'ખરાબ ઇન્ટરનેટ અને નાની સ્ક્રીનમાં VFX જોઈને ટ્રોલ કરે છે':'રામાયણ'ની ટીકા પર રણબીર કપૂરનો પલટવાર, કહ્યું- 'એક સીન પૂરો કરવામાં 3 વર્ષ લાગ્યા'

Last Updated: August 12, 2026By

નિતીશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ તેમાં બતાવેલા VFXની ચારેકોરથી ટીકા થઈ રહી છે. જોકે, હવે ફિલ્મના લીડ એક્ટર રણબીર કપૂરે ટ્રોલિંગ અંગે મૌન તોડ્યું છે. ‘કોલાઈડર’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં રણબીર કપૂર, નિતીશ તિવારી અને કો-પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ ટ્રોલ્સને જવાબ આપ્યો છે. ખરેખરમાં, ટ્રેલર લોન્ચ થયા પછી ફિલ્મના ગ્રાફિક્સની ટીકા કરવામાં આવી રહી હતી. આના પર રણબીર કપૂરે કહ્યું કે, ‘સ્માર્ટફોન અને ખરાબ ઇન્ટરનેટ કનેક્શન પર લોકો ટ્રેલર જોઈને વિઝ્યુઅલ ઇફેક્ટ્સને જજ કરી રહ્યા છે.’ મેકર્સે દર્શકોને ફિલ્મને IMAX 3Dમાં જોવાની વિનંતી કરી છે અને જણાવ્યું છે કે, ‘હજુ VFXનું કામ પૂરું થવાનું બાકી છે.’ ‘ફોન પર ટ્રેલર જોઈને લોકો AI સમજવા લાગે છે’
રણબીર કપૂરે કહ્યું કે, ‘જે લોકોને કમ્પ્યુટર ગ્રાફિક્સની જાણકારી નથી, તેમને લાગે છે કે બધું જ ફક્ત AI થી બનાવવામાં આવ્યું છે.’ ‘વાસ્તવમાં કોઈપણ સીનને તૈયાર કરવામાં અગણિત કલાકો અને ઘણા વર્ષોની મહેનત લાગે છે. પ્રોજેક્ટની શરૂઆતથી જ નિતેશ તિવારી અને નમિત મલ્હોત્રા વિઝ્યુઅલ ઇફેક્ટ્સની મીટિંગ્સમાં બેસીને આકાશનો રંગ પણ સાચો કરવામાં લાગેલા રહે છે. તેમનું માનવું છે કે આજકાલના દર્શકોને કમ્પ્યુટર ગ્રાફિક્સથી પ્રભાવિત કરવા ખૂબ મુશ્કેલ કામ બની ગયું છે.’ મોટા પડદાના અનુભવ માટે લાખો ડોલર ખર્ચ્યા
ફિલ્મના કો-પ્રોડ્યુસર અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ એક્સપર્ટ નમિત મલ્હોત્રાએ કહ્યું કે, ‘લોકો યોગ્ય સ્ક્રીન અને વાતાવરણમાં વિઝ્યુઅલનો અનુભવ નથી કરી રહ્યા. જ્યારે તે જ વિઝ્યુઅલ IMAXમાં 3Dમાં જોવામાં આવશે, ત્યારે લોકોનો અભિપ્રાય બદલાઈ જશે.’ નમિતના મતે, ‘મેકર્સ મોટા પડદાનો શ્રેષ્ઠ અનુભવ આપવા માટે લાખો ડોલર ખર્ચી રહ્યા છે, પરંતુ લોકો ખરાબ ઇન્ટરનેટ કનેક્શનવાળા મોબાઇલ ફોન પર જોઈને ખામીઓ શોધવા લાગે છે.’ નાની ભૂલને વધારીને બતાવવામાં આવી રહી છે
ડિરેક્ટર નિતેશ તિવારીએ જણાવ્યું કે, તેમની ટીમ હજુ પણ વિઝ્યુઅલ ઇફેક્ટ્સના કામને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. ફિલ્મના કેટલાક ખાસ સિક્વન્સ પૂરા કરવામાં અઢીથી ત્રણ વર્ષનો સમય લાગ્યો છે. નિતેશે કહ્યું કે, ‘જ્યારે કોઈ વ્યક્તિ માત્ર ખામીઓ શોધવાના ઇરાદાથી કામ જુએ છે, ત્યારે આખી ટીમની વર્ષોની મહેનત અવગણવામાં આવે છે અને કોઈ નાની ભૂલને પણ ખૂબ મોટી બનાવીને રજૂ કરવામાં આવે છે.’ નમિત મલ્હોત્રાની કંપની DNEG 8 વખત ઓસ્કર જીતી ચૂકી છે
ટીકાઓ વચ્ચે નમિત મલ્હોત્રાની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કંપની DNEGનો ટ્રેક રેકોર્ડ ઘણો મજબૂત રહ્યો છે. આ કંપની નમિતની મૂળ કંપની ‘પ્રાઇમ ફોકસ’ હેઠળ આવતી એક બ્રિટિશ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કંપની છે. DNEGને અત્યાર સુધી શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કેટેગરીમાં કુલ 8 વખત ઓસ્કર એવોર્ડ મળી ચૂક્યો છે. આમાં ક્રિસ્ટોફર નોલનની ‘ઇન્સેપ્શન’, ‘ઇન્ટરસ્ટેલર’, ‘ટેનેટ’ ઉપરાંત ‘બ્લેડ રનર 2049’ અને ‘ડ્યુન’ જેવી મોટી હોલીવુડ ફિલ્મોનો સમાવેશ થાય છે. 4,000 કરોડના બજેટમાં બની રહી છે દેશની સૌથી મોટી ફિલ્મ નિતીશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’ ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે. તેનું કુલ બજેટ લગભગ 4,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ફિલ્મનું નિર્માણ નમિત મલ્હોત્રા અને સાઉથ સ્ટાર યશ સાથે મળીને કરી રહ્યા છે. ફિલ્મમાં રણબીર કપૂર અને યશ ઉપરાંત ઘણા મોટા કલાકારો મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. ટીઝર રિલીઝ થયા બાદથી જ ફિલ્મને લઈને દર્શકોમાં ચર્ચા ચાલી રહી છે.