ઐશ્વર્યા રાયને લીધે પ્રિયંકા ચોપરાએ બોલિવૂડ છોડ્યું?:'દેશી ગર્લે' હોલીવુડની વાટ પકડવાનું સાચું કારણ જણાવ્યું- 'મને ખરાબ વાતાવરણમાં રહેવું પસંદ નથી'

Last Updated: March 11, 2026By

‘ખરાબ વાતાવરણમાં રહેવું પસંદ નથી કરતી’, આ વાક્ય પ્રિયંકા ચોપરાનું છે. તાજેતરમાં ‘દેશી ગર્લ’એ બોલિવૂડ છોડીને હોલીવુડની વાટ શા માટે પકડી તે અંગે આખરે ખુલાસો કર્યો છે. પ્રિયંકાએ જણાવ્યું કે, તે પણ ઐશ્વર્યા રાય બચ્ચન અને અમેરિકન એક્ટ્રેસ મિન્ડી કલિંગની જેમ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવવા માંગતી હતી અને આ જ કારણોસર તેણે નવી તકો શોધવાનો નિર્ણય લીધો. ડેબ્યૂ ફિલ્મમાં જ સ્ટારડમની તાકાત જોઈ લીધી ‘Not Skinny But Not Fat’ પોડકાસ્ટમાં પ્રિયંકાએ પોતાની કારકિર્દીના શરૂઆઆતના દિવસોને યાદ કર્યાં. તેણે જણાવ્યું કે, તેણે માત્ર 18 વર્ષની ઉંમરે ફિલ્મોમાં પગ મૂક્યો હતો. તેની પહેલી ફિલ્મ તમિલ ભાષાની ‘થામિઝાન’ (Thamizhan) હતી, જેમાં તેની સાથે સાઉથ સુપરસ્ટાર વિજય જોવા મળ્યો હતો. પ્રિયંકાએ જણાવ્યું કે, તે સમયે તેને પહેલીવાર સ્ટારડમની અસલી તાકાત જોવા મળી હતી, જ્યારે વિજયને જોવા માટે સેટ પર ભારે ભીડ એકઠી થઈ જતી હતી. ‘અભિનય એક ગંભીર કળા છે’ પ્રિયંકાના મતે, કારકિર્દીની શરૂઆતમાં તેને લાગતું હતું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અર્થ માત્ર ફેમ અને લોકપ્રિયતા મેળવવાનો છે. પરંતુ સમય જતાં તેનો દૃષ્ટિકોણ બદલાયો અને તેણે સમજ્યું કે એક્ટિંગ માત્ર ખ્યાતિ જ નહીં, પરંતુ એક ગંભીર કલા પણ છે. તેણે જણાવ્યું કે, અત્યાર સુધી તે લગભગ 70 ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને દરેક પ્રોજેક્ટમાંથી તેને નવો અનુભવ મળ્યો છે. ‘બોલિવૂડમાં સીમિત અનુભવ થવા લાગ્યો હતો’ એક્ટ્રેસે એ પણ સ્વીકાર્યું કે એક સમય એવો આવ્યો, જ્યારે તેને બોલિવૂડમાં પોતાને સીમિત અનુભવ થવા લાગ્યું હતું. તેને લાગ્યું કે, જો તે એક જ જગ્યાએ રોકાઈ જશે, તો નવી તકો નહીં મળી શકે. આ જ વિચારે તેને હોલીવુડમાં નસીબ અજમાવવા માટે પ્રેરિત કરી. ઐશ્વર્યા રાય બચ્ચન અને મિન્ડી કલિંગને પ્રેરણા માન્યાં પ્રિયંકાએ કહ્યું કે, તે સમયમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ભારતીય કલાકારોની હાજરી બહુ ઓછી હતી. જોકે ઐશ્વર્યા રાય બચ્ચન અને મિન્ડી કલિંગ જેવી હસ્તીઓ એવી હતી, જેમણે ગ્લોબલ લેવલ પર પોતાની ઓળખ બનાવી. પ્રિયંકા માટે આ ઉદાહરણ પ્રેરણા સમાન હતું કે ભારતીય કલાકારો પણ દુનિયાના મંચ પર પોતાની જગ્યા બનાવી શકે છે. ‘સમયસર બદલાવું જરૂરી છે’ પ્રિયંકાનું માનવું છે કે જીવનમાં ઘણીવાર મુશ્કેલ પરિસ્થિતિઓ આવે છે, પરંતુ તે પરિસ્થિતિઓમાં ફસાયેલા રહેવું યોગ્ય નથી. તેણે કહ્યું કે, ‘જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ખરાબ વાતાવરણમાં રહે છે, તો તે તેને સામાન્ય માનવા લાગે છે, તેથી સમયસર બદલાવ કરવો જરૂરી છે.’ આજે પ્રિયંકા હોલીવુડ અને બોલિવૂડ બંનેમાં સક્રિય છે અને એક ગ્લોબલ સ્ટાર તરીકે પોતાની અલગ ઓળખ બનાવી ચૂકી છે.