'ગોવિંદા સુધરી જા, મેં ખુકરી કાઢી તો ખેર નથી':સુનિતાએ પતિને ખખડાવ્યો, 'દીકરીના લગ્ન કરાવ, દીકરાનું કરિયર સેટ કર, 63 વર્ષે છોકરીઓની પાછળ જવું શોભે છે?'
બોલિવૂડનો ‘હીરો નં.1’ ગોવિંદા તેની પત્ની સુનિતા સાથેના સંબંધને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલાં તેમના છૂટાછેડા સમાચાર પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. એવામાં સુનિતા આહુજાએ ફરી જાહેરમાં કબૂલ્યું છે કે ગોવિંદા ન તો સારો પતિ છે અને ન તો સારો પિતા. તેણે પતિને જાહેરમાં ખખડાવ્યો છે અને તેના અફેરની ચર્ચા વિશે ધમકી પણ આપી છે. ગોવિંદા ‘પતિ નં.1’ નથી વાસ્તવમાં સુનિતા આહુજાએ ‘મિસ માલિની’ના પોડકાસ્ટ પર ગોવિંદાના અફેર વિશે ખૂલીને વાત કરી છે. સુનિતાએ એ પણ દાવો કર્યો છે કે દીકરા યશની કારકિર્દી પર ગોવિંદાએ રતીભાર પણ મદદ કરી નથી. સુનિતાએ ગોવિંદાને બેજવાબદાર પિતા ગણાવ્યો છે. હાલમાં પોડકાસ્ટનો માત્ર પ્રોમો જ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. ‘હું ખુકરી કાઢી લઈશ ને હાલત બગડી જશે’ પોડકાસ્ટના પ્રોમોની શરૂઆતમાં સુનિતા કહે છે, ‘હું ગોવિંદાને ક્યારેય માફ નહીં કરું. હું નેપાળની છું. ખુકરી (નેપાળનું પરંપરાગત શસ્ત્ર- વળાંકવાળી છરી કે નાની તલવાર) કાઢી લઈશ ને તો બધાની હાલત બગડી જશે. એટલે જ કહું છું કે સતર્ક થઈ જા બેટા, હજુ પણ સમય છે.’ ‘તું થોડો બુદ્ધિ વગરનો છે. તું 63 વર્ષનો થઈ ગયો છે’ બાદમાં ગોવિંદાના અફેરની હિન્ટ આપતાં સુનિતાએ કહ્યું, ‘એવી ઘણી છોકરીઓ આવી, પણ તું થોડો બુદ્ધિ વગરનો છે. તું 63 વર્ષનો થઈ ગયો છે.’ બાદમાં સુનિતા કોઈ છોકરીનું નામ લે છે, પરંતુ પ્રોમોમાં એને મ્યૂટ કરી દેવામાં આવ્યું છે. તે કહે છે, ‘મને આ નામથી નફરત છે. આ નામ હટાવી દો.’ ‘હું દુર્ગાનું રૂપ ધારણ કરી લઈશ’ પછી તે તેના હાથમાં રહેલી માળા દેખાડતાં કહે છે, ‘આ મારા કૃષ્ણ ભગવાનની છે, વૈજયંતીમાળા. મને રાધા-કૃષ્ણ પર ખૂબ શ્રદ્ધા છે. પતિ ગોવિંદા છે ને એટલે. એટલે જ ઘણી ગોપીઓ છે. એ જ ખોટું છે ને. તેને ખબર નથી, પછી હું દુર્ગાનું રૂપ ધારણ કરી લઈશ. ‘તું બાપ છો કે શું છો?’ સુનિતાએ એ પણ દાવો કર્યો કે ગોવિંદા સારો પિતા બનવામાં પણ નિષ્ફળ સાબિત થયો છે. તેણે કહ્યું, ‘તારે ટીના (દીકરી)ના લગ્ન કરાવવા જોઈએ. યશ (દીકરા)નું કરિયર સેટ કરવાનું છે. ગોવિંદાનો દીકરો હોવાના નાતે યશ ક્યારેય તેના પિતાને કહી નથી શકતો કે મારી મદદ કરી દો કે ક્યાંય ફોન લગાવી દો. ગોવિંદાએ પણ ક્યારેય તેની કોઈ મદદ કરી નથી. હું તો તેના મોઢા પર કહું છું કે ‘તું બાપ છો કે શું છો?’ છૂટાછેડાના સમાચાર કેવી રીતે શરૂ થયા હતા? ગોવિંદા-સુનિતાના છૂટાછેડાના સમાચાર 22 ઓગસ્ટ 2025થી હેડલાઇન્સમાં હતા. ‘હોટરફ્લાય’ (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ)ના અહેવાલમાં જણાવાયું હતું કે સુનિતાએ ગોવિંદા પર લગ્નેતર સંબંધ અને ક્રૂરતાનો આરોપ લગાવીને છૂટાછેડા માટે અરજી કરી હતી. જોકે દિવ્ય ભાસ્કરે ગોવિંદાના નજીકનાં સૂત્રોનો સંપર્ક કર્યો અને આ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા. રિપોર્ટ અનુસાર, સુનિતાએ હિન્દુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 13 (1) (i), (ia), (ib) હેઠળ છૂટાછેડા માટે અરજી કરી છે. આનો અર્થ એ છે કે છૂટાછેડા માટેનાં કારણો લગ્નેતર સંબંધો (અન્ય સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધો રાખવા), ક્રૂરતા અને ત્યાગ (કારણ વગર જીવનસાથીને છોડી દેવા) છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોર્ટે ગોવિંદાને હાજર થવા માટે નોટિસ મોકલી હતી, પરંતુ મે 2025માં કારણ બતાવો નોટિસ જારી ન થાય ત્યાં સુધી તે રૂબરૂ હાજર થયો ન હતો. જૂન 2025થી બંને કોર્ટ દ્વારા ફરજિયાત કાઉન્સેલિંગ સત્રોમાં આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 2024માં પણ છૂટાછેડાના સમાચારે જોર પકડ્યું હતું 2024ના ડિસેમ્બરમાં પણ ગોવિંદા-સુનિતાના છૂટાછેડાના સમાચારોએ જોર પકડ્યું હતું. 5 ડિસેમ્બરે સુનિતાએ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી, જોકે થોડા સમય પછી તેણે પોતે મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘મને અને ગોવિંદાને કોઈ અલગ કરી શકે નહીં.’
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

