અમેરિકાના 18 રાજ્યોમાં બરફના તોફાનનો ખતરો:20 કરોડ લોકો પર સંકટ, 7000થી વધુ ફ્લાઇટ્સ રદ, ઈમરજન્સી જાહેર કરવામાં આવી

Last Updated: January 24, 2026By

અમેરિકામાં બર્ફીલા તોફાનની ચેતવણી બાદ 18 રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. જ્યારે બે દિવસમાં 7000થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે. નેશનલ વેધર સર્વિસ (NWS) અનુસાર, 20 કરોડ એટલે કે લગભગ બે-તૃતીયાંશ અમેરિકનો આ તોફાનની ઝપેટમાં આવી શકે છે. તોફાનના ડરથી લોકો ગ્રોસરી સ્ટોર પર એકઠા થઈ રહ્યા છે. ઘણી દુકાનોમાં પાણી, ઇંડા, માખણ અને માંસની અછત સર્જાઈ છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે તોફાન સાથે ભારે હિમવર્ષા, વરસાદ અને ઠંડી આવશે, જેના કારણે પરિસ્થિતિ અત્યંત ખતરનાક બની શકે છે. ઘણા મોટા શહેરોના એરપોર્ટ પણ તેનાથી પ્રભાવિત થયા છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટઅવેર અનુસાર, શનિવારે અમેરિકામાં 3,200થી વધુ ફ્લાઇટ્સ અને રવિવારે લગભગ 4,800 ફ્લાઇટ્સ રદ. અમેરિકાના ઘણા વિસ્તારોમાં 10 થી 14 ઇંચ સુધી હિમવર્ષા થવાનો અંદાજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું અમેરિકાના હાઈ પ્લેન્સથી શરૂ થઈને ધીમે ધીમે પૂર્વ તરફ આગળ વધશે. તેની અસરથી મેમ્ફિસ, નેશવિલ, વોશિંગ્ટન ડીસી, બાલ્ટીમોર, ફિલાડેલ્ફિયા અને ન્યૂયોર્ક જેવા મોટા શહેરોમાં હિમવર્ષા થશે. સધર્ન રોકીઝ અને પ્લેન્સથી લઈને મિડ-એટલાન્ટિક થઈને નોર્થ-ઈસ્ટ સુધી ભારે બરફ પડવાનો અંદાજ છે. NWS અનુસાર, કોલોરાડોથી લઈને વેસ્ટ વર્જિનિયા અને બોસ્ટન સુધીના ઘણા વિસ્તારોમાં 12 ઇંચથી વધુ બરફ પડી શકે છે. ન્યૂયોર્ક શહેરની આસપાસના કેટલાક વિસ્તારોમાં રવિવાર સવારથી સોમવાર સુધી 10 થી 14 ઇંચ હિમવર્ષા થઈ શકે છે અને 30 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ-પૂર્વીય અમેરિકાના મોટા ભાગમાં પણ થીજી જતી ઠંડી પડશે. એર ઇન્ડિયાએ ન્યૂયોર્ક જતી ફ્લાઇટ રદ કરી તોફાનના કારણે એર ઇન્ડિયાએ 25 અને 26 જાન્યુઆરીના રોજ ન્યૂયોર્ક અને નેવાર્કથી આવતી-જતી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. યાત્રા સંબંધિત સલાહમાં, એરલાઇને જણાવ્યું કે રવિવાર સવારથી સોમવાર સુધી ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે, જેનાથી ફ્લાઇટ સંચાલનમાં મુશ્કેલી પડી શકે છે. એર ઇન્ડિયાએ મુસાફરોને તેમની ફ્લાઇટ્સની સ્થિતિ તપાસવા અને જરૂર પડ્યે ટિકિટ રદ કરવા અથવા શિફ્ટ કરવા જેવા અન્ય વિકલ્પો પર વિચાર કરવાની સલાહ આપી છે. બરફ હટાવવા માટે 1600 સ્નો પ્લો, 1 લાખ 14 હજાર ટન મીઠું તૈયાર ઇમરજન્સી જાહેર કરાયેલા રાજ્યોમાં નેશનલ ગાર્ડ અને રેસ્ક્યુ ટીમોને તૈનાત કરવામાં આવી છે. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું કે બરફ હટાવવા માટે સમગ્ર રાજ્યમાં 1,600 થી વધુ સ્નો પ્લો મશીન અને 1,14,000 ટન મીઠું તૈયાર છે. મીઠું બર્ફીલા સ્તરને ઓગાળે છે, જેનાથી રસ્તાઓ પરથી બરફ હટાવવામાં સરળતા રહે છે. હોચુલે લોકોને ઘરથી કામ કરવા, જરૂરી સામાન અગાઉથી એકત્રિત કરવાની અપીલ કરી છે. તેમણે બરફ હટાવતી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે, કારણ કે તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. ન્યૂયોર્ક સિટીના મેયર જોહરાન મમદાનીએ જણાવ્યું હતું કે, 2 ઇંચ બરફ જમા થવા પર હજારો સેનિટેશન વર્કર્સ અને 2,200 સ્નો પ્લો તૈનાત કરવામાં આવશે. સબવે અને બસો ચાલુ રહેશે, પરંતુ લોકો ઘરે રહેવાનો પ્રયાસ કરે. વર્જિનિયાના ગવર્નર બોલ્યા – વિસ્તારમાં ઘણા દિવસો સુધી વીજળી ગુલ થઈ શકે છે વર્જિનિયાના ગવર્નર એબિગેલ સ્પેનબર્ગરે જણાવ્યું હતું કે, ઘણા દિવસો સુધી વીજળી ગુલ રહી શકે છે અને વિસ્તારમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે કહ્યું કે 2021માં થયેલા મોટા ગ્રીડ ફેલિયરની કોઈ આશંકા નથી. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્તરે કેટલાક આઉટેજ થઈ શકે છે, પરંતુ મોટા પાયે વીજળી ગુલ નહીં થાય. તેમણે કહ્યું કે સ્થાનિક પાવર પ્રોવાઇડર તૈયાર છે. વોશિંગ્ટન ડીસીમાં મેયર મ્યુરિયલ બોસરે સુરક્ષા માટે નેશનલ ગાર્ડ્સની માંગ કરી છે. ટ્રમ્પે કહ્યું- અમારી ટીમ તૈયાર, 300 જનરેટર અને 6 લાખ ધાબળાની વ્યવસ્થા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે તેમની સરકાર રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને તૈયારી કરી રહી છે. ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (FEMA) પણ સંપૂર્ણપણે તૈયાર છે. ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે મને આ અઠવાડિયે અમેરિકામાં આવનારી ખૂબ જ ઠંડી લહેર અને હિમવર્ષા વિશે જાણકારી આપવામાં આવી છે. તેમણે તૈયારીઓ અંગે કહ્યું કે “અમારી ટીમ રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહી છે. FEMA સંપૂર્ણપણે તૈયાર છે.” FEMA એ 30 સર્ચ-એન્ડ-રેસ્ક્યુ ટીમોને સ્ટેન્ડબાય પર રાખી છે. 70 લાખ ખાવાના પેકેટ્સ અને 6 લાખ ધાબળાની વ્યવસ્થા કરી છે. 300 જનરેટર પહેલેથી જ તૈનાત કરવામાં આવ્યા છે.