એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જાહેર:હરમનપ્રીતને કેપ્ટન, મંધાનાને વાઇસ-કેપ્ટન બની; યાસ્તિકાની જગ્યાએ કમલિનીને તક મળી

Last Updated: July 1, 2026By

આવતા મહિને જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિલેક્ટર્સે હરમનપ્રીત કૌરને કેપ્ટન અને સ્મૃતિ મંધાનાને વાઇસ-કેપ્ટન બનાવ્યાં છે. BCCIની સિનિયર પસંદગી સમિતિએ વિકેટકીપર યાસ્તિકા ભાટિયાના સ્થાને જી. કમલિનીને તક આપી છે. શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ અને ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા જેવા સિનિયર્સ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. યાસ્તિકા ભાટિયાને ડ્રોપ કરાઈ, કમલિનીને તક ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલી વિકેટકીપર યાસ્તિકા ભાટિયાને ટીમમાંથી પડતી મૂકી છે. તેની જગ્યાએ WPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી 17 વર્ષીય યુવા વિકેટકીપર જી. કમલિનીને તક આપી છે. યાસ્તિકા વર્લ્ડ કપ દરમિયાન મળેલી તકોનો ફાયદો ઉઠાવી શકી નહોતી. તેણે 4 મેચની 3 ઇનિંગ્સમાં 13.66ની સરેરાશ અને 117.14ના સ્ટ્રાઇક રેટથી માત્ર 41 રન બનાવ્યા હતા. શ્રેયંકા પાટીલ ફિટ, પ્રેમાને તક નહીં સ્પિન ઓલરાઉન્ડર શ્રેયંકા પાટીલને ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ ટીમમાં સ્થાન આપ્યું છે. તે T20 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ સામે પગની ઘૂંટીમાં ઈજા થવાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. તેમની જગ્યાએ વર્લ્ડ કપ ટીમમાં સામેલ પ્રેમા રાવતને આ વખતે તક મળી નથી. પેસ એટેકની જવાબદારી રેણુકા સિંહ અને અરુંધતી રેડ્ડી સંભાળશે, જ્યારે સ્પિન વિભાગમાં રાધા યાદવ અને શ્રેયંકા પાટીલ મુખ્ય ચહેરા હશે. એશિયન ગેમ્સ T20 ફોર્મેટમાં રમાશે મેચ એશિયન ગેમ્સમાં ક્રિકેટ ઇવેન્ટ T20 ફોર્મેટમાં આયોજિત કરવામાં આવશે. ICC રેન્કિંગમાં ટોચની ટીમમાં સામેલ હોવાને કારણે ભારતીય મહિલા ટીમને સીધા ક્વાર્ટર ફાઇનલ અથવા નોકઆઉટ સ્ટેજમાં એન્ટ્રી મળવાની અપેક્ષા છે. ગયા વખતની જેમ આ વખતે પણ ભારતીય ટીમનો મુખ્ય મુકાબલો પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી એશિયન ટીમ સામે થવાની અપેક્ષા છે. મુખ્ય કોચ અને મેનેજમેન્ટ ખેલાડીઓના વર્કલોડ અને ફિટનેસ પર સતત નજર રાખી રહ્યા છે. એશિયન ગેમ્સ 2026 માટે ભારતનો સ્ક્વોડ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), ભારતી ફુલમાળી, શ્રી ચરણી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, અરુંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટીલ, રાધા યાદવ, નંદની શર્મા.