જામીન મળતા રાજપાલ યાદવ જેલમાંથી બહાર આવ્યો:એક્ટરે કહ્યું- 'આરોપોના જવાબ આપવા તૈયાર છું'; હાઇકોર્ટ, ચાહકો અને ઇન્ડસ્ટ્રીનો આભાર માન્યો

Last Updated: February 17, 2026By

બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ તિહાડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. મંગળવારે મુક્તિની ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ તે જેલમાંથી બહાર આવ્યો અને કહ્યું કે, તે તમામ આરોપોનો જવાબ આપશે. તેણે કોર્ટનો આભાર પણ માન્યો. મીડિયા સાથેની વાતચીતમાં રાજપાલ યાદવે કાનૂની પ્રશ્નો પર સીધી ટિપ્પણી કરવાનું ટાળતા કહ્યું કે, સંપૂર્ણ માહિતી માટે તેના વકીલ ભાસ્કર ઉપાધ્યાયનો સંપર્ક કરી શકાય છે. રાજપાલ યાદવે કહ્યું કે, તે છેલ્લા 30 વર્ષથી મુંબઈ અને બોલિવૂડનો હિસ્સો છે. આ સમયગાળા દરમિયાન તેને ઇન્ડસ્ટ્રી અને દર્શકોનો ભરપૂર સાથ અને પ્રેમ મળ્યો, જેના કારણે તે લગભગ 250 ફિલ્મોમાં કામ કરી શક્યો. તેણે દાવો કર્યો કે, છેલ્લા વર્ષોમાં અદાલતના આદેશોનું પાલન કરતા તે નિયમિતપણે હાજર રહ્યો છે અને ભવિષ્યમાં પણ જ્યાં આદેશ હશે, ત્યાં ઉપસ્થિત રહેશે. સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો એક્ટરે પોતાના સમર્થકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, સોશિયલ મીડિયા પર અને તેની બહાર પણ તેને લોકોનો ટેકો મળ્યો છે. રાજપાલે કહ્યું કે જો તેની વિરુદ્ધ કોઈ આરોપ હોય, તો તે 100 ટકા દરેક જગ્યાએ જવાબ આપવા માટે ઉપલબ્ધ છે. વાતચીતના અંતે તેણે હાઈકોર્ટનો આભાર માનતા કહ્યું કે, અદાલતે તેને પોતાની વાત રજૂ કરવાની તક આપી. નોંધનીય છે કે, ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવે 5 ફેબ્રુઆરીએ દિલ્હીની તિહાડ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. શા માટે જેલમાં બંધ હતો રાજપાલ યાદવ? વર્ષ 2010માં રાજપાલ યાદવે ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે પ્રાઇવેટ કંપની મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ ફિલ્મ ફ્લોપ રહી અને રાજપાલ યાદવને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો. રાજપાલ સમયસર લોનની રકમ ચૂકવી શક્યો નહીં. લોન લેતી વખતે રાજપાલે કંપનીને જે ચેક આપ્યા હતા, તે બાઉન્સ થઈ ગયા, જેના પછી એક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી. બંને પક્ષો વચ્ચે સમાધાન છતાં સંપૂર્ણ ચુકવણી થઈ ન હતી અને સમય જતાં વ્યાજ ઉમેરાતું ગયું, જેના કારણે કુલ દેવું ઘણું વધી ગયું. વર્ષ 2018માં દિલ્હીની કડકડડૂમા કોર્ટે રાજપાલ યાદવને દોષિત ઠેરવ્યો અને તેને છ મહિનાની જેલની સજા સંભળાવી. આ પછી તેણે ઉચ્ચ અદાલતમાં અપીલ કરી, જ્યાં તેને ઘણી વખત રાહત મળી, કારણ કે તેણે ચુકવણી અને સમાધાનનું આશ્વાસન આપ્યું હતું. જોકે, ફેબ્રુઆરીની શરૂઆતમાં દિલ્હી હાઈકોર્ટે એક્ટરને અગાઉ આપવામાં આવેલી છૂટછાટો અને સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે તેને 4 ફેબ્રુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો, જેના પછી તેણે 5 ફેબ્રુઆરીના રોજ સાંજે લગભગ 4 વાગ્યે આત્મસમર્પણ કર્યું.