ઋષભ શર્મા પંડિત રવિશંકરના 'છેલ્લા શિષ્ય' હોવાનો દાવો ખોટો!:અનુષ્કા શંકરે કહ્યું- 'ઋષભે મારા પિતા પાસેથી નહીં પણ તેમના વરિષ્ઠ શિષ્ય પાસેથી તાલીમ લીધી છે'
સિતારવાદક અનુષ્કા શંકરે તાજેતરમાં સંગીતકાર ઋષભ રખીરામ શર્માના એ દાવાને નકારી કાઢ્યો, જેમાં તે પોતાને તેના પિતા પંડિત રવિશંકરના છેલ્લા અને સૌથી યુવા શિષ્ય ગણાવતો રહ્યો છે. ‘મારા પિતા ઋષભના ગુરુ નથી’ ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ સાથે વાત કરતા અનુષ્કાએ કહ્યું, ‘ઋષભ ખૂબ જ પ્રતિભાશાળી છે અને તે લોકો સાથે ખૂબ જ સુંદર રીતે જોડાય છે, પરંતુ તેમના ‘ગુરુ’ હોવા અંગે કેટલીક ગેરસમજો છે. તેમણે મારા ખૂબ જ નજીકના અને મારા પિતાના વરિષ્ઠ શિષ્ય પરિમલ સદાફલ પાસેથી ઊંડાણપૂર્વક તાલીમ લીધી છે.’ તેમણે આગળ કહ્યું કે, ‘મારા પિતા સાથે તેમની કેટલીક અનૌપચારિક અને પ્રેમભરી મુલાકાતો અને ક્લાસ થયા હતા, જેમાં પરિમલ પણ હાજર હતા. અમે તેમને બાળપણથી ઓળખીએ છીએ, કારણ કે તેઓ અમારા વાદ્ય-નિર્માતા સંજય રુખીરામ શર્માના પુત્ર છે.’ અનુષ્કા શંકરે એમ પણ કહ્યું કે, ‘કદાચ આ જ કારણથી આ વાત ફેલાઈ ગઈ કે તેઓ મારા પિતાના છેલ્લા કે સૌથી યુવા શિષ્ય હતા, જે સંપૂર્ણપણે સાચું નથી, પરંતુ તેઓ ખૂબ જ ટેલેન્ટેડ છે અને આ વાર્તા સાથે કે વગર પણ પોતાની સફળતાના હકદાર છે.’ નોંધનીય છે કે, અનુષ્કાએ 13 વર્ષની ઉંમરે જ પોતાના પિતા, સિતાર વાદક પંડિત રવિ શંકરના માર્ગદર્શન હેઠળ પ્રોફેશનલ પરફોર્મન્સ શરૂ કરી દીધા હતા. તેમને 14 વખત ગ્રેમી પુરસ્કાર માટે નોમિનેશન મળી ચૂક્યું છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો તેઓ હાલમાં ભારતમાં ‘ચૅપ્ટર્સ ટૂર 2026’ પર છે. કોણ છે ઋષભ રખીરામ શર્મા?
ઋષભ રખીરામ શર્મા એક પ્રખ્યાત ભારતીય સિતાર વાદક, સંગીત નિર્માતા અને ‘રખી રામ’ ઘરાનાના ચોથી પેઢીના કલાકાર છે. તેમનો એવો પણ દાવો છે કે તેઓ અમેરિકાના વ્હાઇટ હાઉસમાં સોલો સિતાર વગાડનાર પ્રથમ કલાકાર છે. તેઓ અવારનવાર સંગીતને માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય સાથે જોડે છે. તે ઘણા ઇન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાને પંડિત રવિ શંકરના છેલ્લા અને સૌથી યુવા શિષ્ય તરીકે ઓળખાવતો રહ્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં પણ તેણે પોતાને દિવંગત સિતાર સમ્રાટના છેલ્લા શિષ્ય ગણાવ્યા હતા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

