ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં ઉછાળે વેચવાલી યથાવત રહેશે:બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે બેઝ મજબૂત રહેવાની શક્યતા

Last Updated: February 8, 2026By

નાણામંત્રી નિર્મલા સીતારામણે 1 ફેબ્રુઆરી 2026ના રોજ નાણા વર્ષ 2026-27 માટેનું ઉદ્યોગોના વિકાસ, રોજગાર વૃદ્ધિ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે નવા પ્રોજેક્ટો સાથેનું વિકાસલક્ષી કેન્દ્રિય બજેટ રજૂ કર્યા છતાં શેરબજારના મોટા વર્ગ માટે એક મોટી ઘાતક જોગવાઈ સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી) માં અનપેક્ષિત વધારો કરી દેતાં ફંડો, મહારથીઓ, ટ્રેડરોએ બજેટ પર ફીટકાર વર્ષાવી સપ્તાહની શરૂઆતમાં શેરોમાં ઓલ રાઉન્ડ વેચવાલી કરી હતી. ત્યાર બાદ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફમાં 18% ઘટાડો કરવાની જાહેરાત કરી, જેના પરિણામે ભારતીય બજારમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. મહિનાઓ સુધી વાટાઘાટો બાદ આખરે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થતા સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. વૈશ્વિક આઈટી ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) થી બિઝનેસ વૃદ્ધિ તૂટવાની અને બેરોજગારી વધવાની સાથે ઉદ્યોગમાં સંકટ વધવાની ચિંતા બતાવાતા સ્થાનિક બજારમાં સપ્તાહના અંતિમ દિવસોમાં કડાકો બોલાઈ ગયો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની છ સભ્યોની નાણાકીય નીતિ સમિતિએ બજારોની અપેક્ષા મુજબ રેપો રેટ 2.25% પર યથાવત રાખવાનો નિર્ણય લેતા શુક્રવારે શરૂઆતના વેપારમાં ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે મજબૂત બન્યો હતો, વધુમાં, ભારત-યુએસ વેપાર સોદાને લગતા આશાવાદ અને વિદેશી ભંડોળના પ્રવાહને કારણે પણ રૂપિયાના વલણને ટેકો મળ્યો હતો. સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…. જાન્યુઆરી મહિનામાં જીએસટી કલેક્શનમાં થયેલો 6.2%નો વધારો અને કુલ વસૂલાત 1.93 લાખ કરોડ રૂપિયાને વટાવવી ભારતીય અર્થતંત્રની આંતરિક માંગ અને વ્યવસાયિક પ્રવૃત્તિમાં મજબૂતી દર્શાવે છે, જે શેરબજાર માટે સકારાત્મક સંકેત છે. નેટ જીએસટી આવકમાં 7.6%નો વધારો થઈને 1.71 લાખ કરોડ રૂપિયા થવો અને સ્થાનિક વ્યવહારોમાંથી ટેક્સ વસૂલાતમાં 4.8%નો વધારો થવો ઉપભોક્તા ખર્ચ, ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં સુધારાની પુષ્ટિ કરે છે. જોકે, જીએસટી દરોમાં થયેલા ઘટાડા અને લક્ઝરી તથા હાનિકારક વસ્તુઓ પર સેસ હટાવવાથી સરકારની આવક પર થોડી અસર પડી છે. તેમ છતાં, રિફંડમાં ઘટાડો અને સ્થિર કર વસૂલાત નાણાકીય શિસ્ત અને રાજકોષીય સ્થિતિને સંતુલિત રાખવામાં મદદરૂપ બની શકે છે, જે લાંબા ગાળે ઇક્વિટી માર્કેટ માટે સહાયક છે. જાન્યુઆરીમાં આયાતમાંથી જીએસટી આવકમાં 10.1%નો નોંધપાત્ર વધારો થઈને 52,253 કરોડ રૂપિયા થવો વૈશ્વિક વેપાર પ્રવાહોમાં સુધારો અને ભારતની વૈશ્વિક સપ્લાય ચેઇન સાથેની મજબૂત જોડાણ દર્શાવે છે. આયાત આધારિત આવકમાં વધારો વૈશ્વિક કોમોડિટી ભાવ, આંતરરાષ્ટ્રીય માંગ અને વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિ સાથે સીધો સંબંધ ધરાવે છે, જે ભારતીય બજાર પર પણ અસર કરે છે. વૈશ્વિક સ્તરે વેપાર અને ઉત્પાદન પ્રવૃત્તિમાં સુધારાના સંકેતો ભારત માટે સકારાત્મક છે, પરંતુ સાથે સાથે વૈશ્વિક મહેસૂલી દબાણ, વ્યાજદરો અને ભૂ-રાજકીય પરિસ્થિતિ જેવા પરિબળો શેરબજારમાં ઉતાર-ચઢાવ લાવી શકે છે. તેમ છતાં, આયાત આવકમાં વૃદ્ધિ ભારતની વૈશ્વિક આર્થિક એકીકરણની સ્થિતિ મજબૂત થતી હોવાનો સંકેત આપે છે, જે લાંબા ગાળે ભારતીય શેરબજાર માટે અનુકૂળ માનવામાં આવે છે. મિત્રો, નાણાંકીય વર્ષ 2025-26 માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…. સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ 2025માં અંદાજીત રૂ.28,228.45 કરોડની ખરીદી, મે 2025માં અંદાજીત રૂ.67,642.34 કરોડની ખરીદી, જુન 2025માં અંદાજીત રૂ.72,673.91 કરોડની ખરીદી, જુલાઈ 2025માં અંદાજીત રૂ.60,939.16 કરોડની ખરીદી, ઓગસ્ટ 2025માં અંદાજીત રૂ.94,828.55 કરોડની ખરીદી, સપ્ટેમ્બર 2025માં અંદાજીત રૂ.65,343.59 કરોડની ખરીદી, ઓકટોબર 2025માં રૂ.52,794.02 કરોડની ખરીદી, નવેમ્બર 2025માં અંદાજીત રૂ.77,083.78 કરોડની ખરીદી, ડીસેમ્બર 2025માં અંદાજીત રૂ.79,619.91 કરોડની ખરીદી તેમજ 05 ફેબ્રુઆરી 2026 સુધીમાં અંદાજીત રૂ.4,157.20 કરોડની ખરીદી કરવામાં આવી હતી. જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ 2025માં અંદાજીત રૂ.2735.02 કરોડની ખરીદી, મે 2025માં અંદાજીત રૂ.11,773.25 કરોડની ખરીદી, જુન 2025માં અંદાજીત રૂ.7488.98 કરોડની ખરીદી, જુલાઈ 2025માં અંદાજીત રૂ.47,666.68 કરોડની વેચવાલી, ઓગસ્ટ 2025માં અંદાજીત રૂ.46,902.92 કરોડની વેચવાલી, સપ્ટેમ્બર 2025માં અંદાજીત રૂ.35,301.36 કરોડની વેચવાલી, ઓકટોબર 2025માં 2346.89 કરોડની વેચવાલી, નવેમ્બર 2025માં અંદાજીત રૂ.17,500.31 કરોડની વેચવાલી, ડીસેમ્બર 2025માં અંદાજીત રૂ.34,349.62 કરોડની વેચવાલી તેમજ 05 ફેબ્રુઆરી 2026 સુધીમાં અંદાજીત રૂ.694.76 કરોડની ખરીદી કરવામાં આવી હતી. બજારની ભાવી દિશા…. મિત્રો, ભારત-અમેરિકા વેપાર સોદા પછી ભારતીય શેરબજારની ભાવિ દિશા વધુ સ્થિર અને સકારાત્મક દેખાઈ રહી છે. ટેરિફમાં નોંધપાત્ર ઘટાડા અને સ્પષ્ટ નીતિગત માળખાને કારણે રોકાણકારોની માનસિકતા મજબૂત બની છે, જે બજારમાં લાંબા ગાળાની મૂડી પ્રવાહ માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે. ખાસ કરીને નિકાસ આધારિત ક્ષેત્રો જેમ કે આઈટી, ફાર્મા, ઓટોમોબાઈલ પાર્ટ્સ, ટેક્સટાઈલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને સીધો લાભ થવાની સંભાવના છે. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત બનવાથી કંપનીઓની આવક દૃશ્યમાન રીતે સુધરી શકે છે, જે મધ્યમથી લાંબા ગાળામાં શેરના મૂલ્યાંકનમાં વધારો લાવી શકે છે. પરિણામે, બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે પણ બેઝ મજબૂત રહેવાની શક્યતા છે. આ સાથે, અમેરિકા અને યુરોપિયન યુનિયન બંને સાથે મજબૂત વેપાર સંબંધો ભારત માટે વૈશ્વિક આર્થિક વિશ્વાસનું પ્રતિબિંબ છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધતી ભાગીદારી રૂપિયાને ટેકો આપશે અને લિક્વિડિટી પરિસ્થિતિ સુધારશે, જે શેરબજાર માટે મહત્વપૂર્ણ ઘટક સાબિત થઈ શકે છે. ઉત્પાદન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ગુડ્સ જેવા ક્ષેત્રોમાં નવા રોકાણથી કોર્પોરેટ નફાકારકતા વધવાની શક્યતા છે. આમ, ભારતીય શેરબજાર માત્ર ટૂંકા ગાળાના ટ્રેડિંગ માટે નહીં પરંતુ લાંબા ગાળાના રોકાણ માટે પણ આકર્ષક બની રહ્યું છે, જ્યાં વૈશ્વિક એકીકરણ અને મજબૂત આર્થિક આધાર બજારને નવી ઊંચાઈઓ તરફ લઈ જઈ શકે છે. કોલ ઈન્ડિયા લિ. ( BSE CODE – 533278 ) કોલ ઈન્ડિયા લિ. કોલ સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવ રૂ.432 આસપાસ આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.2,66,630.44 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.54.50 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.461.20 અને ઘટીને રૂ.349.20 થયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન : ડિસેમ્બર – 2025 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 63.13% અને પબ્લિકનું હોલ્ડીંગ 36.87% આવેલ. ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2022માં શેરદીઠ રૂ.23.00, વર્ષ 2023માં શેરદીઠ રૂ.24.50, વર્ષ 2024માં શેરદીઠ રૂ.26.00 અને વર્ષ 2025માં શેરદીઠ રૂ.26.50 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ. 52 અઠવાડિયાના ઉચ્ચ સ્તરની નજીક તેમજ ઓછું દેવું ધરાવતી આ કંપનીમાં FII તેમના શેરહોલ્ડિંગમાં વધારો કરી રહ્યા છે. ઝીરો પ્રમોટર પ્રતિજ્ઞા સાથે આ સ્ટોકમાં છેલ્લા 2 વર્ષથી બુક વેલ્યુમાં સુધારો જોવા મળ્યો છે. COAL INDIA :- કોલ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.432 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.411 ના સપોર્ટથી આ સ્ટોક રોકાણ અર્થે રૂ.444 થી રૂ.455 આસપાસ પ્રતિકૂળ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રેલ વિકાસ નિગમ લિ. ( BSE CODE – 542649 ) રેલ વિકાસ નિગમ લિ. સિવિલ કન્સ્ટ્રક્શન સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવ રૂ.320 આસપાસ આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.66,783.19 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.7.10 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.448.00 અને ઘટીને રૂ.295.25 થયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન : સપ્ટેમ્બર – 2025 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 72.84% અને પબ્લિકનું હોલ્ડીંગ 27.16% આવેલ. ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2022માં શેરદીઠ રૂ.1.83, વર્ષ 2023માં શેરદીઠ રૂ.2.13, વર્ષ 2024માં શેરદીઠ રૂ.2.11 અને વર્ષ 2025માં શેરદીઠ રૂ.1.72 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ. વધતા નફા માર્જિન (QoQ) સાથે ચોખ્ખા નફામાં વૃદ્ધિ કરતી આ કંપનીમાં FII તેમના શેરહોલ્ડિંગમાં વધારો કરી રહ્યા છે તેમજ તાજેતરના પરિણામમાં મજબૂત ત્રિમાસિક ગાળાના ચોખ્ખા નફામાં વૃદ્ધિ જોવા મળી છે. RAIL VIKAS NIGAM :- સિવિલ કન્સ્ટ્રકશન સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.314 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.303 ના સપોર્ટથી આ સ્ટોક રોકાણ અર્થે રૂ.322 થી રૂ.334 આસપાસ પ્રતિકૂળ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!