ગીરમાં વન્યજીવોના રક્ષકોને મળ્યું સુરક્ષા કવચ:સાસણ ગીરના 220 ફોરેસ્ટ ટ્રેકર્સને પરિમલ નથવાણીના સહયોગથી ₹10 લાખ સુધીનું વીમા કવચ
ગીર અને બૃહદ ગીરના જંગલોમાં સિંહો અને અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે દિવસ-રાત જોખમી કામગીરી કરતા ફોરેસ્ટ ટ્રેકર્સ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાના સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) અને જાણીતા વન્યજીવ પ્રેમી પરિમલ નથવાણીના વિશેષ સહયોગથી ગીરના 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને અકસ્માત વીમા અને મેડિક્લેઇમનું મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ તેમજ ગીર વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, ‘ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી’ સાથે મળીને ‘ન્યૂ ઈન્ડિયા એશ્યોરેન્સ કંપની’ દ્વારા ટ્રેકર્સને રૂ. 3 લાખથી લઈને રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ એનાયત કરાયું છે. આ વીમા પોલીસી અંગે ટ્રેકર્સને સંપૂર્ણ અને વિગતવાર માહિતી આપવાના હેતુથી 16 અને 17 મે, 2026ના રોજ સાસણ ગીરના સિંહ સદન ખાતે એક ખાસ બે-દિવસીય કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જોખમી કામગીરીને કારણે વીમા કંપનીઓ કરતી હતી આનાકાની
સામાન્ય રીતે ફોરેસ્ટ ટ્રેકર્સની કામગીરી ખૂબ જ કપરી અને જોખમથી ભરેલી હોય છે. આ જોખમી પ્રકૃતિના કારણે જ વીમા કંપનીઓ સામાન્ય સંજોગોમાં તેમને અકસ્માત વીમો કે મેડિક્લેઇમ આપવા માટે ખચકાટ અનુભવતી હોય છે. જોકે, પરિમલ નથવાણીએ આ બાબતને ગંભીરતાથી લઈને વિશેષ પ્રયત્નો કર્યા હતા, જેના ફળસ્વરૂપે ન્યૂ ઈન્ડિયા એશ્યોરેન્સ કંપની આ વીમા કવચ પૂરું પાડવા માટે તૈયાર થઈ છે. અકસ્માત વીમા હેઠળ રૂ.10 લાખ સુધીનું વળતર અને બાળકોના શિક્ષણની સહાય
આ યોજના હેઠળ જો કોઈ ટ્રેકરનું ફરજ દરમિયાન અકસ્માતને કારણે મૃત્યુ થાય, તો તેના પરિવારને આર્થિક ટેકો આપવા માટે રૂ.10 લાખ સુધીના વળતરની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, મૃતક ટ્રેકરના પરિવારના એક બાળકના ભણતર માટે રૂ.25 હજાર સુધીની અને જો બે બાળકો હોય તો મહત્તમ રૂ. 50 હજાર સુધીની શૈક્ષણિક સહાય પણ વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવશે. જો અકસ્માત દરમિયાન કોઈ ટ્રેકરને કાયમી અપંગતા આવે, અંગ ગુમાવવું પડે કે દૃષ્ટિ ગુમાવવી પડે, તો તેવા કિસ્સામાં નક્કી કરેલા નિયમો અનુસાર વીમા કવચના ચોક્કસ ટકાવારીની રકમ ચૂકવાશે. આ સાથે જ ફરજ પર ન જઈ શકવાના કારણે રજાનું વળતર, મેડિકલ ખર્ચ અને મૃતકના પાર્થિવ દેહને લાવવા-લઇ જવા માટેનો વાહન ખર્ચ પણ અકસ્માત વીમાના નિયમો હેઠળ આવરી લેવામાં આવ્યો છે. રૂ.3 લાખ સુધીનો કેશલેસ મેડિક્લેઇમ
બીમારી અને સારવારના ખર્ચને પહોંચી વળવા માટે ફોરેસ્ટ ટ્રેકર્સને રૂ.3 લાખ સુધીનું હેલ્થ ઇન્સ્યોરન્સ (મેડિક્લેઇમ) કવચ અપાયું છે. જેમાં સર્જરી, હોસ્પિટલના રૂમ ચાર્જ, ડોક્ટરની ફી, લેબોરેટરી ટેસ્ટ અને દવાઓનો તમામ ખર્ચ સામેલ છે. ટ્રેકર્સને હોસ્પિટલમાં દાખલ થવાના 30 દિવસ પહેલાના અને ડિસ્ચાર્જ થયા પછીના 60 દિવસ સુધીના તબીબી ખર્ચનું વળતર પણ મળશે. વધુમાં, વીમા કંપનીની માન્યતા પ્રાપ્ત નેટવર્ક હોસ્પિટલોમાં ટ્રેકર્સ કેશલેસ સારવારનો લાભ મેળવી શકશે. પ્રિમિયમની રકમ પર્સનલ ફંડમાંથી આપીશ અને આગામી 10 વર્ષ સુધી સહયોગ ચાલુ રહેશે: પરિમલ નથવાણી
આ પ્રસંગે પરિમલ નથવાણીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ વીમા કવચ મળવાથી જોખમી પરિસ્થિતિઓમાં કામ કરતા ટ્રેકર્સ અને તેમના પરિવારોને એક મોટી માનસિક અને નાણાકીય રાહત મળશે. વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનમાં આ ટ્રેકર્સની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. ખાસ કરીને હિંસક કે ઘાયલ પ્રાણીઓના રેસ્ક્યુ ઓપરેશન અને માનવ-વન્યજીવ સંઘર્ષ વખતે તેમને ઈજા થવાનું ભારે જોખમ રહેલું હોય છે. આથી, આ તમામ ટ્રેકર્સના વીમા પ્રિમિયમની રકમ હું મારા વ્યક્તિગત ફંડમાંથી ચૂકવીને અત્યંત આનંદ અનુભવું છું.”
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

