આ વર્ષે iPhone 18 માટે જોવી પડશે રાહ, જાણો શું છે કંપનીનો માસ્ટર પ્લાન

Last Updated: January 10, 2026By

એપલના ચાહકો જેઓ આ વર્ષે iPhone 18ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેમના માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તાજેતરના અહેવાલો મુજબ, એપલે તેની લોન્ચિંગ પેટર્નમાં મોટો ફેરફાર કર્યો છે. આ વર્ષે સપ્ટેમ્બરની ઈવેન્ટમાં કંપની iPhone 18 લોન્ચ નહીં કરે, પરંતુ તેની જગ્યાએ અન્ય પ્રીમિયમ મોડલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

લોન્ચિંગમાં મોટો ફેરફાર

સામાન્ય રીતે એપલ દર વર્ષે સપ્ટેમ્બરમાં તેની આખી સિરીઝ એકસાથે લોન્ચ કરે છે. જોકે, આ વખતે કંપનીએ પોતાની વ્યૂહરચના બદલી છે. ‘MacRumors’ ના અહેવાલ મુજબ, આ વર્ષે માત્ર હાઈ-એન્ડ મોડલ્સ એટલે કે iPhone 18 Pro અને iPhone 18 Pro Max જ બજારમાં મૂકવામાં આવશે. આ સિવાય, એપલ પ્રેમીઓ માટે સૌથી મોટું આકર્ષણ કંપનીનો પ્રથમ ફોલ્ડેબલ iPhone હોઈ શકે છે.

બે અલગ-અલગ ઈવેન્ટ્સનું આયોજન

એપલ હવે વર્ષમાં એકને બદલે બે મોટી ઈવેન્ટ્સ યોજવાની યોજના બનાવી રહ્યું છે. આ આયોજન હેઠળ આ વર્ષે સપ્ટેમ્બર 2026માં iPhone 18 Pro, Pro Max અને ફોલ્ડેબલ આઈફોન લોન્ચ થશે. આવતા વર્ષની શરૂઆતમાં (2027): સ્ટાન્ડર્ડ iPhone 18, બજેટ ફ્રેન્ડલી iPhone 18e, અને નવી જનરેશનનો iPhone Air 2 રજૂ કરવામાં આવશે.

ગ્રાહકો પર શું અસર પડશે?

જો તમે સ્ટાન્ડર્ડ iPhone 18 ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે 2027 સુધી રાહ જોવી પડી શકે છે. એપલનો આ નિર્ણય કદાચ ‘Air’ સિરીઝને વધુ પ્રોત્સાહન આપવા અને ફોલ્ડેબલ માર્કેટમાં મજબૂત પકડ બનાવવા માટે લેવામાં આવ્યો છે. આ ફેરફારથી એપલને વર્ષ દરમિયાન વેચાણની ગતિ જાળવી રાખવામાં પણ મદદ મળશે. એપલ હવે પ્રીમિયમ અને સ્ટાન્ડર્ડ મોડલ્સ વચ્ચે સ્પષ્ટ અંતર રાખીને ગ્રાહકોને અલગ-અલગ સમયે નવા વિકલ્પો આપવા જઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ 30 દિવસમાં વજન ઘટશે, સવારે ખાલી પેટે આ 4 વસ્તુ ખાવાથી શરીરમાં જાદુઈ અસર થશે