જેન-Zએ બદલ્યો ખરીદીનો ટ્રેન્ડ:કંપનીઓને પ્રોડક્ટ સાથે કોઈ કહાની, લાઇફસ્ટાઇલ રજૂ કરવી પડી રહી છે

Last Updated: March 20, 2026By

દેશનું કન્ઝ્યુમર માર્કેટ બદલાઈ રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ જેન-Z (1997-2012 વચ્ચે જન્મેલા) ગ્રાહકોની બદલાતી શોપિંગ આદતો છે. આ પેઢી ખરીદીને માત્ર જરૂરિયાત તરીકે નહીં, પરંતુ પોતાની ઓળખ અને પર્સનાલિટી સાથે જોડીને જોઈ રહી છે. આરપી-સંજીવ ગોયન્કા સમૂહના વાઇસ ચેરમેન શાશ્વત ગોયન્કાનું કહેવું છે કે કંપનીઓ પહેલાના કન્ઝ્યુમરના હિસાબે રણનીતિ બનાવી રહી છે, જ્યારે વાસ્તવિક બજાર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ગોયન્કાના મતે, પહેલા જ્યાં લોકો ઘર, કાર કે સોના જેવી વસ્તુઓ ભેગી કરીને પોતાનો સ્ટેટસ અને સફળતા દર્શાવતા હતા, ત્યાં જેન-Z પોતાને વધુ સારા બનાવવામાં રોકાણ કરી રહી છે. તેમનું ધ્યાન બાહ્ય સંપત્તિને બદલે ‘આંતરિક પોર્ટફોલિયો’ પર છે. તેમાં ફિટનેસ, પર્સનલ કેર અને ટ્રાવેલનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે ફિટનેસ, બ્યુટી, ડાઇનિંગ અને એન્ટરટેઇનમેન્ટ જેવા સેક્ટર્સ ઝડપથી વધી રહ્યા છે. ખાસ વાત એ છે કે જેન-Z ખર્ચ કરવામાં પાછળ નથી હટી રહી અને અત્યાર સુધીની સૌથી આક્રમક ઉપભોક્તા પેઢી તરીકે ઉભરી રહી છે. ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયાએ આ બદલાવને વધુ ઝડપી બનાવ્યો છે. તેનાથી યુવાનો વધુ જાગૃત, પ્રયોગશીલ અને બ્રાન્ડ પ્રત્યે સજાગ બન્યા છે. આ બદલાતી વિચારસરણીની સીધી અસર કંપનીઓની વ્યૂહરચના પર પડી રહી છે. હવે ફક્ત પ્રોડક્ટની ઉપયોગિતા કે કિંમત જ નહીં, પરંતુ તેમાંથી મળતો અનુભવ અને તેની સાથે જોડાયેલી ઓળખ વધુ મહત્ત્વની બની ગઈ છે. ગોયનકા માને છે કે હવે કંપનીઓએ પ્રોડક્ટ સાથે કોઈ કહાની, હેતુ અને લાઈફસ્ટાઈલ રજૂ કરવી પડી રહી છે. જે બ્રાન્ડ્સ આ બદલાવને સમજી રહી છે, તે જ ઝડપથી આગળ વધી રહી છે, જ્યારે પરંપરાગત વિચારસરણી પર ટકેલી બ્રાન્ડ્સ પાછળ રહી રહી છે. ભારતમાં લગભગ 65% લોકો 35 વર્ષથી ઓછી ઉંમરના છે. તેથી આ બદલાવ લાંબા સમય સુધી ચાલનારો છે. આનાથી ખર્ચ વધશે અને બજાર પાસે તક હશે, પરંતુ હવે ગ્રોથ જેન-Zના ટ્રેન્ડ્સ અને તેમના વર્તન મુજબ થશે. 2035 સુધીમાં ભારતીય ઉપભોક્તા બજારમાં દર બીજી ખરીદી જેન-Z કરશે સમય જતાં આ ટ્રેન્ડની અસર વધુ ઊંડી થવાની છે. ગોયનકા કહે છે કે 2035 સુધીમાં જેન-Z દેશના વપરાશમાં લગભગ 185 લાખ કરોડનું યોગદાન આપી શકે છે. એટલે કે દર બીજી ખરીદી આ જ પેઢી કરશે. કંપનીઓ સામે આ પડકાર ઓછો હશે કે તેઓ શું વેચી રહી છે, પરંતુ તે હશે કે તેઓ ગ્રાહકને શું બનવામાં મદદ કરી રહી છે.