એકસાથે 12 શહેર પર હુમલાથી પાકિસ્તાન ધ્રૂજ્યું:BLAનું 'ઓપરેશન હેરોફ', 10 પોલીસકર્મીનાં મોત; ડેપ્યુટી કમિશનરનું કિડનેપ, શાહબાઝે કહ્યું- ભારતનો હાથ

Last Updated: January 31, 2026By

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં શનિવારે બલુચ લિબરેશન આર્મી (BLA)એ એકસાથે 12 સ્થળોએ હુમલા કર્યા. ન્યૂઝ એજન્સી AFP અનુસાર, હુમલામાં ઓછામાં ઓછા 10 સુરક્ષાકર્મીઓના મોત થયા છે. જ્યારે, પાકિસ્તાની સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં 37 લડવૈયાઓ પણ માર્યા ગયા. એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે બલુચ વિદ્રોહીઓએ ક્વેટા, પસની, મસ્તુંગ, નુશ્કી અને ગ્વાદર જિલ્લામાં શનિવારે સવારે 12થી વધુ સ્થળોએ એકસાથે હુમલા કર્યા. રાજધાની ક્વેટામાં ઓછામાં ઓછા ચાર પોલીસકર્મીઓ માર્યા ગયા. જોકે, તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ ચાર પોલીસકર્મીઓ તે 10 સુરક્ષાકર્મીઓમાં સામેલ છે કે નહીં. ક્વેટાના એક વરિષ્ઠ અધિકારીએ એમ પણ જણાવ્યું કે લડવૈયાઓએ નુશ્કી જિલ્લાના ડેપ્યુટી કમિશનરનું અપહરણ કરી લીધું છે. BLAએ તેને ‘ઓપરેશન હેરોફ’ નામ આપ્યું છે. હુમલા બાદ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે નિવેદન જારી કરીને દાવો કર્યો કે આ હુમલાઓ પાછળ ભારતનો હાથ છે. ક્વેટાના બજાર પર BLA લડવૈયાઓનો કબજો આ હુમલાઓની જવાબદારી બલૂચ લિબરેશન આર્મીએ લીધી છે. સંગઠને કહ્યું કે તેણે સૈન્ય ઠેકાણાઓ, પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓને નિશાન બનાવ્યા. સાથે જ એવો પણ દાવો કર્યો કે મુખ્ય હાઈવે બંધ કરવામાં આવ્યા, જેથી સેનાની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરી શકાય. BLA લડવૈયાઓએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે તેમણે ક્વેટાના એક બજાર વિસ્તાર પર કબજો કરી લીધો છે. ક્વેટામાં સવારથી સતત ધમાકા થઈ રહ્યા છે ક્વેટામાં AFPના એક પત્રકારે જણાવ્યું કે શહેરમાં અનેક ધમાકાના અવાજો સંભળાયા. સમગ્ર શહેરમાં ભારે સુરક્ષા તૈનાત કરી દેવામાં આવી, મુખ્ય રસ્તાઓ સૂમસામ રહ્યા અને વેપાર ઠપ થઈ ગયો. 38 વર્ષીય ખાનગી કર્મચારી અબ્દુલ વલીએ જણાવ્યું, “સવારથી સતત ધડાકા થઈ રહ્યા છે.” તેમની માતા હોસ્પિટલમાં દાખલ છે અને તેમને લોહીની જરૂર હતી. તેમણે કહ્યું, “પોલીસ અમારા પર બંદૂક તાકે છે અને કહે છે કે પાછા જાઓ, નહીં તો મારીશું. આવા સંજોગોમાં અમે શું કરીએ?” આ હુમલા એવા સમયે થયા છે જ્યારે એક દિવસ પહેલા જ સેનાએ દાવો કર્યો હતો કે તેણે બલૂચિસ્તાનમાં બે અલગ-અલગ અભિયાનોમાં 41 વિદ્રોહીઓને ઠાર કર્યા છે. શાહબાઝ બોલ્યા- આતંકવાદ ખતમ ન થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે નિવેદન જારી કરીને દાવો કર્યો કે આ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. તેમણે આ માટે સુરક્ષા દળોની પ્રશંસા પણ કરી. તેમણે કહ્યું કે તેમને અને સમગ્ર દેશને તેમના શહીદો પર ગર્વ છે. સાથે જ તેમણે આ હુમલાઓ પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે દેશમાંથી આતંકવાદ સંપૂર્ણપણે ખતમ ન થાય ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે. પાકિસ્તાનનું સૌથી ગરીબ રાજ્ય બલૂચિસ્તાન બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી ગરીબ પ્રાંત છે, જ્યારે અહીં કુદરતી સંસાધનોનો ભંડાર છે. શિક્ષણ, રોજગાર અને આર્થિક વિકાસના મામલે તે દેશના બાકીના ભાગોથી ઘણું પાછળ છે. આ વિસ્તાર લાંબા સમયથી હિંસા અને વિદ્રોહનો સામનો કરી રહ્યો છે. આ ખનિજ સંસાધનોથી ભરપૂર દક્ષિણ-પશ્ચિમ પ્રાંત છે, જેની સરહદ અફઘાનિસ્તાન અને ઈરાન સાથે જોડાયેલી છે. અહીં લડવૈયાઓ અવારનવાર સરકારી દળો, વિદેશી નાગરિકો અને અન્ય પ્રાંતોમાંથી આવેલા લોકોને નિશાન બનાવે છે. બલુચ લિબરેશન આર્મી (BLA) બલુચિસ્તાનું સૌથી સક્રિય અલગતાવાદી સંગઠન માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બલુચ અલગતાવાદીઓએ અન્ય પ્રાંતોમાંથી આવેલા પાકિસ્તાની મજૂરો અને વિદેશી કંપનીઓ પર હુમલા તેજ કર્યા છે. તેમનો આરોપ છે કે આ લોકો અને કંપનીઓ બલુચિસ્તાનના સંસાધનોનું શોષણ કરી રહી છે. BLA બલૂચિસ્તાનની આઝાદી માટે લડી રહ્યું છે બલૂચ લિબરેશન આર્મી (BLA) એક સંગઠન છે જે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની સ્વતંત્રતા માટે લડી રહ્યું છે. તેની સ્થાપના 2000ના દાયકાની શરૂઆતમાં થઈ હતી અને તેને ઘણા દેશો દ્વારા આતંકવાદી સંગઠન પણ જાહેર કરવામાં આવ્યું છે. BLAનો દાવો છે કે બલૂચિસ્તાનના કુદરતી સંસાધનોનું શોષણ થઈ રહ્યું છે અને બલૂચ લોકોના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. આ સંગઠન પાકિસ્તાની સેના, સરકાર અને CPEC જેવા ચીની પ્રોજેક્ટ્સને નિશાન બનાવતું રહ્યું છે. BLA તેની ગેરિલા શૈલી માટે જાણીતું છે. એટલે કે, પહાડી વિસ્તારોમાં છુપાઈને સેના પર હુમલો કરવો અને તરત જ પાછા ફરવું. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સમાં પાકિસ્તાન બીજા નંબરે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025 મુજબ, બુર્કિના ફાસો પછી પાકિસ્તાન વિશ્વનો બીજો સૌથી વધુ આતંકવાદ પ્રભાવિત દેશ બની ગયો છે, જ્યારે 2024માં તે ચોથા સ્થાને હતું.