કોહલીએ ડેરીલ મિચેલને ધક્કો મારીને બાઉન્ડરીની બહાર કાઢ્યો!:હાર્યા છતાં વિરાટે રેકોર્ડ્સનો વરસાદ વરસાવી દીધો; IND-NZ મેચના રેકોર્ડ્સ-મોમેન્ટ્સ

Last Updated: January 18, 2026By

ન્યૂઝીલેન્ડે ભારતમાં ઈતિહાસ રચતા પહેલીવાર વન-ડે સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં કિવી ટીમે ભારતને 41 રનથી હરાવ્યું. આ સાથે જ આ મેદાન પર ભારતની આ પહેલી વન-ડે હાર પણ રહી. રવિવારનો દિવસ રેકોર્ડ્સના નામે વિરાટ કોહલી માટે રહ્યો. તે વન-ડેમાં નંબર-3 પર સૌથી વધુ રન બનાવનાર બેટર બન્યો અને ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. પરંતુ તેની આ ઇનિંગ ટીમને જીત સુધી પહોંચાડી શકી નહીં. 338 રનના ટાર્ગેટને ચેઝ કરતા ભારતીય ટીમ 46 ઓવરમાં 296 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ પહેલા ટૉસ હારીને બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 8 વિકેટ પર 337 રન બનાવ્યા હતા. ડેરીલ મિચેલે 137 અને ગ્લેન ફિલિપ્સે 106 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. વાંચો ત્રીજી વન-ડેના ટૉપ રેકોર્ડ્સ અને મોમેન્ટ્સ… 1. ન્યૂઝીલેન્ડે ભારતમાં પહેલીવાર વન-ડે સિરીઝ જીતી વન-ડે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડે ભારતમાં પહેલીવાર વન-ડે સિરીઝ જીતી છે. ત્રણ મેચની સિરીઝને ન્યૂઝીલેન્ડે 2–1થી પોતાના નામે કરી લીધી. આ પહેલા ભારતમાં બંને ટીમ વચ્ચે રમાયેલી દરેક વન-ડે સિરીઝમાં ભારતનો જ દબદબો રહ્યો હતો. 2. વન-ડેમાં નંબર-3 પર સૌથી વધુ રન વિરાટ કોહલી વન-ડેમાં નંબર-3 પોઝિશન પર સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. તેણે આ ફોર્મેટમાં 12,676 રન બનાવ્યા છે. કોહલીએ આ સિદ્ધિ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગને પાછળ છોડીને હાંસલ કરી છે, જેના નામે નંબર-3 પર 12,662 રન નોંધાયેલા છે. 3. કોહલીની ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ સદી વિરાટ કોહલીએ વન-ડેમાં ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલીએ માત્ર 36 ઇનિંગ્સમાં 7 સદી ફટકારી દીધી. આ પહેલા આ રેકોર્ડ રિકી પોન્ટિંગ અને વીરેન્દ્ર સેહવાગના નામે હતો, જેમણે ન્યૂઝીલેન્ડ સામે 6-6 સદી ફટકારી હતી. એટલું જ નહીં, ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વન-ડે અને T20)ને મળીને પણ કોહલી ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. આ દરમિયાન તેણે સાઉથ આફ્રિકાના જેક કાલિસના 9 સદીના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો. 4. વિરાટે 5 અલગ-અલગ ટીમ સામે 7 સદી ફટકારી વિરાટ કોહલીના કરિયરની વાત કરીએ તો આ તેની વન-ડેની 54મી, ઈન્ટરનેશનલ ક્રિકેટની 85મી અને ભારતમાં રમતા 41મી સદી રહી. આ સાથે જ કોહલીએ એક બીજી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તે દુનિયાનો એકમાત્ર બેટર બની ગયો છે, જેના નામે પાંચ અલગ-અલગ ટીમ સામે 7 કે તેથી વધુ સદી નોંધાયેલી છે. કોહલીએ શ્રીલંકા સામે 10, વેસ્ટ ઇન્ડીઝ સામે 9, ઓસ્ટ્રેલિયા સામે 8, સાઉથ આફ્રિકા સામે 7 અને હવે ન્યૂઝીલેન્ડ સામે પણ 7 સેન્ચુરી પૂરી કરી લીધી છે. 5. મિચેલ ભારત સામે વન-ડે સિરીઝનો ટૉપ સ્કોરર ડેરીલ મિચેલ ભારત સામે 3 મેચની વન-ડે સિરીઝનો હાઈએસ્ટ સ્કોરર બની ગયો છે. તેણે 352 રન બનાવ્યા. આ કોઈપણ ન્યૂઝીલેન્ડના બેટરે 3 મેચની વન-ડે બાઇલેટરલ સિરીઝમાં બનાવેલા સૌથી વધુ રન પણ છે. મિચેલની વન-ડેમાં ભારત સામે સૌથી વધુ 74.1ની એવરેજ છે. તે ભારત સામે 4 સેન્ચુરી પણ ફટકારી ચૂક્યો છે. 6. ભારત સામે ન્યૂઝીલેન્ડની બીજી સૌથી મોટી પાર્ટનરશીપ ભારત સામે વન-ડેમાં ન્યૂઝીલેન્ડની બીજી સૌથી મોટી ભાગીદારી હવે ડેરીલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સના નામે નોંધાઈ ગઈ છે. બંનેએ ચોથી વિકેટ માટે 219 રન જોડ્યા. પહેલા નંબર પર કેન વિલિયમ્સન અને ટોમ લેથમ છે. બંનેએ 2022 ઓકલેન્ડમાં અણનમ 221 રન જોડ્યા હતા. હવે મોમેન્ટ્સ… 1. BCCI પ્રેસિડેન્ટે બેલ વગાડીને મેચ શરૂ કરી BCCI અધ્યક્ષ મિથુન મન્હાસ અને મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશન (MPCA) પ્રેસિડેન્ટ મહા આર્યમન સિંધિયાએ બેલ વગાડીને મેચની શરૂઆત કરી. 2. જાડેજાથી કેચ છૂટ્યો, અર્શદીપને બીજા જ બોલ પર વિકેટ ન્યૂઝીલેન્ડની ઇનિંગની પહેલી જ ઓવરમાં ડેવોન કોનવેએ કટ શોટ રમીને ચોગ્ગો ફટકાર્યો, પરંતુ આગલા જ બોલ પર તેને જીવનદાન મળી ગયું. બેકવર્ડ પોઈન્ટ પર ઉભેલા રવીન્દ્ર જાડેજાથી કોનવેનો કેચ છૂટી ગયો અને અર્શદીપ વિકેટથી વંચિત રહી ગયો. જોકે, અર્શદીપે તરત જ વાપસી કરી. આગલા જ બોલ પર હેનરી નિકોલ્સને તેણે બોલ્ડ કરી દીધો. ગુડ લેન્થ પર ઓફ સ્ટમ્પની બહાર જતી બોલને છોડવાની કોશિશમાં તેનાતી એડ્જ વાગતા બોલ સીધો સ્ટમ્પમાં જઈ વાગ્યો. નિકોલ્સ ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો. 3. હર્ષિત રાણાને પહેલા બોલ પર વિકેટ બીજી ઓવર ફેંકી રહેલા હર્ષિત રાણાએ પોતાના પહેલા જ બોલ પર વિકેટ ઝડપી લીધી. હર્ષિતનો બેક ઓફ લેન્થ બોલ ઓફ સ્ટમ્પની પાસે હતો, જેને ડેવોન કોનવે ન તો બરાબર રમી શક્યો અને ન તો છોડી શક્યો. તેનો કેચ પહેલી સ્લિપમાં ઉભેલા રોહિત શર્માના હાથમાં ગયો. આ જ ઓવરના છેલ્લા બોલ પર કુલદીપ યાદવ ન્યૂઝીલેન્ડના ડેરીલ મિચેલને રનઆઉટ કરવામાં ચૂકી ગયો. 4. મિચેલના બોલ્યા પછી અમ્પાયરે ડિસીઝન બદલ્યું 44મી ઓવરમાં અર્શદીપ સિંહના બોલ પર ડેરીલ મિચેલને ચોગ્ગો મળ્યો, પરંતુ તેની પાછળ એક રસપ્રદ વળાંક રહ્યો. મિચેલ ક્રિઝ પર ઘણો આગળ આવી ગયો હતો, જે જોઈને અર્શદીપે લેગ સાઈડ પર યોર્કર નાખવાનો પ્રયાસ કર્યો. મિચેલે ફ્લિક શોટ રમ્યો, બોલ બેટના ટો-એન્ડ પર લાગીને જમીન પર ટપ્પો ખાતી ફાઈન લેગ બાઉન્ડરી સુધી જતી રહી. મેદાન પર હાજર અમ્પાયર કેએન અનંથા પદ્મનાભને પહેલા આને બાય જાહેર કર્યો, પરંતુ મિચેલે તરત જ અમ્પાયરને જણાવ્યું કે બોલ તેના બેટ પર લાગ્યો હતો. ત્યારબાદ અમ્પાયરે નિર્ણય બદલતા રન બેટરના ખાતામાં ઉમેરી દીધા. અર્શદીપ આ નિર્ણય પર હેરાન જરૂર દેખાયો, પરંતુ અંતે સાચો નિર્ણય લેવામાં આવ્યો. 5. ડેરીલ મિચેલને મજાકમાં કોહલીએ ધક્કો માર્યો ડેરીલ મિચેલ જ્યારે આઉટ થઈને પેવેલિયન જઈ રહ્યો હતો. વિરાટે પહેલા તાળીઓથી તેને વધાવ્યો. આ પછી જેવો તે બાઉન્ડરી ક્યૂશન નજીક પહોંચ્યો, ત્યારે કોહલીએ મજાકમાં ડેરીલ મિચેલને ધક્કો મારીને બહાર જલદીથી પેવેલિયન મોકલ્યો. 6. રોહિતના ચોગ્ગાથી ભારતનું ખાતું ખુલ્યું ભારતીય ઇનિંગની શરૂઆત ચોગ્ગા સાથે થઈ. કાઇલ જેમિસનના પહેલા જ બોલ પર રોહિત શર્માએ કવર ડ્રાઈવ રમતા ચોગ્ગો ફટકારી દીધો. ઑફ સ્ટમ્પની બહાર ફુલ લેન્થ બોલને રોહિતે ગેપમાં મોકલ્યો અને આ બાઉન્ડરી સાથે જ ભારતનું ખાતું ખુલી ગયું. 7. લાઇફ લાઇન મળ્યા બાદ રોહિત આઉટ ચોથી ઓવરમાં રોહિત શર્માને પહેલી લાઇફ લાઇન મળી. પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નહીં. ફોલ્ક્સના બેક ઓફ લેન્થ બોલ પર રોહિતે રન લેવાનો પ્રયાસ કર્યો, બોલ વિકેટકીપર મિચેલ હે પાસે ગયો, પણ તે સરળ કેચ પકડવામાં ચૂકી ગયો. ત્યારબાદ રોહિતે આગલા બોલ પર ડ્રાઈવ લગાવીને ચોગ્ગો પણ માર્યો. જોકે ઓવરના છેલ્લા બોલ પર ફોલ્ક્સે વાપસી કરી લીધી. ઓવરપિચ બોલ પર રોહિતે શોટ રમવાની કોશિશ કરી, પરંતુ બોલને જમીન પર રાખી શક્યો નહીં અને સીધો મિડ-ઓન પર ઉભેલા ક્રિશ્ચિયન ક્લાર્કના હાથમાં રમી બેઠો. આ રીતે લાઇફ લાઇન મળવા છતાં રોહિત 11 રન બનાવીને આઉટ થઈ ગયો. 8. કોહલીની મિડવિકેટ પર ફ્લેટ સિક્સ છઠ્ઠી ઓવરમાં વિરાટ કોહલીએ જેક ફોલ્ક્સના બોલ પર ફ્લેટ સિક્સ લગાવી. તેણે ઓફ સ્ટમ્પની બહારની બાઉન્સી બોલને મિડવિકેટની દિશામાં રમી અને બાઉન્ડરી લાઈનની બહાર પહોંચાડી. 9. નીતિશની સિક્સ સાથે ફિફ્ટી, પુષ્પા સેલિબ્રેશન કર્યું 27મી ઓવરમાં નીતિશ કુમાર રેડ્ડીએ છગ્ગો ફટકારીને ફિફ્ટી પૂરી કરી. તેણે ‘પુષ્પા’ સ્ટાઈલમાં સેલિબ્રેશન પણ કર્યું. નીતિશે ગ્લેન ફિલિપ્સના ઓવરપિચ બોલ પર લોન્ગ ઓન ઉપરથી સિક્સ લગાવી. આ તેના વન-ડે કરિયરની પહેલી જ ફિફ્ટી હતી. 10. હર્ષિતની સિક્સ સાથે ફિફ્ટી 44મી ઓવરમાં હર્ષિત રાણાએ પોતાની પહેલી વન-ડે ફિફ્ટી ફટકારી. તેણે જેક ફોલ્ક્સના બોલ પર છગ્ગો ફટકારીને ફિફ્ટી પૂરી કરી. ઓવરના ચોથા બોલ પર તે 52 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ પાંચમાં બોલ પર મોહમ્મદ સિરાજ ઝીરો પર આઉટ થઈ ગયો. —————- IND Vs NZ મેચ સંબંધિત આ સમાચાર પણ વાંચો… ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની નાલેશીભરી હાર, પહેલીવાર ભારતમાં વન-ડે સિરીઝ કબજે કરી, 41 રનથી મેચ જીતી ન્યૂઝીલેન્ડે ભારતમાં પ્રથમ વખત વન-ડે સિરીઝ જીતી લીધી છે. ટીમે ઇન્દોરમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં યજમાન ટીમને 41 રનથી હરાવી. સંપૂર્ણ સમાચાર વાંચો…