જયા બચ્ચન ઈન 'ડેન્જર મૂડ'!:પાપારાઝીને જોતાં પહેલા મોઢું ફેરવ્યું, પછી ગુસ્સામાં ભભૂકી કહ્યું- 'હવે બહુ થયું…'; કરણની મસ્તીએ મામલો થાળે પાડ્યો
જયા બચ્ચન અને પાપારાઝી વચ્ચેનો છત્રીસનો આંકડો જગજાહેર છે. તાજેતરમાં મુંબઈની એક હોટલ બહાર ફરી એકવાર જયા બચ્ચનનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું, જ્યાં તેમણે ફોટોગ્રાફર્સનો ઉધડો લીધો. જોકે, આ ગંભીર માહોલમાં કરણ જોહરની મસ્તીએ માહોલ શાંત પાડી દીધો. હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટના શું હતી? 18 ફેબ્રુઆરીની સાંજે જયા બચ્ચન મુંબઈની ‘ફોર સીઝન્સ’ હોટલ બહાર પોતાના ફ્રેન્ડસ સાથે જોવા મળ્યા હતા. તેમને જોતા જ પાપારાઝીએ ફોટા પાડવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં જયા બચ્ચને તેમને નજરઅંદાજ કર્યા અને મોઢું ફેરવી લીધું. પરંતુ જ્યારે પાપારાઝી બીજી તરફથી એન્ગલ લેવાનો પ્રયત્ન કર્યો, ત્યારે જયા બચ્ચનનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. તેમણે ગુસ્સામાં કહ્યું- “બસ, હવે બહુ થયું!” અને વધુ ફોટા ન પાડવા કડક શબ્દોમાં ખખડાવી નાખ્યા. કરણ જોહરની મસ્તી જયા બચ્ચન જ્યારે નારાજ હતા ત્યારે જ ફિલ્મમેકર કરણ જોહર ત્યાં આવી પહોંચ્યા. બંને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. જ્યારે કરણ વિદાય લઈ રહ્યા હતા ત્યારે જયા બચ્ચને ફરી એકવાર પાપારાઝી સામે નારાજગી વ્યક્ત કરી, પણ કરણે ખૂબ જ પ્રેમથી તેમને ગળે લગાવી મામલો શાંત પાડ્યો હતો. જતા-જતા જ્યારે પાપારાઝીએ કરણ જોહરનો આભાર માન્યો, ત્યારે કરણે મજાકિયા અંદાજમાં કહ્યું- “મારા કારણે તમને જયાજીના ફોટા મળ્યા છે હો!” કરણની આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ ફોટોગ્રાફર્સ હસી પડ્યા હતા. કરણે આ વાત જયા બચ્ચનને પણ જણાવી, જેના પર એક્ટ્રેસનું રિએક્શન જોવા જેવું હતું. સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આ ઘટનાનો વીડિયો વાઇરલ થતા જ યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો જયાજીના આ વર્તનને ‘અહંકારી’ ગણાવી રહ્યા છે, તો કેટલાકનું માનવું છે કે 77 વર્ષની ઉંમરે દરેક વ્યક્તિને પોતાની પ્રાઈવસીનો અધિકાર છે. જોકે, કરણ જોહરની ‘ડિપ્લોમસી’ના લોકો જોરદાર વખાણ કરી રહ્યા છે કે તેણે કેવી રીતે ગુસ્સે ભરાયેલા જયાજીને શાંત કરી દીધા. અગાઉની ઘટનાઓનો કડવો અનુભવ જયા બચ્ચનનો આ વ્યવહાર કોઈ નવો નથી. આ પહેલા પણ અનેકવાર તેઓ પાપારાઝી કલ્ચર સામે ઝેર ઓકી ચુક્યા છે: એરપોર્ટ વિવાદ: એકવાર એરપોર્ટ પર ફોટોગ્રાફર્સને જોઈને તેમણે કહ્યું હતું કે, “હું ઈચ્છું છું કે તમે બધા નીચે પડી જાઓ.” દિવાળી પાર્ટી: અમિતાભ બચ્ચનના બંગલા ‘પ્રતીક્ષા’ બહાર ફોટા પાડતા મીડિયાકર્મીઓને તેમણે ‘ઘૂસણખોર’ કહીને સંબોધ્યા હતા. નવ્યાના પોડકાસ્ટમાં નિવેદન: દોહિત્રી નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટમાં પણ જયાજીએ સ્પષ્ટ કહ્યું હતું કે, કોઈની મંજૂરી વગર ફોટા પાડવા ‘અનૈતિક’ અને ‘ખરાબ’ કૃત્ય છે. બરખા દત્તને આપેલા ઇન્ટરવ્યૂમાં વિવાદ: જયા બચ્ચને કહ્યું કે- આ ઘણું વિચિત્ર છે. મારો મીડિયા સાથે સંબંધ ખૂબ સારો છે, હું જે છું, તે મીડિયાના લીધે જ છું પરંતુ પાપારાઝી સાથે મારો સંબંધ ઝીરો છે. શું આ લોકોએ કોઈ ટ્રેનિંગ લીધી છે, તો એ દેશના લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. શું તમે આને મીડિયા કહો છો. હું મીડિયામાંથી આવું છું, મારા પિતા એક પત્રકાર હતા. હું તે લોકોનો ખૂબ આદર કરું છું. પરંતુ આ જે બહાર ગંદા ટાઇટ કપડા પહેરીને, હાથમાં મોબાઇલ લઈને, તેમને લાગે છે કે, તેમની પાસે મોબાઇલ છે, તો તેઓ તમારો ફોટો લેશે અને કંઈપણ કહી દેશે, આ લોકો જે રીતે કોમેન્ટ કરે છે, આ કેવા પ્રકારના લોકો છે, ક્યાંથી આવે છે. કેવા પ્રકારનું ભણતર છે, શું બેકગ્રાઉન્ડ છે. શું તે આપણું પ્રતિનિધિત્વ કરે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

