એન્ડી બર્નહામ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા:10 વર્ષમાં સાતમા PM; બે ભારતીય મૂળના લોકોને મહત્વની જવાબદારી સોંપાઈ

Last Updated: July 21, 2026By

બ્રિટનમાં સોમવારે એન્ડી બર્નહામે નવા વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો. તેઓ છેલ્લા 10 વર્ષમાં બ્રિટનના સાતમા વડાપ્રધાન બન્યા છે. પૂર્વ વડાપ્રધાન કીર સ્ટાર્મરે 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર વિદાય ભાષણ આપ્યા બાદ કિંગ ચાર્લ્સને પોતાનું રાજીનામું સુપરત કર્યું. ત્યારબાદ ગ્રેટર માન્ચેસ્ટરના પૂર્વ મેયર એન્ડી બર્નહામે કિંગ સાથે મુલાકાત કરી અને ઔપચારિક રીતે વડાપ્રધાન પદની જવાબદારી સંભાળી. બ્રિટનના નવા વડાપ્રધાન એન્ડી બર્નહામે સોમવારે પદ સંભાળતા જ પોતાની નવી કેબિનેટની રચના કરી. BBC અનુસાર બર્નહામે પોતાની નવી ટીમમાં ઘણા જૂના મંત્રીઓને જાળવી રાખ્યા છે, જેમાં કનિષ્ક નારાયણ અને લીઝા નંદી પણ સામેલ છે. કનિષ્ક નારાયણને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) મંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે લીઝા નંદીને સંસ્કૃતિ મંત્રીના પદ પર યથાવત રાખવામાં આવ્યા છે. બર્નહામ કેબિનેટના મહત્વના મંત્રીઓ જ્હોન હીલી લેબર પાર્ટીના વરિષ્ઠ નેતા જ્હોન હીલીને નાણા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ ટોની બ્લેર અને ગોર્ડન બ્રાઉનની સરકારોમાં મંત્રી રહી ચૂક્યા છે. તાજેતરમાં સંરક્ષણ બજેટને લઈને મતભેદના કારણે તેમણે સ્ટારમર સરકાર છોડી દીધી હતી. એડ મિલિબેન્ડ પૂર્વ ઉર્જા મંત્રી એડ મિલિબેન્ડને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમને આંતરરાષ્ટ્રીય બાબતોના અનુભવી નેતા માનવામાં આવે છે અને જળવાયુ પરિવર્તન પર તેમની નીતિઓ ઘણી ચર્ચિત રહી છે. શબાના મહમૂદ શબાના મહેમૂદ ગૃહમંત્રી બની રહેશે. તેઓ અગાઉ પણ કડક ઇમિગ્રેશન નીતિ લાગુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. 2010માં સાંસદ તરીકે ચૂંટાયેલા શબાના બ્રિટિશ સંસદમાં પહોંચનાર શરૂઆતની મુસ્લિમ મહિલા સાંસદોમાંના એક છે. લુઈસ હેગ તેમને ડચી ઓફ લેન્કેસ્ટરના ચાન્સેલર અને પ્રથમ રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. સરકારની પ્રાથમિક યોજનાઓ લાગુ કરવા અને સત્તાના વિકેન્દ્રીકરણ પર તેમની મહત્વની ભૂમિકા રહેશે. યુવેટ કૂપર પહેલાં ગૃહ અને વિદેશ મંત્રી રહી ચૂકેલાં યુવેટ કૂપર હવે સ્વાસ્થ્ય મંત્રાલય સંભાળશે. તેમને સામાજિક સંભાળ (સોશિયલ કેર) વ્યવસ્થામાં સુધારાની જવાબદારી સોંપવામાં આવી છે. પહેલો નિર્ણય- ડિજિટલ ઓળખપત્ર લાગુ કરવાનો નિર્ણય રદ કર્યો બર્નહામ સરકારના શરૂઆતી નિર્ણયો પર પણ સૌની નજર રહેશે. સરકારે પહેલાં જ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં તમામ કર્મચારીઓ માટે ડિજિટલ ઓળખપત્ર લાગુ કરવાની યોજના રદ કરી દીધી છે. આની શરૂઆત પૂર્વ વડાપ્રધાન કીર સ્ટાર્મર સરકારે સપ્ટેમ્બર 2025માં કરી હતી. આનો હેતુ એ હતો કે દેશમાં કામ કરતા દરેક કર્મચારીની ઓળખ અને તેના કામ કરવાના કાનૂની અધિકારની ડિજિટલ રીતે પુષ્ટિ કરી શકાય. સરકારનું માનવું હતું કે આનાથી નકલી દસ્તાવેજોનો ઉપયોગ ઓછો થશે અને ગેરકાયદેસર સ્થળાંતર પર રોક લગાવવામાં મદદ મળશે. જોકે, આ યોજનાનો શરૂઆતથી જ વિરોધ થવા લાગ્યો. ટીકાકારોનું કહેવું હતું કે આનાથી સરકાર નાગરિકોની ખાનગી માહિતી પર જરૂરિયાત કરતાં વધુ નિયંત્રણ મેળવી શકે છે. ડેટા સુરક્ષા અને ગોપનીયતાને લઈને પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા. બર્નહામ સામે 5 મોટા પડકારો 1. સુસ્ત અર્થતંત્રને ગતિ આપવી બ્રિટનનું અર્થતંત્ર છેલ્લા ઘણા વર્ષોથી નબળું રહ્યું છે. 2008ની વૈશ્વિક આર્થિક મંદી, બ્રેક્ઝિટ અને કોવિડ-19 મહામારીને કારણે લોકોનું જીવનધોરણ સતત પ્રભાવિત થયું છે. બર્નહામે વચન આપ્યું છે કે તેઓ સામાન્ય લોકોના જીવનમાં વાસ્તવિક સુધારો લાવશે. તેમણે ટેક્સ ન વધારવાનું પણ વચન આપ્યું છે. 2. યુક્રેન, મિડલ ઈસ્ટ અને અમેરિકા સાથેના સંબંધોમાં સંતુલન બર્નહામ ઘરેલું મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવા માગે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ તેમને તેમ કરવાની સંપૂર્ણ છૂટ આપશે નહીં. યુક્રેન યુદ્ધ હજુ ચાલુ છે અને મધ્ય પૂર્વમાં પણ તણાવ વધેલો છે. એવું માનવામાં આવે છે કે આ બંને મુદ્દાઓ પર બ્રિટનની વિદેશ નીતિમાં બહુ મોટો ફેરફાર થશે નહીં, કારણ કે NSA જોનાથન પોવેલ પોતાના પદ પર બની રહી શકે છે. સાથે જ અમેરિકા સાથે બ્રિટનના સંબંધો પણ નવી સરકાર માટે મહત્વના રહેશે. પૂર્વ વડાપ્રધાન કીર સ્ટાર્મરે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓનું ખુલ્લેઆમ સમર્થન ન કરવાને કારણે બંને નેતાઓ વચ્ચે તણાવ પેદા થયો હતો. 3. સંરક્ષણ બજેટ વધારવું અને તેના માટે પૈસા એકઠા કરવા સંરક્ષણ ખર્ચ વધારવા અંગેના મતભેદને કારણે ગયા મહિને કીર સ્ટાર્મર સરકારના સંરક્ષણ મંત્રી જોન હીલીએ રાજીનામું આપી દીધું હતું. તેમનું કહેવું હતું કે સેના માટે પ્રસ્તાવિત બજેટ વધારો પૂરતો નથી. તેના કેટલાક અઠવાડિયા પછી સ્ટાર્મરે આગામી ચાર વર્ષમાં સંરક્ષણ બજેટમાં 15 અબજ પાઉન્ડ (લગભગ 1.9 લાખ કરોડ રૂપિયા)ના વધારાની જાહેરાત કરી. જોકે, તેમણે એ જણાવ્યું ન હતું કે વધારાના પૈસા ક્યાંથી આવશે અને કયા સરકારી વિભાગોના બજેટમાં કાપ મૂકીને તેની ભરપાઈ કરવામાં આવશે. 4. ઇમિગ્રેશન પર કડક નીતિ અને રાજકીય સંતુલન તાજેતરના વર્ષોમાં બ્રિટનમાં ચોખ્ખા સ્થળાંતર (નેટ માઇગ્રેશન)માં નોંધપાત્ર ઘટાડો થયો છે. આનું કારણ અગાઉની કન્ઝર્વેટિવ સરકાર દ્વારા લાગુ કરાયેલી કડક ઇમિગ્રેશન નીતિઓ છે. જેને લેબર સરકારે પણ ચાલુ રાખી છે. મે મહિનામાં એન્ડી બર્નહમે સ્વીકાર્યું હતું કે ઇમિગ્રેશનમાં ઘટાડો થયો છે, પરંતુ તેમણે કહ્યું કે તેને વધુ ઘટાડવાની જરૂર છે. તેમણે એ પણ સંકેત આપ્યો કે તેઓ ભૂતપૂર્વ ગૃહમંત્રી શબાના મહમૂદની કડક ઇમિગ્રેશન નીતિને મોટા પાયે ચાલુ રાખશે. જોકે, લેબર પાર્ટીના ઘણા સાંસદો અને ઉદારવાદી સમર્થકો તેનો વિરોધ કરતા રહ્યા છે. આવી સ્થિતિમાં, બર્નહમ સામે સૌથી મોટો પડકાર પોતાની પાર્ટીની અંદરના વિરોધ વચ્ચે સંતુલન જાળવવાનો રહેશે. 5. વધતો કલ્યાણ અને પેન્શન ખર્ચ બ્રિટનમાં સરકારનો સામાજિક કલ્યાણ (વેલફેર) પરનો ખર્ચ સતત વધી રહ્યો છે. આનું એક મોટું કારણ કાર્યકારી વયના એવા લોકોની વધતી સંખ્યા છે, જેઓ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના આધારે સરકારી સહાય લઈ રહ્યા છે. આમાં મોટી સંખ્યામાં યુવાનો છે, જેઓ બેરોજગાર છે. જોકે, સામાજિક સુરક્ષા પર થતા કુલ સરકારી ખર્ચનો સૌથી મોટો હિસ્સો નિવૃત્ત લોકો પર જાય છે. સરકારી પેન્શન અને અન્ય સહાય યોજનાઓ પર કુલ સામાજિક સુરક્ષા બજેટનો અડધાથી વધુ હિસ્સો ખર્ચ થાય છે. જો બર્નહામ આ ખર્ચને નિયંત્રિત કરી શકે, તો તેમને સામાજિક આવાસ જેવી અન્ય યોજનાઓ પર વધુ પૈસા ખર્ચ કરવાની તક મળશે. પરંતુ આ સરળ નહીં હોય. કીર સ્ટાર્મરે પણ કલ્યાણ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની જ પાર્ટીના સાંસદોના વિરોધ બાદ તેમને પોતાના નિર્ણયો પાછા ખેંચવા પડ્યા હતા. આ જ કારણ છે કે બર્નહામ માટે આ આર્થિક જ નહીં, પરંતુ રાજકીય રીતે પણ સૌથી મુશ્કેલ પડકારોમાંથી એક હશે.