અલી ગોનીએ 'નમો નારાયણ' કહીને ટ્રોલ્સની બોલતી બંધ કરી:એલ્વિશ યાદવની ઘીની બ્રાન્ડનું નામ ન લેતા યુઝર્સે હોબાળો કર્યો હતો

Last Updated: July 6, 2026By

ટીવી એક્ટર અલી ગોનીએ સોશિયલ મીડિયા પર તે લોકોને જવાબ આપ્યો, જેમણે એલ્વિશ યાદવના ઘી બ્રાન્ડનું નામ ન લેવા બદલ તેને ટ્રોલ કર્યો હતો. બ્રાન્ડના નામને યુઝર્સે ધર્મ સાથે જોડ્યું ખરેખર, તાજેતરમાં અલીએ એક વીડિયોમાં ઘીના વખાણ કર્યા હતા, પરંતુ બ્રાન્ડનું નામ લીધું ન હતું. આ પછી કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આના પર પ્રશ્નો ઉઠાવ્યા અને તેને ધર્મ સાથે જોડીને પ્રતિક્રિયા આપી. અલી ગોનીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કરીને આ મામલે સ્પષ્ટતા કરી. વીડિયોમાં તેણે એલ્વિશના ઘી બ્રાન્ડ ‘નમો નારાયણ’નું નામ પણ લીધું અને કહ્યું કે, તેને આ વાતનો અંદાજ નહોતો કે બ્રાન્ડનું નામ ન લેવા બદલ વિવાદ ઊભો થશે. અલીએ કહ્યું, ‘નમો નારાયણ. નમો નારાયણ. તમને લોકોને વાત બનાવવા માટે કંઈ નવું ન મળ્યું, તો તમે લોકોએ આ બનાવી દીધું. હું તો બસ ઘીના વખાણ કરી રહ્યો હતો. મેં તો એટલું વિચાર્યું પણ નહોતું કે તમે લોકો નામને લઈને આટલો મોટો… આ ખૂબ રમુજી છે.’ તેણે આગળ કહ્યું, ‘હું ક્યારેય આ બાબતો પર આટલું ધ્યાન આપતો નથી, પણ આ ખૂબ રમુજી હતું. મતલબ કે તમે લોકો આટલી ખરાબ વાત કરશો, પણ નમો નારાયણ અને મને કોઈ પણ નામ લેવાથી કોઈ સમસ્યા નથી. મારા માટે બધું સરખું છે. કંઈક નવું શોધો યાર.’ અલી ગોની પહેલા પણ ટ્રોલ થયો હતો નોંધનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે અલી ગોની આવા વિવાદમાં આવ્યો હોય. આ પહેલા તે ગયા વર્ષે મુંબઈમાં ગર્લફ્રેન્ડ જાસ્મિન ભસીન સાથે ગણપતિ પૂજામાં સામેલ થયો હતો. તે દરમિયાન ‘ગણપતિ બાપ્પા મોરયા’ના જયકારાને લઈને પણ તેને સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં ‘ફિલ્મીજ્ઞાન’ના એક પોડકાસ્ટમાં અલીએ કહ્યું હતું કે, તે પહેલીવાર ગણપતિ ઉત્સવમાં સામેલ થયો હતો. તેને ક્યારેય લાગ્યું ન હતું કે એક નાની વાત આટલો મોટો વિવાદ બની જશે. તેણે કહ્યું હતું, ‘મારા ધર્મમાં તેની પરવાનગી નથી. અમે પૂજા કરતા નથી. અમારો એક જ બિલીવર છે. અમે નમાઝ પઢીએ છીએ, અમે પ્રાર્થના કરીએ છીએ.’ જોકે, તેણે એમ પણ કહ્યું હતું કે, તે દરેક ધર્મનું સન્માન કરે છે. અલી ગોનીએ એમ પણ જણાવ્યું હતું કે, વાયરલ વીડિયોમાં જાસ્મિન ભસીન તેનું મોંઢું એટલા માટે પકડી રહી હતી, કારણ કે પાછળ લોકો જયકારા બોલી રહ્યા હતા અને કોઈએ કહ્યું હતું, ‘ગણપતિ સૌથી ક્યૂટ છે.’ ત્યારબાદ જાસ્મિને પ્રેમથી અલી તરફ ઈશારો કરતા કહ્યું, ‘આ પણ ક્યૂટ છે.’ અલીનું કહેવું હતું કે, વીડિયોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો અને એવું દર્શાવવામાં આવ્યું, જેમ કે જાસ્મિન તેમને ‘ગણપતિ બાપ્પા મોરયા’ બોલવા માટે કહી રહી હતી.