આજથી મિશન 2027 વર્લ્ડ કપનો 'શુભ' આરંભ:વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી વન-ડે મેચ, કોહલી-રોહિત રેકોર્ડ બનાવી શકે; તિરુવનંતપુરમમાં વરસાદ મજા બગાડી શકે
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે તિરુવનંતપુરમમાં રમાશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ ખેલાડીઓ એકવાર ફરી મેદાન પર જોવા મળશે. ભારતીય ટીમની કમાન શુભમન ગિલના હાથમાં હશે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝની કેપ્ટનશીપ શાઈ હોપ કરશે. બંને ટીમ વચ્ચે રમાનારા આ મુકાબલા પહેલાં ચાલો નજર નાખીએ મેચના પ્રિવ્યૂ અને મહત્વની બાબતો પર. શ્રેયસ અય્યર આ સિરીઝનો હિસ્સો નથી. એવામાં પહેલી વન-ડેમાં તેની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને તક મળવાની શક્યતા છે. બીજી તરફ, સ્પિન બોલિંગની જવાબદારી રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સંભાળી શકે છે. ફાસ્ટ બોલિંગની આગેવાની મોહમ્મદ સિરાજ કરતા જોવા મળી શકે છે. વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનું પલડું રહ્યું છે ભારે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી 142 મેચ રમાય છે. આ દરમિયાન ઈન્ડિયન ટીમને 72 મેચમાં જીત મળી છે. વેસ્ટ ઇન્ડીઝે 64 મેચ પોતાના નામે કરી છે. 4 મેચમાં કોઈ પરિણામ નીકળી શક્યું નથી અને 2 મેચ ટાઈ પર સમાપ્ત થઈ છે. આ બંને ટીમ વચ્ચે છેલ્લી 5 વન-ડે મેચમાં ભારતે 4 મેચમાં જીત નોંધાવી છે, જ્યારે માત્ર એક જ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને સફળતા મળી શકી છે. આ ખેલાડીઓના પ્રદર્શન પર રહેશે નજર કેપ્ટન ગિલે છેલ્લી 9 મેચમાં 93.5ની એવરેજથી 561 રન બનાવ્યા છે. રોહિતના બેટથી છેલ્લી 10 મેચમાં 45.4ની એવરેજથી 454 રન નીકળ્યા છે. પ્રસિદ્ધ ક્રિષ્નાએ છેલ્લી 8 મેચમાં 17 વિકેટ ઝડપી છે. વિન્ડીઝ કેપ્ટન હોપે છેલ્લી 10 મેચમાં 51.57ની એવરેજથી 361 રન બનાવ્યા છે. જ્યારે બોલિંગમાં ફોર્ડે છેલ્લી 7 મેચમાં 5.14ની ઇકોનોમી રેટથી 10 વિકેટ લીધી છે, તો સીલ્સે છેલ્લી 6 મેચમાં 10 વિકેટ લીધી છે. તિરુવનંતપુરમમાં કોહલી અત્યાર સુધી આઉટ થયો નથી તિરુવનંતપુરમમાં વિરાટ કોહલીએ પોતાની વન-ડે કારકિર્દીની પહેલી મેચ વેસ્ટ ઇન્ડીઝ સામે 2018માં રમી હતી. તે મેચમાં તે અણનમ 33 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝની ટીમ 104 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી, ભારતે આ ટાર્ગેટને 15મી ઓવરમાં જ કરી લીધો હતો. આ મેદાન પર વિરાટ કોહલી બીજી વખત 2023માં શ્રીલંકા સામે રમવા ઉતર્યો હતો અને ત્યારે પણ તેને કોઈ બોલર આઉટ કરી શક્યો નહતો. ભારતે આ મેચમાં પહેલા બેટિંગ કરતા શ્રીલંકા સામે 391 રનનો વિશાળ ટાર્ગેટ મૂક્યો હતો. કોહલીએ 166 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં 13 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં શુભમન ગિલે પણ સદી ફટકારી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્મા આ સિરીઝમાં રેકોર્ડ્સ બનાવી શકે છે કેવો રહેશે તિરુવનંતપુરમની પીચનો મિજાજ? તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ પર શરૂઆતની ઓવરોમાં ફાસ્ટ બોલરોને સીમ અને સ્વિંગથી મદદ મળી શકે છે. બેટર્સ માટે શરૂઆતમાં સંભાળીને રમવું જરૂરી રહેશે. મુકાબલો આગળ વધવાની સાથે પીચ પર બેટિંગ સરળ થઈ શકે છે અને ખેલાડીઓને રન બનાવવામાં સરળતા રહેશે. આ મેદાન પર પહેલાં પણ મોટા સ્કોર જોવા મળ્યા છે. એવામાં ટૉસ જીતનારી ટીમ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકે છે. કેવું રહેશે હવામાન? એક્યુવેધર અનુસાર, તિરુવનંતપુરમમાં હવામાન પૂરી રીતે સાફ નહીં રહે. અહીં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની આશા છે. વરસાદની 51% સંભાવના છે, જેનાથી દર્શકોને પૂરી મેચ જોવામાં મુશ્કેલી પડી શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ગરનૂર બરાર અને પ્રસિદ્ધ ક્રિષ્ના. વેસ્ટ ઇન્ડીઝ (WI): જોન કેમ્પબેલ, શાઈ હોપ (કેપ્ટન/વિકેટકીપર), કીસી કાર્ટી, રોસ્ટન ચેઝ, શેરફેન રધરફોર્ડ, જસ્ટિન ગ્રીવ્સ, મેથ્યુ ફોર્ડ, કીમો પોલ, અલ્ઝારી જોસેફ, ગુડાકેશ મોતી અને જેડન સીલ્સ.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


