એપસ્ટીનની ‘વાઇલ્ડ ડિનર’ પાર્ટીમાં ઝકરબર્ગ-મસ્ક દેખાયા:સિલિકોન વેલીમાં એકસાથે ડિનર કર્યું; એપસ્ટીને પોતાના એપાર્ટમેન્ટમાં ફ્રેમ કરીને તસવીર લટકાવી

Last Updated: February 9, 2026By

એપસ્ટીન ફાઇલ્સમાં ટેસ્લાના માલિક ઇલોન મસ્ક અને મેટાના CEO માર્ક ઝકરબર્ગની તસવીર સામે આવી છે. આ તસવીરમાં સિલિકોન વેલીના મોટા ટેક દિગ્ગજો સાથે ડિનર કરતા જોવા મળી રહ્યા છે. આમાં પેપાલના કો-ફાઉન્ડર પીટર થીલ અને MIT મીડિયા લેબના પૂર્વ ડિરેક્ટર જોઇ ઇતો પણ દેખાઈ રહ્યા છે. આ ફોટો વર્ષ 2015નો હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તે જ ડિનર પાર્ટી છે, જેને યૌન અપરાધી જેફ્રી એપસ્ટીને ‘વાઇલ્ડ ડિનર’ કહ્યું હતું. એપસ્ટીને આ તસવીર ઓગસ્ટ 2015માં પોતાને ઇમેઇલ કરી હતી અને તેને ફ્રેમ કરાવીને પોતાના ન્યૂયોર્ક સ્થિત એપાર્ટમેન્ટમાં લગાવી રાખી હતી. અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે 30 જાન્યુઆરીએ એપસ્ટીન ફાઇલ્સના 30 લાખ દસ્તાવેજો સાર્વજનિક કર્યા હતા, ત્યારથી આ મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. એપસ્ટીને ડિનરને ‘વાઇલ્ડ’ ગણાવ્યું હતું જસ્ટિસ ડિપાર્ટમેન્ટની ફાઈલો અનુસાર, 2 ઓગસ્ટ 2015ના રોજ એપસ્ટીને તેના મિત્ર પીટર એટિયાને ઈમેલ મોકલીને લખ્યું હતું કે તે રાત્રે ઈલન મસ્ક, પીટર થીલ અને માર્ક ઝકરબર્ગ સાથે ડિનર છે. જવાબમાં એટિયાએ લખ્યું હતું કે આ શાનદાર ડિનર લાગી રહ્યું છે. તેના થોડા દિવસો પછી, 20 ઓગસ્ટ 2015ના રોજ એપસ્ટીને અબજોપતિ ટોમ પ્રિટ્ઝકરને બીજો એક ઈમેલ મોકલ્યો, જેમાં તેણે આ ડિનરને ‘વાઇલ્ડ’ ગણાવ્યું. ઇલોન મસ્કનું નામ અગાઉ પણ એપસ્ટીન ફાઈલોમાં આવી ચૂક્યું છે. 2012ના એક ઈમેલમાં મસ્કે એપસ્ટીનને પૂછ્યું હતું કે તેના આઇલેન્ડ પર સૌથી ‘વાઇલ્ડ પાર્ટી’ કયા દિવસે હશે. આ મેલ તે પ્રશ્નના જવાબમાં હતો, જેમાં એપસ્ટીને આઇલેન્ડ પર જનારાઓની સંખ્યા પૂછી હતી. બ્રિટનથી લઈને અમેરિકા સુધી એપસ્ટીન ફાઈલોના નવા ખુલાસાઓ સામે આવ્યા પછી હવે ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે કે દુનિયાના સૌથી શક્તિશાળી અને ધનિક લોકોના એપસ્ટીન સાથેના સંબંધો કેટલા ઊંડા હતા. એપસ્ટીન ફાઈલ્સ વિવાદથી બ્રિટિશ પીએમની ખુરશી પર પણ ખતરો જ્યારે કે એપસ્ટીન ફાઇલને કારણે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરની સરકાર મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. એપસ્ટીન ફાઇલ સંબંધિત વિવાદે એટલો વેગ પકડ્યો કે તેમના સૌથી ભરોસાપાત્ર સહયોગી અને ડાઉનિંગ સ્ટ્રીટના ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકસ્વીનીને રાજીનામું આપવું પડ્યું. મેકસ્વીની પર આરોપ છે કે તેમણે યૌન અપરાધી જેફ્રી એપસ્ટીનનું સમર્થન કરનાર પીટર મેન્ડેલસનને અમેરિકામાં બ્રિટનના રાજદૂત બનાવીને મોકલ્યા હતા. મેકસ્વીનીએ કહ્યું કે આ નિમણૂક ખોટી હતી. મેકસ્વીનીએ સ્વીકાર્યું કે તેમને ખબર હતી કે મેન્ડેલસને જેફ્રી એપસ્ટીન જેલમાં ગયા પછી પણ તેમનું સમર્થન કર્યું હતું. મેન્ડેલસન પર એ પણ આરોપ છે કે તેમણે બ્રિટનના બિઝનેસ સેક્રેટરી તરીકે ફરજ બજાવતી વખતે એપસ્ટીનને બજાર સંબંધિત સંવેદનશીલ માહિતી શેર કરી હતી. મેકસ્વીનીએ કહ્યું કે આ નિર્ણયથી પક્ષ, દેશ અને રાજકારણ પર લોકોનો વિશ્વાસ નબળો પડ્યો છે. જ્યારે કે વિપક્ષનું કહેવું છે કે પીએમ સ્ટાર્મરે આ મામલાની જવાબદારી લઈને રાજીનામું આપવું જોઈએ. મેકસ્વીનીને બ્રિટિશ પીએમનું માઇન્ડ કહેવાય છે મેકસ્વીનીને સ્ટાર્મરનો સૌથી મજબૂત આધાર માનવામાં આવતો હતો. તેમને વડાપ્રધાનનું ‘મગજ’ કહેવામાં આવે છે અને સત્તા સુધી પહોંચાડવામાં તેમની મોટી ભૂમિકા રહી છે. તેમના ગયા પછી લેબર પાર્ટીના સાંસદો પૂછી રહ્યા છે કે હવે સ્ટાર્મર કેટલા દિવસ ટકી શકશે. પાર્ટીના વામપંથી જૂથે સીધા વડાપ્રધાન પાસેથી રાજીનામાની માંગ કરી છે. લેબર પાર્ટીના પૂર્વ કેમ્પેન પ્રમુખ જોન ટ્રિકેટે કહ્યું કે જવાબદારી ઉપર સુધી જાય છે. સાંસદ બ્રાયન લીશમેને કહ્યું કે પાર્ટીની દિશા બદલવી પડશે અને તેની શરૂઆત વડાપ્રધાનથી થવી જોઈએ. સાંસદ કિમ જોન્સને સ્વીકાર્યું કે સ્ટાર્મર માટે પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બની ગઈ છે, જ્યારે રેચલ માસ્કેલે કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે. પીએમ સ્ટાર્મર દેશને સંબોધિત કરી શકે છે આ સમગ્ર વિવાદ વચ્ચે પીએમ સ્ટાર્મર દેશને સંબોધિત કરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ રાજકારણને સ્વચ્છ કરવાની વાત રજૂ કરશે અને સંકેત આપશે કે તેઓ રાજીનામું આપવાના નથી. સરકારનું કહેવું છે કે નીતિઓમાં કોઈ ફેરફાર થશે નહીં. વડાપ્રધાન આજે લેબર સાંસદોની બેઠકમાં પણ વાત રજૂ કરશે. અહીં, પાર્ટીની અંદર નેતૃત્વની રેસ તેજ બની ગઈ છે. ઉપપ્રધાન એન્જેલા રેનર અને સ્વાસ્થ્ય મંત્રી વેસ સ્ટ્રીટિંગના નામ ચર્ચામાં છે. વિદેશ મંત્રી ડેવિડ લેમીએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે મેન્ડેલસનની નિમણૂકનો વિરોધ કર્યો હતો. ઊર્જા મંત્રી એડ મિલિબેન્ડને સંભવિત કિંગમેકર ગણાવવામાં આવી રહ્યા છે. સ્ટાર્મરના સમર્થકો ચેતવણી આપી રહ્યા છે કે મોટી ચૂંટણી જીતના માત્ર 18 મહિના પછી વડાપ્રધાનને હટાવવાથી દેશ અને પાર્ટી બંનેમાં ભારે અસ્થિરતા આવી શકે છે. વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી પેટ મેકફેડને કહ્યું કે આનાથી આર્થિક અને રાજકીય અરાજકતા ફેલાઈ શકે છે. સ્ટાર્મરે મેન્ડેલસનને જૂઠા ગણાવ્યા હતા આ પહેલા સ્ટાર્મરે 5 ફેબ્રુઆરીએ મેન્ડેલસનને જૂઠા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે તેમને મેન્ડેલસને જૂઠું કહ્યું હતું અને તેમણે તે જૂઠ પર ભરોસો કરીને તેમને રાજદૂત બનાવ્યા. મને આ નિર્ણય પર ઊંડો અફસોસ છે. સ્ટાર્મરે પોતાના ભાષણમાં કહ્યું કે હવે તેમને સમજાયું છે કે મેન્ડેલસન અને એપસ્ટીનના સંબંધો કેટલા ઊંડા અને અંધારા હતા. તેમણે લેબર સાંસદો અને એપસ્ટીનના પીડિતોની માફી માંગતા કહ્યું કે તેમને આ નિમણૂક પર અફસોસ છે. સ્ટાર્મરે એમ પણ કહ્યું કે તેઓ સુરક્ષા તપાસ સંબંધિત માહિતી સાર્વજનિક કરવા માંગે છે, પરંતુ પોલીસ તપાસને કારણે તેમ કરી શકતા નથી. તેમણે કહ્યું કે રાજકીય ફાયદો ગમે તેટલો મોટો કેમ ન હોય, તેઓ પીડિતોને ન્યાય મળવાના માર્ગમાં કોઈ પગલું ભરશે નહીં. આ સમગ્ર વિવાદ બાદ બ્રિટનની ઉધાર ખર્ચ પણ વધી ગયો છે, કારણ કે રોકાણકારોને ડર છે કે સ્ટાર્મર સરકાર ટકી શકશે કે નહીં. સ્ટાર્મર પર ભૂલનો દોષ બીજા પર ઢોળવાનો આરોપ વિપક્ષી કન્ઝર્વેટિવ નેતા કેમી બેડેનોકે કહ્યું કે સાચી જવાબદારી વડાપ્રધાનની છે. તેમનો આરોપ છે કે સ્ટાર્મર દર વખતે ભૂલનો દોષ બીજા પર ઢોળી દે છે. PM સ્ટાર્મરના કાર્યકાળમાં બીજા ચીફ ઓફ સ્ટાફનું રાજીનામું છે. આ પહેલા 2024ની ચૂંટણી પછી સૂ ગ્રેને હટાવવામાં આવ્યા હતા. મેકસ્વીનીના રાજીનામા પછી જિલ કાથબર્ટસન અને વિદ્યા અલકેસનને કાર્યકારી ચીફ ઓફ સ્ટાફ બનાવવામાં આવ્યા છે. જ્યારે, મેકસ્વીનીના નજીકના લોકો માને છે કે તેમને હટાવવા એ મોટી ભૂલ હતી. એક નેતાએ કહ્યું, આ પોતાની જ ટીમના સૌથી મજબૂત ખેલાડીને બહાર કાઢવા જેવું છે. કેટલાક સાંસદોને ડર છે કે તેમના જવાથી પાર્ટી વધુ વામપંથી માર્ગે જતી રહેશે. કોણ હતો જેફ્રી એપસ્ટીન? જેફ્રી એપસ્ટીન ન્યૂયોર્કનો કરોડપતિ ફાઇનાન્સર હતો. તેની મોટા નેતાઓ અને સેલિબ્રિટીઝ સાથે મિત્રતા હતી. તેના પર 2005માં સગીર છોકરી સાથે યૌન શોષણનો આરોપ લાગ્યો. 2008માં તેને સગીર સાથે સેક્સની માંગ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો. તેને 13 મહિનાની જેલ થઈ. 2019માં જેફ્રીને સેક્સ ટ્રાફિકિંગના આરોપોમાં ધરપકડ કરવામાં આવી. પરંતુ કેસ પહેલા જ તેણે જેલમાં આત્મહત્યા કરી લીધી. તેની પાર્ટનર ઘિસલીન મેક્સવેલને 2021માં તેની મદદ કરવાના આરોપોમાં દોષિત ઠેરવવામાં આવી. તે 20 વર્ષની સજા ભોગવી રહી છે.