'એક્ટિંગ કરિયરને લઈને પપ્પા સાથે ઘણીવાર બોલાચાલી થાય છે':મલ્હાર અને પૂજાએ શેર કર્યા 'ચટણી'ના ખાટા-મીઠા અનુભવો, હુલામણા નામનો ખુલાસો કર્યો
ગુજરાતી થાળી ‘ચટણી’ વિના અધૂરી ગણાય છે. ત્યારે ગુજરાતી સિનેમાના પાવર કપલ, મલ્હાર ઠાકર અને પૂજા જોશી ‘ચટણી’ના ખાટા, મીઠા, તીખા સ્વાદને મોટા પડદાં પર લઈ આવ્યા છે. પરિવારની સવા સો વર્ષ જૂની પરંપરા, ગામડાંના સ્વાદને શહેર સુધી લઈ જવાની યુવકની મથામણ અને આ બધા વચ્ચે પાંગરતા પ્રેમની સુંદર વાર્તા ‘ચટણી’ વિશે મલ્હાર અને પૂજાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી. ‘ગુજરાતી પરિવારોમાં ચાલતી વાર્તાઓની વાત છે ચટણી’ ‘ચટણી’ ફિલ્મથી જ પ્રોડ્યુસર તરીકે શ્રીગણેશ કરવાનું કેમ નક્કી કર્યું? આ અંગે વાત કરતા મલ્હારે કહ્યું કે, ‘મને આ ફિલ્મની વાર્તા ખૂબ ગમી. આ મૂળિયા સાથે જોડાયેલી વાત છે. ગામ અને શહેરને જોડતી કડી છે. તેથી મને લાગ્યું કે આ પ્રોજેક્ટમાં કો-પ્રોડ્યુસર થવું જોઈએ. આ અનોખી વાર્તા છે. ગુજરાતી પરિવારોમાં ચાલતી વાર્તાઓની વાત છે, તો મને થયું કે આમાં તો જોડાવું જોઈએ.’ ‘ચટણીના દરેક ફ્લેવર્સ ફિલ્મમાં જોવા મળશે’ ‘ચટણી’ને સામાન્ય રીતે ગાઠિયા કે ભજીયા સાથે સાઇડ ડિશ તરીકે જોડાયેલી હોય છે, ત્યારે ફિલ્મને ‘ચટણી’ નામ આપવાનો વિચાર કેવી રીતે આવ્યો? તે અંગે પૂજાએ કહ્યું કે, ‘આ હર્ષ શોધન અને સંદીપની વાર્તા છે. લેખકોને લખતી વખતે આ નામ મગજમાં આવ્યું હતું. બીજું એક એ પણ કે ફિલ્મમાં ચટણી જ મુખ્ય પાત્ર છે. ચટણીમાં તો કેટલા બધા ફ્લેવર હોય, ખાટા, મીઠા, તીખા… એ બધા જ ફ્લેવર્સ દર્શકોને આ ફિલ્મમાં જોવા મળશે. તેથી આનું નામ ‘ચટણી’ રાખવામાં આવ્યું.’ ‘એક્ટિંગ અમારો પહેલો પ્રેમ છે’ ફિલ્મના લીડ એક્ટર તરીકેની ભૂમિકા ભજવવામાં વધારે મજા આવી કે કૉ-પ્રોડ્યુસરની જવાબદારી નિભાવવામાં? એના વિશે વાત કરતા મલ્હારે કહ્યું કે, ‘બંને ભૂમિકા ભજવવાની મજા આવી. કેમેરાની પાછળની એક અલગ દુનિયા છે. પણ કેમેરાની સામે હોવ અને એ જ સમયે કેમેરાની પાછળ પણ જવાબદારી નિભાવવાની હોય, તો તે અઘરું પણ છે. પણ અમે ખૂબ મજા કરી છે. જ્યારે ફિલ્મ તૈયાર થતી હોય છે, ત્યારે તે હંમેશા મજાની વાત હોય છે.’ મલ્હારની વાતને આગળ વધારતા પૂજાએ કહ્યું કે, ‘કેમેરાની સામે કામ કરવાની તો ખૂબ મજા આવતી જ હોય છે, તે તો અમારો પહેલો પ્રેમ છે. પણ આ વખતે મારા માટે કેમેરાની પાછળ કામ કરવાનો અનુભવ પહેલીવાર હતો. આ એક નવો અનુભવ હતો, જેમાં બહુ મજા આવી અને ઘણું બધું શીખવા પણ મળ્યું.’ ‘પપ્પાએ કહ્યું હતું કે તું સર્વાઈવ નહીં કરી શકે’ ‘ચટણી’ ફિલ્મમાં ગામડામાં રહેતા પિતા, દીકરાને શહેરમાં રહેવા જતા રોકે છે. ત્યારે કરિયરને લઈને રિયલ લાઇફમાં ક્યારેય પપ્પા સાથે બોલાચાલી થઈ છે? એવું પૂછતાં મલ્હારે તરત હા પાડી. તેમણે કહ્યું, ‘પપ્પા સાથે કરિયરને લઈને ઘણીવાર બોલાચાલી થઈ છે. મારા મમ્મી-પપ્પા અને આખો પરિવાર જોબ ઓરિએન્ટેડ છે. પણ મેં ક્યારેય એવી નોકરી કરી જ નથી. હું જોબ કલ્ચરથી ઓકે પણ છું. પણ ઘણી વખત એમણે એવું કહ્યું છે કે, તું આમ નહીં કરે તો તું સર્વાઇવ નહીં કરી શકે. આ બાબતે અમારે મતભેદો થયા કરતા હોય છે. કેટલીક બાબતોની પસંદગીના લીધે, હું કેટલીક બાબતોનો ઓવરલોડ લઈ લઉં, ત્યારે આવું થતું હોય છે. આવા નાના-મોટા મતભેદો તો ચાલ્યા રાખે.’ ચટણી ચટાકેદાર હતી ફિલ્મનું મુખ્ય પાત્ર જ ચટણી છે, ત્યારે ફિલ્મ માટે ચટણી બનાવતા શીખ્યા? એવું પૂછતા પૂજા અને મલ્હાર બંનેએ એક જ સાથે હા પાડી. પૂજાએ કહ્યું કે, ‘જ્યારે મેં ચટણી ચાખી, તો તે ખૂબ જ સ્વાદિષ્ટ હતી.’ શૂટિંગ લોકેશન વિશે વાત કરતા મલ્હારે કહ્યું કે, ‘ફિલ્મનું શૂટિંગ 30 દિવસ ચાલ્યું છે, જેમાં ગાંધીનગરના વહેવાલ ગામ, અમદાવાદની પોળ અને સાદરા ફોર્ટમાં શૂટિંગ કરવામાં આવ્યું છે.’ ‘એકબીજાને નામથી બોલાવીએ તો લાગે કે કંઈક ગડબડ છે’ ફિલ્મમાં પૂજા જ્યારે મલ્હારને “ઓ હેલો…” કહે છે, તે ખૂબ ગમે છે. રિયલ લાઇફમાં એવો કયો શબ્દ કે વાક્ય છે જે બંનેને એકબીજાના ગમે છે? તેના વિશે મલ્હારે કહ્યું કે, ‘પૂજા મને ‘બેટુ’ કહીને બૂમ પાડે છે, એ ખૂબ ગમે છે.’ મલ્હારની વાતમાં ટાપસી પુરાવતા પૂજાએ કહ્યું કે, ‘અમે બંને એકબીજાને બેટુ કહીને બોલાવીએ છીએ. જ્યારે અમે એકબીજાને નામથી બોલાવી લઈએ ને ત્યારે લાગે કે કંઈક તો ગડબડ છે.’ દર રવિવારે દાળ ઢોકળીની જ્યાફત ફિલ્મમાં સવા સો વર્ષ જૂની પરંપરાગત વાનગી ચટણીની વાત છે, ત્યારે મલ્હાર અને પૂજાના ઘરે કઈ પરંપરાગત વાનગી બને છે? મલ્હારે આ વિશે વાત કરતા કહ્યું કે, ‘અમારા ઘરે એક ખાસ દિવસે ગોળના લાડુ બને છે, જે વર્ષોથી બની રહ્યા છે.’ તેની વાતને આગળ વધારતા પૂજાએ કહ્યું કે, ‘અમારા ઘરે દર રવિવારે દાળ ઢોકળી બને છે. મારા નાની-દાદી અને હવે મારી મમ્મીએ પણ આ ટ્રેડિશન જાળવી રાખ્યું છે. અમે મુંબઈમાં રહેતા હતા છતાં દર રવિવારે દાળ ઢોકળી તો બને જ. અને મલ્હારના ઘરે પણ રવિવારે દાળ ઢોકળી બને છે. મારા ખ્યાલથી ગુજરાતી ઘરોમાં આ ટ્રેડિશન વર્ષોથી ચાલતું આવ્યું છે અને અમારા ઘરે પણ આ જોવા મળશે.’ ‘ચટણી એ પિતા-પુત્રના અહંકારના ટકરાવની વાર્તા’ પૂજા અને મલ્હારે લગ્ન બાદ કેફે ખોલ્યું. ચટણી ફિલ્મમાં પણ એક યુવકની બિઝનેસ શરૂ કરવાની વાત છે. ત્યારે આ બંને સફરને સરખાવતા મલ્હારે કહ્યું કે, ‘ચટણીમાં પિતા-પુત્રના અહંકાર ટકરાવાની વાત છે, તેમાં તેના પિતા તેને આગળ વધવાથી રોકી રહ્યા છે. તે તેને ના પાડે છે કે શહેરમાં જવાની જરૂર નથી, ગામડામાં રહીને જ આગળ વધો. જ્યારે કેફેની વાત કરીએ, તો અમે લોકોએ જાતે પ્લાન કર્યું હતું, અમારે કોઈને કહેવું નહોતું. તો અમે નાનામાં નાની વસ્તુઓ જાતે શોધી, જાતે લાવ્યા. એ રીતે અમે તેને બનાવ્યું.’ ‘પૂજા કોકોનટ ચટણી છે’ ‘ચટણી’નો સ્વાદ ચટપટો હોય છે, ત્યારે સ્ટારકાસ્ટને જો કોઈ ચટણી સાથે સરખાવવી હોય, તો તે કઈ હશે? તેના પર મલ્હારે કહ્યું કે, ‘હેતલ મોદીને ગોળ-આમલીની ચટણી, પપ્પાને (પ્રશાંત બારોટને) તીખી ચટણી, પૂજાને કોકોનટ ચટણી અને ફિલ્મમાં મારો મિત્ર બનેલા સ્મિતને ટામેટા ચટણી કહીશ.’
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


