ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે અચાનક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી:વર્તમાન ન્યૂઝીલેન્ડ સામેની મેચ છેલ્લી હશે; ECBએ સોશિયલ મીડિયા પર ઇમેશનલ મેસેજ પોસ્ટ કરી
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. સ્ટોક્સ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે ટ્રેન્ટ બ્રિજમાં રમાઈ રહેલી વર્તમાન ટેસ્ટ મેચ બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દેશે. તેના આ નિર્ણયથી ક્રિકેટ જગત ભાવુક થઈ ગયું છે. ચોથા દિવસની (28 જૂન) રમત શરૂ થાય તે પહેલા 35 વર્ષીય બેન સ્ટોક્સે પોતાના સાથી ખેલાડીઓને આ નિર્ણયની જાણકારી આપી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડ ટીમ તરફથી એક ઇમોશનલ મેસેજ પણ શેર કર્યો હતો, જેમાં સ્ટોક્સને ટીમનો સૌથી પ્રેરણાદાયી કેપ્ટન, લીડર અને મહાન ખેલાડી ગણાવ્યો છે. સ્ટોક્સની નિવૃત્તિના સમાચાર સત્તાવાર રીતે ત્યારે સામે આવ્યા જ્યારે તે ટ્રેન્ટ બ્રિજમાં બોલિંગ કરી રહ્યો હતો. રસપ્રદ વાત એ રહી કે જેવી જ તેની નિવૃત્તિની સત્તાવાર જાહેરાત થઈ, તેના તરત પછી ફેંકવામાં આવેલા પહેલા જ બોલ પર તેણે ન્યૂઝીલેન્ડના બેટર ઝેક ફાઉલકેસની વિકેટ ઝડપી લીધી હતી. સ્ટોક્સ તાજેતરમાં લંડનની એક નાઇટ ક્લબમાં બનેલી ઘટનાના કારણે બીજી ટેસ્ટ રમી શક્યો ન હતો. જોકે ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટમાં કેપ્ટન તરીકે તેનું કમબેક થયું હતું. બેન સ્ટોક્સે શું કહ્યું? ઇંગ્લિશ ટીમના ટેસ્ટ કેપ્ટને સાથી ખેલાડીઓને કહ્યું, ‘મારા આ નિર્ણય પાછળના કારણો પર પછીથી વાત થશે. પરંતુ મેં આ ટીમ, તમારા લોકો અને મારાથી પહેલાના ખેલાડીઓ માટે હંમેશા મારું સર્વસ્વ આપી દીધું છે. હવે મારી પાસે આ છેલ્લી તક છે. મારી બસ એક જ વિનંતી છે કે દરેક વ્યક્તિ એવું જ કરે. આપણે આગામી બે દિવસમાં ઘણી મહેનત કરવાની છે. હું ઇચ્છું છું કે જ્યારે હું મેદાનની બહાર જાઉં ત્યારે મને એવો અહેસાસ થાય કે આ ટીમે પોતાનું સર્વસ્વ આપી દીધું છે. માત્ર મારા માટે જ નહીં, પરંતુ આ ટીમ માટે.’ ઇંગ્લેન્ડ ક્રિકેટે X પર લખ્યું, ‘બેન, તમે આ ટીમ માટે સૌથી પ્રેરણાદાયી કેપ્ટન, લીડર અને દિગ્ગજ રહ્યા છો, જેની કોઈ પણ ટીમ આશા રાખી શકે છે. અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ અને તમારા ભવિષ્ય માટે ઘણી બધી શુભેચ્છાઓ પાઠવીએ છીએ.’ બેન સ્ટોક્સે 122 ટેસ્ટ, 114 વન-ડે અને 43 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. આ મેચ પહેલા સુધી સ્ટોક્સે ટેસ્ટ મેચમાં 7228 રન બનાવ્યા અને 246 વિકેટ ઝડપી છે. જ્યારે વન-ડે ઇન્ટરનેશનલમાં તેના નામે 3463 રન અને 74 વિકેટ નોંધાયેલી છે. T20 ઇન્ટરનેશનલમાં સ્ટોક્સે 585 રન બનાવ્યા અને 26 વિકેટ લીધી છે. સ્ટોક્સની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડે 44 ટેસ્ટ મેચોમાંથી 24માં જીત મેળવી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

