ક્રિકેટ પછી હવે TV પર પણ રોહિત મચાવશે ધમાલ:નાના પડદા પર મનોરંજન શો સાથે હિટમેનનો નવો અવતાર જોવા મળશે; ટીઝર લોન્ચ કર્યું

Last Updated: August 11, 2026By

ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટર રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ હવે જીવનની એક નવી ઇનિંગ્સ તરફ પગલું માંડ્યું છે. બેટ પકડીને બોલરોના છગ્ગા છોડાવનારા હિટમેન હવે પહેલીવાર એક નવા અંદાજમાં દર્શકોનું મનોરંજન કરતા જોવા મળશે. મીડિયા જગતમાં હલચલ મચાવનારી આ નવી શરૂઆત સાથે રોહિત ટૂંક સમયમાં જ નાના પડદા પર પોતાના શોથી સત્તાવાર રીતે મનોરંજન જગતમાં કદમ મૂકવા જઈ રહ્યો છે. હિટમેનનો નવો અંદાજ અને રસપ્રદ ટીઝર હાલમાં જ સામે આવેલી આ નવી પહેલની વિસ્તૃત વિગતો ભલે અત્યારે ગુપ્ત રાખવામાં આવી હોય, પરંતુ સામે આવેલી કેટલીક ઝલકોએ ચાહકોની ઉત્સુકતાને ઘણી ગણી વધારી દીધી છે. શો સાથે જોડાયેલા એક રસપ્રદ વીડિયોમાં રોહિત શર્મા પોતાના સમર્થકો સાથે વાતચીત કરતા જોવા મળે છે. આ દરમિયાન તેના ચાહકો સતત તેની પાસે તેનો ફેમસ થયેલો ડાયલોગ, ‘કોઈ ભી ગાર્ડન મેં નહીં ઘૂમેગા,’ દોહરાવવાની વિનંતી કરે છે. વારંવાર એક જ માગથી થોડો અસહજ થઈને રોહિત ત્યાંથી ચાલ્યો જાય છે. આ મજેદાર ક્ષણ શોના આખા મનોરંજન પેકેજનો માત્ર એક નાનો ભાગ છે, જે સંકેત આપે છે કે દર્શકોને મેદાનની બહાર પણ તેનું એક અનોખું રૂપ જોવા મળશે. તહેવારોની સીઝનમાં નવા કાર્યક્રમોનો ભંડાર હિટમેનના આ નવા અવતાર ઉપરાંત આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર નવા અને રોમાંચક કન્ટેન્ટની એક મોટી લાઇનઅપ તૈયાર કરવામાં આવી છે. દર્શકોના મનોરંજન માટે સામાન્ય જ્ઞાન આધારિત ક્વિઝ શોની 18મી સીઝન પણ નવા વિચાર ‘સોચના પડેગા’ સાથે વાપસી કરી ચૂકી છે, જે લોકોના જ્ઞાન અને આકાંક્ષાઓને એક નવો મંચ આપે છે. આ સાથે જ બોલીવુડના જાણીતા અભિનેતા અજય દેવગન એક નવા રૂપમાં ગુનાહિત કેસો અને સત્ય ઘટનાઓ પર આધારિત એક સસ્પેન્સથી ભરેલા શોનું સંચાલન કરતા જોવા મળશે. ટીવીના પડદા પર આવી રહ્યા છે અનેક શો હસી-મજાકના માહોલ જાળવી રાખવા માટે પ્રખ્યાત કોમેડી જોડી ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા એક નવા ગેમ શોની કમાન સંભાળી રહ્યા છે, જેમાં અનેક કલાકારો એકસાથે આવીને મજેદાર પડકારોનો સામનો કરશે. આ સિવાય ઓટીટી જગતના પ્રેમીઓ માટે નાણાકીય છેતરપિંડી અને એક વિશાળ વ્યાવસાયિક સામ્રાજ્યના ઉત્થાન અને પતનની સત્ય વાર્તા પર આધારિત ‘સ્કેમ 2010’ જેવી ચર્ચિત સિરીઝ પણ લાઇનઅપમાં સામેલ છે, જેનું નિર્દેશન પ્રખ્યાત નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકરે કર્યું છે.