ગરીબી વેઠી, દર-દર ભટક્યો, હવે બન્યો 'એથ્લીટ ઑફ ધ સેન્ચ્યુરી':પિતાએ છોડી દીધો, રંગભેદના કારણે મહેણાં-ટોણાં સહન કર્યા; 1.4 બિલિયન નેટવર્થ ધરાવતા 'કિંગ જેમ્સ'ની સંઘર્ષ ગાથા

Last Updated: June 22, 2026By

દુનિયાના મહાનતમ બાસ્કેટબોલ ખેલાડીઓમાંના એક લેબ્રોન જેમ્સ આજે કારકિર્દીના શિખર પર છે, પરંતુ તેનું જીવન ઘણી મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. તાજેતરમાં જ ટાઈમ મેગેઝીને તેને કવર પેજ પર સ્થાન આપીને “એથ્લીટ ઑફ સેન્ચ્યુરી” ગણાવ્યો છે. ચાલો જાણીએ તેની સંઘર્ષથી સફળતા સુધીની કહાણી… “કિંગ જેમ્સ”ના નામથી જાણીતા લેબ્રોનને જીવનના સંઘર્ષ જન્મથી જ મળ્યા. અમેરિકાના એક્રોન શહેરમાં 30 ડિસેમ્બર 1984ના રોજ જન્મેલા લેબ્રોનની માતા ગ્લોરિયા જેમ્સ માત્ર 16 વર્ષની સિંગલ મધર હતી. લેબ્રોનના જન્મ પહેલા જ તેના પિતા પરિવાર છોડીને ચાલ્યા ગયા હતા. આવા સંજોગોમાં તેને ક્યારેય પિતાનો પ્રેમ નસીબ થયો નહીં. લેબ્રોન પોતાની માતા સાથે નાનીના ઘરે રહેતો હતો. માતા પાસે આવકનું કોઈ સાધન ન હોવાને કારણે તેનું બાળપણ અત્યંત ગરીબીના સંજોગોમાં વીત્યું. સંઘર્ષ – ઉછેર માટે માતાએ બીજાને સોંપ્યા, જાતિવાદનો શિકાર પણ બન્યો જેમ્સ 5 વર્ષના હતો ત્યારે પ્રશાસને તેની નાનીનું ઘર જર્જરિત કહીને પાડી નાખ્યું. મા-દીકરા પાસે કોઈ ઠેકાણું નહોતું. તેઓ સંબંધીઓ, મિત્રોના ઘરોમાં રહેતા હતા. 5 થી 9 વર્ષની ઉંમરમાં જેમ્સ અને તેની માતાને એક ડઝન મકાનો બદલવા પડ્યા. જેમ્સે એક મુલાકાતમાં જણાવ્યું કે ચોથા ધોરણમાં તે સો દિવસ સુધી શાળાએ જઈ શક્યો નહીં. દીકરાના ઉછેર માટે પૂરતા પૈસા નહોતા તો મજબૂરીવશ માતાએ નવ વર્ષના જેમ્સને પોતાના પરિચિત ફૂટબોલ કોચ ફ્રેન્કી વોકરને સોંપી દીધો. તેને ઘણા વર્ષો માતાથી દૂર રહીને વિતાવવા પડ્યા. કારકિર્દીમાં જેમ્સને જાતિભેદ પણ સહન કરવો પડ્યો. મેદાનમાં તેના રંગ પર ટિપ્પણીઓ કરવામાં આવતી હતી. 2017માં તેના ઘરની દીવાલો પર જાતિભેદી શબ્દો લખવામાં આવ્યા. જેમ્સે સાર્વજનિક નિવેદનમાં કહ્યું, તમે ભલે ગમે તેટલા પ્રખ્યાત હો, પરંતુ અમેરિકામાં અશ્વેત હોવું મુશ્કેલ ભર્યું છે. શરૂઆત – હાઈસ્કૂલ ટુર્નામેન્ટોથી બની ઓળખ, NBA ટીમનો કરાર મળ્યો કોચ વોકરે જેમ્સની કદ-કાઠી જોઈને તેને બાસ્કેટબોલથી પરિચિત કરાવ્યો. જલદી જ જેમ્સ સ્કૂલ ટીમમાંથી રમવા લાગ્યો. હાઈસ્કૂલ ટુર્નામેન્ટમાં તેનું પ્રદર્શન એટલું દમદાર રહ્યું કે તેને ત્રણ વખત “ઓહાયો મિસ્ટર બાસ્કેટબોલ” તરીકે પસંદ કર્યો. તેની ખ્યાતિ અને પ્રદર્શન જોઈને 2003માં ક્લીવલેન્ડ કેવેલિયર્સ ટીમે તેની સાથે NBA માટે પહેલો કરાર કર્યો. સફળતા – ઓલિમ્પિક અને NBA ખિતાબ જીત્યા, ગરીબ બાળકોને આપે છે મફત શિક્ષણ જેમ્સ ત્રણ વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિનર ટીમનો કેપ્ટન રહ્યો છે. ચાર NBA ચેમ્પિયનશિપ જીતીને તે ઓલ ટાઈમ લીડિંગ સ્કોરર બન્યો છે. જેમ્સની સામાજિક સંસ્થા આઈ પ્રોમિસ સ્કૂલ દ્વારા ગરીબ બાળકોને મફત શિક્ષણ અને કોલેજ શિષ્યવૃત્તિ આપે છે. તેની પોતાની ફિલ્મ નિર્માણ કંપની છે, જ્યારે અનેક સ્પોર્ટ્સ બ્રાન્ડ્સ સાથે તેના કરાર છે. તેની નેટવર્થ 1.4 બિલિયન ડોલર હોવાનું કહેવાય છે.