામાં આવી હતી અને તે પબ્લિક લાઇફથી દૂર રહી હતી. તેના આ પગલાંની દેશભરમાં પ્રશંસા થઈ હતી. આ જ બહાદુરી માટે તેને ‘રેડ એન્ડ વ્હાઇટ બ્રેવરી એવોર્ડ્સ’માં માઇન્ડ ઓફ સ્ટીલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. 2016માં જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યાં પ્રીટિ ઝિન્ટાની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેણે 2016માં અમેરિકન બિઝનેસમેન જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યાં અને હવે તે લોસ એન્જલસમાં રહે છે. 2021માં સરોગસી દ્વારા તે જોડિયા બાળકોની માતા બની. પ્રીટિ એક્ટિંગ ઉપરાંત સ્પોર્ટ્સના ક્ષેત્રમાં પણ સક્રિય છે. તે IPL ટીમ ‘પંજાબ કિંગ્સ’ની કો-ઓનર છે. 600 કરોડની સંપત્તિની ઓફર ઠુકરાવી પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કમાલ અમરોહીના દીકરા શાનદાર અમરોહીએ વર્ષ 2011માં જાહેરાત કરી હતી કે, તે પોતાની 600 કરોડ રૂપિયાની સંપત્તિ પ્રીટિ ઝિન્ટાના નામે કરી દેશે. તે પ્રીટિને પોતાની દીકરી સમાન માનતા હતા કારણ કે, તેણે એક પારિવારિક વિવાદ દરમિયાન શાનદારને ઘણો ટેકો આપ્યો હતો. જોકે પ્રીટિએ આ પ્રસ્તાવને એમ કહીને ઠુકરાવી દીધો કે, તેને કોઈ બીજાની સંપત્તિની જરૂર નથી અને ન તો તેનો તેમાં કોઈ સ્વાર્થ છે. તેણે સ્પષ્ટ કર્યું કે, તે ફક્ત એક મિત્ર અને મદદગાર તરીકે તેની સાથે હતી. બુરખો પહેરીને પ્રીટિ ફિલ્મ ‘દબંગ’ જોવા ગઈ હતી જ્યારે સલમાન પ્રીટિના ટૉક શો ‘અપ ક્લોઝ એન્ડ પર્સનલ વિથ પીઝેડ’માં મહેમાન તરીકે આવ્યો હતો, ત્યારે એક્ટ્રેસે જણાવ્યું હતું કે, જ્યારે ફિલ્મ ‘દબંગ’ રિલીઝ થઈ હતી, ત્યારે તે દર્શકોનો પ્રતિભાવ જોવા માટે બુરખો પહેરીને ગેઈટી થિયેટર ગઈ હતી. ફિલ્મના દરમિયાન તેણે સલમાનના કેટલાક સીન પર બાકીના દર્શકો સાથે સીટીઓ પણ વગાડી હતી. પ્રીટિ ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા મળશે પ્રીટિ ટૂંક સમયમાં ફિલ્મ ‘લાહોર 1947’માં સની દેઓલ સાથે જોવા મળશે. આ ભાગલાની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ છે, જેનું ડિરેક્શન રાજકુમાર સંતોષી કરી રહ્યા છે અને આમિર ખાન નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મ વર્ષ 2026માં રિલીઝ થઈ શકે છે. આ ઉપરાંત ચર્ચા છે કે, સંજય લીલા ભણસાલીની OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર આવેલી સિરીઝ ‘હીરામંડી સીઝન 2’માં પણ તે જોવા મળી શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

