'કુંગ-ફુ કિંગ'ની અંતિમ વિદાયની તૈયારી!:જેકી ચેને 'ફાઇનલ મેસેજ' રેકોર્ડ કર્યો, એક્ટરના મૃત્યુ પછી જ ગીત રિલીઝ કરાશે

Last Updated: January 31, 2026By

કુંગ-ફુ ફિલ્મોના જાણીતા એક્ટર જેકી ચેને તાજેતરમાં ખુલાસો કર્યો છે કે, તેમણે એક એવું ગીત રેકોર્ડ કર્યું છે, જે તેમના મૃત્યુ પછી રિલીઝ કરવામાં આવશે. તેમણે આ ગીતને દુનિયા માટે પોતાનો છેલ્લો સંદેશ ગણાવ્યો. આ વાત તેમણે 28 ડિસેમ્બરે બીજિંગમાં તેમની નવી ડ્રામા ફિલ્મ ‘અનએક્સપેક્ટેડ ફેમિલી’ના પ્રીમિયર દરમિયાન કહી. જેકી ચેનનો ફાઇનલ મેસેજ તેમના મૃત્યુ પછી રિલીઝ કરાશે China.org.cn ના રિપોર્ટ અનુસાર, જેકી ચેને કહ્યું કે, ‘ઉંમર વધવાની સાથે મેં પોતાના ઘણા નજીકના મિત્રો અને સ્વજનોને ગુમાવી દીધા છે. આ ઘટનાઓએ મને જીવન વિશે વિચારવા મજબૂર કર્યા. મેં અનુભવ્યું કે, જીવન ખૂબ ટૂંકું છે અને જે વાતો દિલમાં છે, તે સમયસર કહી દેવી જોઈએ.’ આ જ વિચાર સાથે તેમણે એક ખાસ ગીત રેકોર્ડ કર્યું છે, જેને તેઓ પોતાનો છેલ્લો સંદેશ એટલે કે ફાઇનલ મેસેજ માને છે. આ ગીત રેકોર્ડ કરવા પાછળ તેમની ભાવના ખૂબ ઊંડી છે. જેકી ચેને જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા ઘણા લોકોના મૃત્યુએ તેમને શીખવ્યું કે કંઈપણ કાયમ માટે નથી હોતું. તેથી તેમણે વિચાર્યું કે દુનિયામાંથી વિદાય લેતા પહેલા તેઓ પોતાની ભાવનાઓ એક ગીત દ્વારા લોકો સુધી પહોંચાડવા માંગે છે. ‘જો હું અત્યારે ગાઈશ, તો તમે બધા રડી પડશો’ જોકે, તેમના પરિવાર અને તેમની ટીમે આ ગીતને હમણાં રિલીઝ ન કરવાની સલાહ આપી છે. તેથી એવું નક્કી કરવામાં આવ્યું છે કે, આ ગીત તેમના ચાહકો માટે તે જ દિવસે જાહેર કરવામાં આવશે, જ્યારે ચેન આ દુનિયાને અલવિદા કહેશે. પ્રીમિયર દરમિયાન જ્યારે દર્શકોએ તેમને આ ગીતની કેટલીક પંક્તિઓ ગાવા વિનંતી કરી, ત્યારે તેમણે હસતાં હસતાં ના પાડી દીધી. મજાકમાં તેમણે કહ્યું, ‘જો હું અત્યારે ગાઈશ, તો તમે બધા રડવા લાગશો.’ નોંધનીય છે કે, તેમની નવી ફિલ્મ ‘અનએક્સપેક્ટેડ ફેમિલી’માં જેકી ચેન બિલકુલ અલગ રૂપમાં જોવા મળી રહ્યા છે. આ વખતે તેઓ એક એવા વૃદ્ધ વ્યક્તિનો કિરદાર નિભાવી રહ્યા છે, જે અલ્ઝાઈમર બીમારીથી પીડાઈ રહ્યા છે.

Leave A Comment