આ અઠવાડિયે બેંકો 5 દિવસ ધમધમશે:બેંકિંગ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે, 2 ઑક્ટોબર સિવાય કામકાજ નહીં અટકે!

Last Updated: September 28, 2026By

દેશભરમાં તમામ બેંકો સામાન્ય દિવસોની જેમ ખુલ્લી રહેશે અને બેંકિંગ સંબંધિત તમામ કામકાજ દરરોજની જેમ ચાલુ રહેશે. યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU)એ 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન જાહેર કરેલી પોતાની 3 દિવસની હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. રવિવારે મોડી રાત્રે યોજાયેલી બેઠકમાં ઇન્ડિયન બેંક્સ એસોસિયેશન (IBA) 5-ડે વર્કિંગ માટે સમિતિ બનાવવાની સંમતિ આપી છે. સાથે જ કર્મચારીઓની અન્ય માગણીઓ પૂરી કરવાનો વિશ્વાસ પણ અપાવ્યો છે. હડતાળ મુલતવી રાખવામાં આવતા આ અઠવાડિયે 5 દિવસ બેંકો ખુલ્લી રહેશે અને માત્ર 2 ઑક્ટોબરે ગાંધી જયંતિના અવસર પર બંધ રહેશે. નોટબંધીના 10 વર્ષ બાદ રવિવારે બેંકો ખુલ્લી હતી બેંક હડતાળને કારણે નાણાં મંત્રાલયના નિર્દેશ પર 10 વર્ષ બાદ રવિવારે સામાન્ય લોકો માટે બેંકો ખોલવી પડી હતી. આ પહેલાં, 2016માં નોટબંધી બાદ 14 નવેમ્બરે રવિવારના દિવસે બેંકો ખોલવામાં આવી હતી. તે સમયે જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બદલાવવા, જમા કરવા અને રોકડ ઉપાડવા માટે લોકો બેંકોમાં લાઇનમાં ઊભા રહ્યા હતા. ભીડને સંભાળવા માટે સરકારે રવિવારે પણ બેંકો ખોલવાનો નિર્ણય લીધો હતો. ATMની મફત મર્યાદા બાદ રોકડ ઉપાડવા પર ચાર્જ લાગશે બેંક હડતાળ ટળી જવાથી હવે ATMની માસિક મફત મર્યાદા સમાપ્ત થયા બાદ ચાર્જ લાગશે. આ પહેલાં તમામ સરકારી બેંકોએ 28થી 30 સપ્ટેમ્બર સુધી ATMની માસિક મફત મર્યાદા સમાપ્ત થયા બાદ રોકડ ઉપાડવા પર ચાર્જ ન લેવાનો નિર્ણય કર્યો હતો. જોકે, અત્યારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. RBIના નિયમો અનુસાર, તમે તમારા બેંકના ATMમાંથી દર મહિને 5 વખત મફતમાં રોકડ ઉપાડી શકો છો. અન્ય બેંકના ATMમાંથી દિલ્હી, મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં મહિનામાં 3 વખત અને નાના શહેરોમાં 5 વખત મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા છે. જો તમે એક મહિનામાં મર્યાદા કરતાં વધુ વખત ATMમાંથી રોકડ ઉપાડો છો, તો દર વખતે ₹23 + GST ચાર્જ કપાય છે. આ ઉપરાંત, જ્યારે તમે ATMનો ઉપયોગ કરો છો, ત્યારે બેંકો પણ એકબીજાને ફી ચૂકવે છે- રોકડ ઉપાડવા પર 19 રૂપિયા અને બેલેન્સ ચેક કરવા પર 7 રૂપિયા. આ બાબતો પર સહમતી બની અઠવાડિયામાં 2 દિવસની રજા માટે કમિટી: બેંકોમાં પહેલા અને ત્રીજા શનિવારે પણ રજા જાહેર કરવાની માગ પર વિચાર કરવા માટે એક ખાસ કમિટી બનાવવામાં આવશે. તેમાં બેંક મેનેજમેન્ટ અને યુનિયન બંનેના નેતાઓ સામેલ થશે. આ કમિટી તમામ પક્ષો સાથે વાતચીત કરીને એવો માર્ગ કાઢશે, જેથી બેંક કર્મચારીઓને સુવિધા મળે અને લોકોના કામ પર પણ અસર ન થાય. 5-ડે વર્કિંગના બદલામાં કર્મચારીઓએ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ 40 મિનિટ વધુ કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અધિકારીઓના ઇન્સેન્ટિવ અંગે ચર્ચા: સિનિયર અધિકારીઓની પરફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ સાથે જોડાયેલી ફરિયાદો અને ખામીઓને પણ ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે. જૂના મુદ્દાઓ પણ ઉકેલાશે: માર્ચ 2024માં નક્કી થયેલી બાકી રહેલી માંગણીઓ અને વચનો પર પણ શક્ય તેટલી વહેલી તકે ઉકેલ લાવવા માટે ફરીથી વાતચીત શરૂ કરવામાં આવશે. હડતાળમાં 90% કર્મચારીઓ સામેલ થવાના હતા હડતાળમાં દેશની 7 મોટી બેંક યુનિયનો સામેલ થવાની હતી, જેમાં લગભગ 90%થી વધુ બેંક કર્મચારીઓ જોડાયેલા છે. તેમાં AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF અને INBOCનો સમાવેશ થાય છે.