જાપાનના PM અને મોદી વચ્ચે વાતચીત શરૂ:રોકાણ, સંરક્ષણ અને સેમિકન્ડક્ટર્સ અંગે ચર્ચા; તાકાઈચી પહેલીવાર ભારત આવ્યા

Last Updated: July 2, 2026By

નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન સાને તાકાઈચી વચ્ચે દ્વિપક્ષીય બેઠક શરૂ થઈ હતી. બંને નેતાઓ રોકાણ, સંરક્ષણ, સેમિકન્ડક્ટર્સ, ક્રિટિકલ મિનરલ્સ, સપ્લાય ચેઈન, દરિયાઈ સુરક્ષા તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક બાબતોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. આ બેઠક 16મી ભારત-જાપાન વાર્ષિક સમિટનો એક ભાગ છે. અગાઉ, રાષ્ટ્રપતિ ભવન ખાતે તાકાઈચીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્વાગત સમારોહમાં હાજર રહ્યા હતા. વડાપ્રધાન બન્યા પછી તાકાઇચીનો આ પહેલો ભારત પ્રવાસ છે. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર પણ વાતચીત થવાની અપેક્ષા છે. ભારત-જાપાનમાં ડોલર વિના વેપારની તૈયારી ભારત અને જાપાન વેપારમાં અમેરિકન ડોલરની ભૂમિકા ઘટાડવાની તૈયારી કરી રહ્યા છે. નિક્કી એશિયાના રિપોર્ટ અનુસાર, બંને દેશ એવી વ્યવસ્થા બનાવવા પર કામ કરી રહ્યા છે, જેથી કારોબારની ચુકવણી સીધા ભારતીય રૂપિયા અને જાપાનીઝ યેનમાં થઈ શકે. આ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચીની નવી દિલ્હીમાં યોજાનારી બેઠક બાદ જાહેરાત કરવામાં આવી શકે છે. સાને તાકાઇચી 3 દિવસના ભારત પ્રવાસે છે. વડાપ્રધાન બન્યા પછી આ તેમનો પ્રથમ ભારત પ્રવાસ હશે. બંને નેતાઓ વચ્ચે યોજાનારી 16મી ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં વેપાર, રોકાણ, સંરક્ષણ, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમોબાઇલ, સપ્લાય ચેઇન અને હિંદ-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. ડોલર પર નિર્ભરતા ઘટશે, સ્પેશિયલ એકાઉન્ટ દ્વારા સીધી ચુકવણી જો ભારત અને જાપાન વચ્ચે ચુકવણી સંબંધિત આ પ્રસ્તાવ લાગુ પડે છે, તો બંને દેશો વચ્ચે પ્રથમ વખત સ્થાનિક ચલણમાં વેપાર માટે ઔપચારિક વ્યવસ્થા બનશે. આ યોજના હેઠળ જાપાની કંપનીઓ ભારતીય બેંકોમાં વિશેષ ખાતા ખોલીને સીધા રૂપિયા અને યેનમાં લેણદેણ કરી શકશે. એટલે કે, લેણદેણ માટે અમેરિકન ડોલર કે કોઈ ત્રીજા દેશની બેંકની જરૂર પડશે નહીં. આ વ્યવસ્થાથી વિદેશી મુદ્રા બદલવાનો ખર્ચ ઘટશે, પૈસા મોકલવાનો ખર્ચ ઘટશે અને ચુકવણી પહેલાં કરતાં ઝડપથી થઈ શકશે. બંને દેશોને આશા છે કે આનાથી વેપાર કરવો સરળ બનશે અને કંપનીઓનો સમય અને પૈસા બંને બચશે. 2025માં બની હતી સંમતિ, હવે લાગુ કરવાની તૈયારી સ્થાનિક મુદ્રાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે જાપાનનું નાણા મંત્રાલય નાણાકીય વર્ષ 2026 દરમિયાન ભારતીય રિઝર્વ બેંક (RBI) સાથે એક સહયોગ કરાર (MoC) કરવાની તૈયારીમાં છે. આ પ્રસ્તાવ સંપૂર્ણપણે નવો નથી. ઓગસ્ટ 2025માં વડાપ્રધાન મોદીની જાપાન યાત્રા દરમિયાન બંને દેશોએ આગામી 10 વર્ષ માટે એક સંયુક્ત વિઝન દસ્તાવેજ બહાર પાડ્યો હતો. તેમાં પણ પેમેન્ટ સિસ્ટમ અને સ્થાનિક મુદ્રાઓમાં વેપાર વધારવાની વાત કહેવામાં આવી હતી. હવે તે જ યોજનાને આગળ વધારવામાં આવી રહી છે. ભારત પણ છેલ્લા કેટલાક વર્ષોથી રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપી રહ્યું છે. જુલાઈ 2022માં RBIએ ‘સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ’ શરૂ કર્યું હતું, જેથી અન્ય દેશો સાથે રૂપિયામાં વેપાર થઈ શકે. પાછળથી આ વ્યવસ્થાનો વ્યાપ વધારવામાં આવ્યો અને વિદેશી બેંકોને આ ખાતાઓમાં જમા વધારાની રકમ ભારતીય સરકારી બોન્ડમાં રોકાણ કરવાની પણ મંજૂરી આપવામાં આવી. ભારત પહેલાથી જ રૂપિયામાં કારોબાર વધારી રહ્યું છે સંસદમાં સરકારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 30 દેશોની 123 વિદેશી બેંકો માટે ભારતમાં 26 બેંકોમાં 156 વિશેષ રૂપિયા વોસ્ટ્રો ખાતા ખોલવામાં આવ્યા છે. RBIનું કહેવું છે કે આનાથી આંતરરાષ્ટ્રીય વેપારમાં મજબૂત વિદેશી ચલણો પર નિર્ભરતા ઘટશે અને રૂપિયાનો વૈશ્વિક ઉપયોગ વધશે. જાપાન પણ એશિયાના અન્ય દેશો સાથે સ્થાનિક ચલણોમાં વેપારને પ્રોત્સાહન આપી રહ્યું છે. ડિસેમ્બર 2025માં તેણે ઇન્ડોનેશિયા સાથે પણ આવો જ કરાર કર્યો હતો, જેથી બંને દેશો વચ્ચે સ્થાનિક ચલણોમાં તમામ પ્રકારના વ્યવહારોને પ્રોત્સાહન આપી શકાય. ભારતમાં વધી રહ્યું જાપાની રોકાણ ભારત અને જાપાનના આર્થિક સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2025-26માં બંને દેશો વચ્ચે 27.5 અબજ ડોલરનો વેપાર થયો. એપ્રિલથી ડિસેમ્બર 2025 દરમિયાન જાપાને ભારતમાં 3.2 અબજ ડોલરનું રોકાણ કર્યું. જ્યારે જાપાને આગામી 10 વર્ષમાં ભારતમાં 61 અબજ ડોલરથી વધુ રોકાણ કરવાનો લક્ષ્ય પણ નક્કી કર્યો છે. હાલમાં ભારતમાં લગભગ 1,400 જાપાની કંપનીઓ કાર્યરત છે, જેમાંથી લગભગ અડધી મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે સંકળાયેલી છે. જાપાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના સહિત અનેક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પણ રોકાણ કરી રહ્યું છે. તાજેતરમાં જ જાપાની કંપનીએ યસ બેંકમાં 20% હિસ્સેદારી ખરીદવા માટે 1.6 અબજ ડોલરનું રોકાણ પણ કર્યું છે. બંને નેતાઓ આ મુલાકાત દરમિયાન ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરશે. આ ઉપરાંત ક્વાડ, હિંદ-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા અને વ્યૂહાત્મક સહયોગને લઈને પણ ચર્ચા થવાની સંભાવના છે. ભારત-જાપાન વેપારની 5 ખાસ વાતો જાપાન ભારતમાં રોકાણ કરનાર પાંચમો સૌથી મોટો દેશ છે. માર્ચ 2026 સુધીમાં તેનું કુલ રોકાણ ₹4.58 લાખ કરોડ પહોંચી ચૂક્યું હતું. ભારત-જાપાને વર્ષ 2025માં આગામી 10 વર્ષ માટે 10 ટ્રિલિયન જાપાનીઝ યેન (₹5.84 લાખ કરોડ) ના જાપાની ખાનગી રોકાણનું લક્ષ્ય નક્કી કર્યું. આ રોકાણ મુખ્યત્વે સેમિકન્ડક્ટર, ક્લીન એનર્જી અને હાઈ-ટેક ડિફેન્સ ઉદ્યોગોમાં થશે. એક સર્વે મુજબ, જાપાની કંપનીઓ માટે ભારત વિશ્વનો સૌથી પસંદગીનો અને ભરોસાપાત્ર રોકાણ દેશ છે. ભારતમાં વેપાર કરી રહેલી 75%થી વધુ જાપાની કંપનીઓ નફામાં છે. ચીન પર વૈશ્વિક નિર્ભરતા ઘટાડવા માટે ભારત અને જાપાને સેમિકન્ડક્ટર અને લિથિયમ, કોબાલ્ટ જેવા ક્રિટિકલ મિનરલ્સની સપ્લાય ચેઇનને મજબૂત કરવા માટે 2025માં એક વિશેષ વ્યૂહાત્મક સંવાદ શરૂ કર્યો છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ સંપૂર્ણપણે જાપાની શિંકનસેન ટેકનોલોજી અને જાપાની લોનની મદદથી આગળ વધી રહ્યો છે, જે બંને દેશોના સહયોગનું સૌથી મોટું પ્રતીક છે.

Leave A Comment