'ગંભીરે જ રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો':પૂર્વ ઈન્ડિયન ક્રિકેટરનો હેડ કોચ પર ગંભીર આરોપ; કહ્યું- રોહિતને હટાવવાથી તેની રુચિ ઓછી થઈ ગઈ
પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીના નિવેદનથી એક નવો વિવાદ ઉભો થયો છે. મનોજ તિવારીના જણાવ્યા પ્રમાણે, ઈન્ડિયન ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્માને વન-ડેના કેપ્ટન પદેથી હટાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેનું કહેવું છે કે આ નિર્ણય સીધી રીતે લેવામાં આવ્યો ન હતો, પરંતુ પસંદગી સમિતિના ચીફ અજીત અગરકર પર પ્રભાવ પાડીને તેને લાગુ કર્યો હતો. BCCIએ જ્યારે ગયા વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરી હતી, ત્યારે રોહિત શર્માના સ્થાને શુભમન ગિલને નવો કેપ્ટન બનાવ્યો હતો. આ નિર્ણયથી ક્રિકેટ જગતમાં અનેક સવાલો ઉભા થયા હતા કારણ કે રોહિત વન-ડે ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં હતો અને 2027 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારી કરી રહ્યો હતો. મનોજ તિવારીએ ભારત માટે 12 વન-ડે મેચમાં 287 રન અને 3 T20 ઇન્ટરનેશનલ મેચમાં 15 રન બનાવ્યા હતા. મનોજ તિવારીએ સ્પોર્ટ્સ ટુડેને જણાવ્યું હતું કે, ‘અજીત અગરકર મજબૂત વ્યક્તિત્વ છે અને પોતે નિર્ણય લેવા માટે સક્ષમ છે. પરંતુ આટલો મોટો નિર્ણય એકલા હાથે ન લઈ શકાય. પડદા પાછળ ઘણી વસ્તુઓ થતી હોય છે. આમાં કોચનો ઈનપુટ ચોક્કસ રહ્યો હશે.’ રોહિતનો ઉત્સાહ ઓછો થઈ ગયો છે- મનોજ તિવારી મનોજ તિવારીને એ વાત પર શંકા છે કે રોહિત શર્માને હટાવવાનો નિર્ણય સંપૂર્ણપણે સિલેક્શન પેનલનો હતો. તિવારીનું કહેવું છે કે ગૌતમ ગંભીરનો દૃષ્ટિકોણ આમાં સામેલ રહ્યો હશે. તેણે એમ પણ સ્વીકાર્યું કે રોહિત શર્માને કેપ્ટન પરથી હટાવ્યા બાદ તેની ODI ફોર્મેટમાં રુચિ ઓછી થઈ ગઈ છે. તેણે કહ્યું કે રોહિત પહેલા જેવો એનિમેટેડ દેખાતો નથી અને મેદાન પર તેનો ઉત્સાહ ઓછો દેખાય છે. મનોજ તિવારીએ કહ્યું, ‘હું રોહિત સાથે રમ્યો છું. તેને હટાવવો ખૂબ જ અપમાનજનક લાગ્યું. આટલા મોટા ખેલાડી સાથે આવું વર્તન ન થવું જોઈએ.’ મનોજ તિવારીએ રોહિત શર્માના નેતૃત્વ અને પ્રદર્શનનો બચાવ કરતા કહ્યું કે રોહિત એક અનુભવી કેપ્ટન છે અને તેને હટાવવાનો કોઈ ક્રિકેટિંગ લોજિક નહોતો. ‘રોહિતની ક્ષમતા પર શંકા કરવી ખોટી’ મનોજ તિવારીએ કહ્યું કે રોહિત શર્માએ કેપ્ટન તરીકે બે ICC ટ્રોફી જીતી છે. 2023 વર્લ્ડ કપ ફાઈનલમાં પણ ભારત જીતી શક્યું હોત. મનોજ તિવારીનું માનવું છે કે રોહિતની ક્ષમતા પર શંકા કરવી ખોટી હતી અને તેનું 2027 સુધી રમવું બિલકુલ શક્ય છે. તિવારીએ એમ પણ કહ્યું કે જો કેપ્ટનશીપની જવાબદારી યુવા ખેલાડીને આપવી જ હતી, તો પ્રક્રિયાને ધીમે-ધીમે અને સન્માનજનક રીતે લાગુ કરી શકાઈ હોત. મનોજ તિવારીના આ આરોપો પર અત્યાર સુધી BCCI, અજીત અગરકર કે ગૌતમ ગંભીર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જોકે, તિવારીનું નિવેદન હવે સોશિયલ મીડિયા પર ઝડપથી ચર્ચામાં છે. ક્રિકેટ ચાહકો આ નિર્ણયને લઈને બે જૂથમાં વહેંચાયેલા દેખાઈ રહ્યા છે. ગંભીર અને મનોજ તિવારી વચ્ચે મેદાન પર લડાઈ થઈ હતી વર્ષ 2015માં ફિરોઝ શાહ કોટલા (હવે અરુણ જેટલી સ્ટેડિયમ)માં દિલ્હી વિરુદ્ધ બંગાળની મેચ રમાઈ રહી હતી. પહેલા મનોજ તિવારી હેલ્મેટ પહેર્યા વગર બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ જ્યારે તેણે જોયું કે સામે ફાસ્ટ બોલર છે ત્યારે તેણે ડ્રેસિંગ રૂમ તરફ હેલ્મેટ ગાવવાનો ઈશારો કર્યો. તે સમયે દિલ્હીના ખેલાડીઓને લાગ્યું કે મનોજ તિવારીએ સમય બગાડવા માટે આવું કર્યું છે. આ પછી ગૌતમ ગંભીરે કહ્યું, “સાંજે મળ, તને મારીશ.” મનોજ તિવારી પણ પાછળ ન હટ્યો અને કહ્યું કે, “સાંજે શું, અત્યારે જ બહાર ચાલ.” આ પછી અમ્પાયર્સે વચ્ચે પડીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગંભીરે ગુસ્સામાં અમ્પાયરને પણ ધક્કો મારી દીધો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

