'ઓ રોમિયો'ની રિલીઝ રોકવા માંગ:ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની દીકરીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો, કહ્યું- 'મારા પિતા પત્રકાર હતા, ગુનાખોરી રોકવામાં મદદ કરી હતી'

Last Updated: February 3, 2026By

શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ઓ રોમિયો’ 13 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે, પરંતુ રિલીઝ પહેલા જ આ ફિલ્મ કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. ગેંગસ્ટર હુસૈન શેખ ઉર્ફે ઉસ્તરાની દીકરી સનોબર શેખે સોમવારે મુંબઈની સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરીને ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી છે. આ મામલે 6 ફેબ્રુઆરીએ સુનાવણી થશે. ગેંગસ્ટર હુસૈન શેખ ઉર્ફે ઉસ્તરાની દીકરીએ કોર્ટમાં અરજી કરી ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, સનોબર શેખે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે, આ ફિલ્મ તેના દિવંગત પિતાની અનઓથોરાઈઝ્ડ બાયોગ્રાફી છે અને તેમાં તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. તેણે કોર્ટને ફિલ્મનું પ્રી-સ્ક્રીનિંગ કરાવવા અને કોઈ અધિકારી કે કમિશનરની નિમણૂક કરવા વિનંતી કરી છે, જે ફિલ્મ જોઈને પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરી શકે. આ અરજી વકીલ ડીવી સરોજ દ્વારા પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા, ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ અને તે પુસ્તકના લેખક વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મુંબઈ પોલીસના એક અધિકારીએ ઉસ્તરાને પોલીસનો સહયોગી ગણાવ્યો છે, ફિલ્મનું ટ્રેલર એવી ધારણા આપે છે કે તે ગેંગસ્ટર હતો. આ પ્રકારનું ચિત્રણ ખોટું છે અને તેનાથી અરજદારના પરિવારની પ્રતિષ્ઠા અને સુરક્ષા પર ગંભીર અસર પડી શકે છે. સનોબરે એમ પણ કહ્યું કે, તેના પિતા મુંબઈમાં પત્રકાર તરીકે કામ કરતા હતા અને ગુનાખોરી રોકવામાં મદદ કરવા માટે મુંબઈ પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યુરો જેવી ઘણી સરકારી એજન્સીઓ સાથે સહયોગ કરતા હતા. તેમના આ કાર્યોને કારણે તેમનું જીવન હંમેશા જોખમમાં રહ્યું. અરજીમાં જણાવાયું છે કે ઉસ્તરાએ 4 ઓગસ્ટ 1994ના રોજ પોલીસ કમિશનર પાસેથી બુલેટપ્રૂફ જેકેટની માંગણી કરી હતી અને તેને મંજૂરી પણ મળી ગઈ હતી. નોંધનીય છે કે, ‘ઓ રોમિયો’માં શાહિદ કપૂર ઉસ્તરાની ભૂમિકામાં છે અને આ ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત છે. ફિલ્મને 13 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. સોમવારે મેકર્સે નવું ગીત ‘ઇશ્ક કા ફીવર’ રિલીઝ કર્યું છે. આ ગીત અરિજીત સિંહે ગાયું છે.

Leave A Comment