અફઘાનિસ્તાનની આ T20 વર્લ્ડકપમાં પહેલી જીત:UAEને 5 વિકેટે હરાવ્યું; ઝદરાનની ફિફ્ટી, ઓમરઝાઈએ 4 વિકેટ લીધી

Last Updated: February 17, 2026By

અફઘાનિસ્તાને T20 વર્લ્ડકપની 28મી મેચમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ને 5 વિકેટે હરાવીને પ્રથમ જીત નોંધાવી. સોમવારે દિવસની પહેલી મેચમાં અફઘાનિસ્તાને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. UAEએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 160 રન બનાવ્યા. જવાબમાં અફઘાન ટીમે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. અફઘાનિસ્તાન માટે અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. તેણે 4 વિકેટ લીધી અને 21 બોલ પર અણનમ 40 રન બનાવ્યા. તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. આ જીત પછી અફઘાનિસ્તાન ગ્રુપ-Dના પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબર પર આવી ગયું છે. જ્યારે, UAE ચોથા નંબર પર સરકી ગયું. બંનેના 3-3 મેચમાં 2-2 પોઇન્ટ્સ છે, પરંતુ અફઘાનિસ્તાનનો રન રેટ સારો હોવાને કારણે તે એક સ્થાન ઉપર છે. ઇબ્રાહિમ ઝદરાને 53 રન બનાવ્યા
ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી અફઘાનિસ્તાન માટે ઇબ્રાહિમ ઝદરાને સૌથી વધુ 53 રન બનાવ્યા. તેના સિવાય અઝમતુલ્લાહ ઓમરઝાઈએ અણનમ 40, દરવિશ રસૂલીએ 33, સેદિકુલ્લાહ અટલે 16 અને ગુલબદ્દીન નઇબે 13 રન બનાવ્યા. રહેમાનુલ્લાહ ગુરબાઝ ખાતું પણ ખોલી શક્યા નહીં. UAE માટે મુહમ્મદ અરફાન અને જુનૈદ સિદ્દીકીએ 2-2 વિકેટ લીધી. મુહમ્મદ જવાદુલ્લાહને 1 વિકેટ મળી. સોહેબ ખાને અડધી સદી ફટકારી
UAE માટે સોહેબ ખાને અડધી સદી ફટકારી. તેણે 48 બોલમાં 68 રનની ઇનિંગ રમી. તેના સિવાય અલીશાન શરાફુએ 31 બોલમાં 40 રન બનાવ્યા. અફઘાનિસ્તાન માટે અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 4 અને મુજીબ ઉર રહેમાને 2 વિકેટ લીધી. રાશિદ ખાનને 1 વિકેટ મળી. આ સાથે તેના T20 કરિયરમાં 700 વિકેટ પૂરી થઈ ગઈ. બન્ને ટીમની પ્લેઇંગ-11 અફઘાનિસ્તાન (AFG): રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઇબ્રાહિમ ઝાદરાન, ગુલબદ્દીન નઇબ, સેદિકુલ્લાહ અટલ, દરવિશ રસૂલી, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન (કેપ્ટન), મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, ઝિયાઉર રહેમાન. UAE: આર્યંશ શર્મા (વિકેટકીપર), મુહમ્મદ વસીમ (કેપ્ટન), અલીશાન શરાફુ, સોહેબ ખાન, સિમરનજીત સિંહ, હર્ષિત કૌશિક, મુહમ્મદ અરફાન, મુહમ્મદ ફારૂક, હૈદર અલી, જુનૈદ સિદ્દીકી, મુહમ્મદ જવાદુલ્લાહ.