ટીવી સ્ટાર તારાએ બોલિવૂડમાં ચમકવા ઘણા પાપડ વણ્યા:કરણ જોહરની ફિલ્મથી ડેબ્યૂ પછી પણ અનેક ફિલ્મમાંથી રિપ્લેસ થઈ, 'અપૂર્વા'એ ઓળખ અપાવી
બોલિવૂડમાં ઓળખ બનાવવાનું સપનું લઈને આવનાર દરેક કલાકારની સફર એકસરખી હોતી નથી. કેટલાકને ફિલ્મી પરિવારનો સહારો મળે છે, તો કેટલાક પોતાની પ્રતિભા અને મહેનતના બળે ઈન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવવાનો પ્રયાસ કરે છે. એક્ટ્રેસ તારા સુતારિયાની સફર પણ આવી જ છે. એક્ટિંગની સાથે સંગીત અને સિંગિંગમાં રસ ધરાવતી તારાએ ટેલિવિઝનથી શરૂઆત કરી અને 2019માં કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી મોટા પડદા પર પગ મૂક્યો. તારાની ફિલ્મી સફર અનેક અનુભવોમાંથી પસાર થઈ ચૂકી છે. તેણે રોમેન્ટિક અને ઍક્શન ફિલ્મોમાં કામ કર્યું અને ‘અપૂર્વા’ જેવી સર્વાઇવલ થ્રિલરમાં મુખ્ય ભૂમિકા ભજવી. આ દરમિયાન તેને ફિલ્મોમાંથી રિપ્લેસ કરવામાં આવી અને ઈન્ડસ્ટ્રીમાં આઉટસાઇડર હોવાના પડકારોનો સામનો કરવો પડ્યો. આજની સક્સેસ સ્ટોરીમાં તારા સુતારિયાના જીવન અને કારકિર્દી સાથે જોડાયેલી ખાસ વાતો… બાળપણથી જ સંગીત અને મંચ સાથે જોડાણ તારા સુતારિયાનો જન્મ 19 નવેમ્બર 1995ના રોજ મુંબઈમાં થયો હતો. તેને બાળપણથી જ સંગીત અને પરફોર્મિંગ આર્ટ્સમાં રસ હતો. તેણે નાની ઉંમરે જ સિંગિંગની તાલીમ શરૂ કરી દીધી હતી. સંગીત ઉપરાંત તેને ડાન્સ અને પરફોર્મ કરવાનો પણ અનુભવ રહ્યો છે. તે લગભગ 15 વર્ષની ઉંમરથી મંચ પર પરફોર્મ કરી રહી છે. તારા હંમેશાં સિંગર અને પરફોર્મર બનવા માગતી હતી. બોલિવૂડમાં એક્ટિંગની તક મળ્યા બાદ પણ સંગીત તેના માટે મહત્વપૂર્ણ રહ્યું. તારાએ મ્યુઝિકલ થિયેટરમાં પણ કામ કર્યું છે. તે રેલ પદમસીના પ્રોડક્શન ‘ગ્રીસ’ અને અશ્વિન ગિડવાનીના ‘બ્લેમ ઇટ ઑન યશરાજ’ જેવા મ્યુઝિકલ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી રહી છે. આ અનુભવથી તેને મંચ પર આત્મવિશ્વાસ અને દર્શકો સામે રજૂઆત કરવાની તક મળી. ડિઝની ચેનલથી શરૂ થઈ હતી એક્ટિંગની સફર ફિલ્મોમાં આવતાં પહેલાં તારા સુતારિયા ટેલિવિઝન પર કામ કરી ચૂકી હતી. તેણે ડિઝની ચેનલના શો ‘ધ સૂટ લાઇફ ઑફ કરણ એન્ડ કબીર’ અને ‘ઓએ જસ્સી’માં અભિનય કર્યો હતો. આ ઉપરાંત તેણે ‘બિગ બડા બૂમ’થી સિંગર અને પરફોર્મર તરીકે ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ‘એન્ટરટેઇનમેન્ટ કે લિયે કુછ ભી કરેગા’ અને ‘બેસ્ટ ઑફ લક નિક્કી’ જેવા ટીવી શોમાં પણ જોવા મળી હતી. ટેલિવિઝન પર કામ કરવાથી તેને કેમેરા સામે અભિનય કરવાનો અને દર્શકો સાથે જોડાવાનો અનુભવ મળ્યો. આ તેની કારકિર્દીનો પ્રારંભિક તબક્કો હતો, જેણે તેને ફિલ્મોની દુનિયામાં પગ મૂકવા માટે તૈયાર કરી. તારામાં સિંગિંગનું એક વધારાનું કૌશલ્ય પણ હતું. તેણે PTIને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે ફિલ્મોમાં ગાવા માંગે છે અને ભવિષ્યમાં બોલિવૂડની ફિલ્મો માટે પણ ગાવા માંગે છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવૂડ ડેબ્યૂ વર્ષ 2019 તારા સુતારિયાની કારકિર્દી માટે મહત્વપૂર્ણ રહ્યું. આ જ વર્ષે તેણે પુનીત મલ્હોત્રાના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં હતાં. તારાએ ફિલ્મમાં મિયા ચાવલાનું પાત્ર ભજવ્યું. આ કૉલેજ લાઇફ, મિત્રતા, પ્રેમ અને સ્પર્ધા પર આધારિત વાર્તા હતી. ફિલ્મને સમીક્ષકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો, પરંતુ તારા માટે આ મોટા પડદા પર શરૂઆત કરવાની તક હતી. તારાએ પોતાની ડેબ્યૂ ફિલ્મના પ્રદર્શન વિશે કહ્યું હતું કે, ફિલ્મને લઈને લોકોના અભિપ્રાયો અલગ હોઈ શકે છે, પરંતુ તેના અનુસાર ફિલ્મે કમાણી કરી હતી અને તે તેને નિષ્ફળ માનતી નહોતી. તારાએ જણાવ્યું હતું કે, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ના શૂટિંગ દરમિયાન તેને બીજી ફિલ્મોની ઑફર મળવા લાગી હતી. તેમાં ‘કબીર સિંહ’ અને ‘મરજાવાં’ જેવી ફિલ્મો સામેલ હતી. તેનું ડેબ્યૂ એવા સમયે થયું હતું, જ્યારે તે એક્ટિંગ સાથે સિંગિંગ અને સ્ટેજ અનુભવને પણ આગળ વધારવા માગતી હતી. ‘મરજાવાં’માં ભજવ્યો અલગ પ્રકારનો કિરદાર ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ પછી તારા સુતારિયાની બીજી ફિલ્મ ‘મરજાવાં’ હતી, જે 2019માં રિલીઝ થઈ હતી. મિલાપ જાવેરીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, રિતેશ દેશમુખ અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકાઓમાં હતાં. તારાએ ફિલ્મમાં ઝોયાનું પાત્ર ભજવ્યું હતું. તેનું પાત્ર બોલી કે સાંભળી શકતું નહોતું. તેને સંવાદોને બદલે હાવભાવ અને સાંકેતિક ભાષા દ્વારા અભિનય કરવો પડ્યો હતો. તારા કહે છે કે, તેણે આ ભૂમિકા માટે સાંકેતિક ભાષા શીખવા પર કામ કર્યું. તે ઇચ્છતી હતી કે તેના અભિનયમાં એવી કોઈ ભૂલ ન થાય, જેનાથી સંબંધિત સમુદાયને ખરાબ લાગે. ‘મરજાવાં’ તેના માટે મહત્વપૂર્ણ હતી, કારણ કે તેમાં તેણે પોતાની ડેબ્યૂ ફિલ્મના કોલેજ રોમાન્સથી અલગ ભૂમિકા ભજવી. ફિલ્મમાં એક્શન, રોમાન્સ અને ભાવનાત્મક સંઘર્ષનું મિશ્રણ હતું. તારાએ આ ફિલ્મ દ્વારા બતાવવાનો પ્રયાસ કર્યો કે તે અલગ પ્રકારના પાત્રો ભજવવા માટે પણ તૈયાર છે. ફિલ્મોમાંથી રિપ્લેસ થવાનો અનુભવ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ મેળવવાની સાથે કોઈ પ્રોજેક્ટનો હિસ્સો બનીને રહેવું પણ કલાકારો માટે પડકારજનક હોઈ શકે છે. તારા સુતારિયાએ પોતાની કારકિર્દી દરમિયાન આવા અનુભવોનો સામનો કર્યો છે. ઝૂમ ટીવી એન્ટરટેઇનમેન્ટના ઇન્ટરવ્યૂમાં તારાએ ફિલ્મોમાંથી રિપ્લેસ કરવામાં આવી હોવાના અનુભવો વિશે વાત કરી છે. તેણે જણાવ્યું કે કેટલાક પ્રસંગોએ તેને ફિલ્મોમાંથી બહાર કરવામાં આવ્યાની જાણ થઈ, જ્યારે તે તે પ્રોજેક્ટ્સનો હિસ્સો બનવાની આશા રાખી રહી હતી. કોઈ ફિલ્મ સાથે જોડાયેલા હોવાની આશા રાખ્યા પછી અચાનક કોઈ બીજા કલાકારને પોતાની જગ્યાએ જોવું ભાવનાત્મક રીતે મુશ્કેલ બની શકે છે. તારા માટે પણ કારકિર્દીની શરૂઆતનો આ એવો અનુભવ રહ્યો, જેણે તેને ઇન્ડસ્ટ્રીની કામ કરવાની રીત સમજવાની તક આપી. ‘તડપ’માં રોમેન્ટિક ડ્રામાનો અનુભવ વર્ષ 2021માં તારા સુતારિયા ફિલ્મ ‘તડપ’માં જોવા મળી હતી. મિલન લુથરિયાના ડિરેક્શનમાં બનેલી આ તેલુગુ ફિલ્મ ‘RX 100’ની હિન્દી રીમેક હતી. તેમાં તારાની સાથે અહાન શેટ્ટીએ અભિનય કર્યો હતો. તારાએ ફિલ્મમાં રમિસા નૌટિયાલનું પાત્ર ભજવ્યું હતું. અહાન શેટ્ટી માટે આ બોલિવૂડ ડેબ્યૂ હતું. વાર્તા પ્રેમ, સંબંધો અને ભાવનાત્મક ઉતાર-ચઢાવ પર આધારિત હતી. ફિલ્મના શૂટિંગ અને પ્રમોશન દરમિયાન તારાએ અહાન શેટ્ટી સાથે કામ કરવાના અનુભવ વિશે પણ વાત કરી હતી. આ ફિલ્મ તારાની કારકિર્દીમાં વધુ એક રોમેન્ટિક ભૂમિકા લઈને આવી. તેના માટે આ એવો પ્રોજેક્ટ હતો, જેમાં નવા કલાકાર સાથે કામ કરવાનો અને અલગ પ્રકારની વાર્તા પડદા પર રજૂ કરવાનો અનુભવ મળ્યો. ‘હીરોપંતી 2’માં એક્શન અને મોટા બજેટની ફિલ્મ વર્ષ 2022માં તારા સુતારિયા ‘હીરોપંતી 2’માં જોવા મળી હતી. અહમદ ખાનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને નવાઝુદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકામાં હતા. તારાએ ફિલ્મમાં ઇનાયા સરનનું પાત્ર ભજવ્યું હતું. આ એક્શન અને રોમાન્સની વાર્તા હતી, જેમાં મોટા સ્તરના એક્શન સિક્વન્સ અને મનોરંજનનું મિશ્રણ હતું. ‘હીરોપંતી 2’ તારા માટે એક અલગ અનુભવ હતો. આ પહેલાં તે કૉલેજ રોમાન્સ, ભાવનાત્મક ડ્રામા અને રોમેન્ટિક ભૂમિકાઓમાં જોવા મળી ચૂકી હતી. આ ફિલ્મમાં તેને મોટા એક્શન પ્રોજેક્ટનો ભાગ બનવાની તક મળી. જોકે, ફિલ્મને બૉક્સ ઑફિસ પર અપેક્ષિત સફળતા મળી નહોતી. તેમ છતાં, તે તેની ફિલ્મી સફરનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ રહ્યો. ‘એક વિલન રિટર્ન્સ’માં થ્રિલરનો ભાગ બની આ જ વર્ષે તારા સુતારિયા ‘એક વિલન રિટર્ન્સ’માં પણ જોવા મળી હતી. મોહિત સૂરીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અર્જુન કપૂર, જૉન અબ્રાહમ અને દિશા પટાની મુખ્ય ભૂમિકામાં હતાં. તારાએ ફિલ્મમાં આરવી મલ્હોત્રાનું પાત્ર ભજવ્યું હતું. આ 2014માં આવેલી ‘એક વિલન’ સાથે જોડાયેલી ફ્રેન્ચાઇઝીનો ભાગ હતી, પરંતુ તેની વાર્તા અલગ હતી. ફિલ્મમાં રોમાન્સ, થ્રિલર અને ઇમોશનલ ડ્રામાનું મિશ્રણ હતું. તારાના પાત્રને વાર્તાના રોમાન્ટિક પક્ષ સાથે જોડવામાં આવ્યું હતું. ‘એક વિલન રિટર્ન્સ’ દ્વારા તારાએ વધુ એક ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાં કામ કર્યું. આ તેની કારકિર્દીનો એવો સમય હતો, જ્યારે ત અલગ-અલગ પ્રકારની વ્યાવસાયિક ફિલ્મોમાં સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. ‘અપૂર્વા’માં મુખ્ય ભૂમિકા અને સર્વાઇવલ થ્રિલર વર્ષ 2023માં તારા સુતારિયા ફિલ્મ ‘અપૂર્વા’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. નિખિલ નાગેશ ભટ્ટના ડિરેક્શનમાં બનેલી આ એક સર્વાઇવલ થ્રિલર હતી. ફિલ્મની વાર્તા એક યુવતીની આસપાસ ફરે છે, જે ખતરનાક પરિસ્થિતિઓમાં ફસાઈ જાય છે અને પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરે છે. તારાએ અપૂર્વા કશ્યપનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ તેની કારકિર્દી માટે મહત્વપૂર્ણ હતી, કારણ કે તેમાં તે વાર્તાના કેન્દ્રમાં હતી. તેના અગાઉના અનેક પ્રોજેક્ટ્સમાં રોમાન્સ અને ગ્લેમરનું પ્રાધાન્ય રહ્યું હતું, જ્યારે ‘અપૂર્વા’માં તેને તણાવપૂર્ણ અને પડકારજનક પરિસ્થિતિઓમાં અભિનય કરવાની તક મળી. આ ફિલ્મે તેની કારકિર્દીમાં એક અલગ જૉનર ઉમેર્યો અને દર્શાવ્યું કે તે માત્ર રોમાન્ટિક ફિલ્મો સુધી મર્યાદિત રહેવા માગતી નથી. આઉટસાઇડર હોવા પર તારાએ શું કહ્યું? તારા સુતારિયાએ બોમ્બે ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં બોલિવૂડમાં પોતાની આઠ વર્ષની સફર વિશે વાત કરી હતી. આ ઇન્ટરવ્યૂમાં તારાએ કહ્યું હતું કે, જ્યારે તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી હતી, ત્યારે તે બહુ ઓછા લોકોને ઓળખતી હતી. ફિલ્મી દુનિયા કેવી રીતે કામ કરે છે તે સમજવામાં તેને ઘણાં વર્ષો લાગ્યાં. તેણે જણાવ્યું હતું કે, ફિલ્મી પરિવારથી ન આવતા કલાકારો માટે ઇન્ડસ્ટ્રીને સમજવી એક અલગ જ અનુભૂતિ હોય છે. ફિલ્મી પરિવારો સાથે જોડાયેલા લોકોને ઘણી વખત ફિલ્મો કેવી રીતે બને છે, પ્રોજેક્ટ્સ ક્યારે શરૂ થવાના છે અને ઇન્ડસ્ટ્રીમાં કામની તકો વિશેની માહિતી પહેલેથી જ મળી જાય છે. તારાના મતે, બહારથી આવતા કલાકારો માટે આવી માહિતી સરળતાથી ઉપલબ્ધ હોતી નથી. તેણે પોતાના અનુભવને મુશ્કેલ અને ઘણી વાર એકલતાભર્યો ગણાવ્યો. જોકે, તેણે કહ્યું કે તેના માતા-પિતા અને મિત્રોના સહયોગનું તેના માટે ખૂબ મહત્વ રહ્યું છે. તે પોતાના પરિવાર સાથે કામ અને અંગત જીવનને લગતી મુશ્કેલીઓ વિશે વાત કરી શકે છે. તારાએ આ વાતચીતમાં જણાવ્યું કે, સમય જતાં તેણે પોતાની પસંદ અને નાપસંદને સમજ્યાં. હવે તે જાણે છે કે કયા લોકો સાથે કામ કરવા માંગે છે અને કેવા પ્રકારના પ્રોજેક્ટ્સ તેના માટે યોગ્ય છે. બોલિવૂડમાં સંકોચી લોકો માટે મુશ્કેલી તારા સુતારિયાએ કારકિર્દીના શરૂઆતના તબક્કામાં પણ બોલિવુડમાં કામ કરવાની રીત વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, બોલિવુડમાં લોકો સક્રિય હોય છે અને પોતાના કામને લઈને આગળ વધનારા હોય છે. આવા માહોલમાં સંકોચાળુ વ્યક્તિ માટે પોતાની વાત રજૂ કરવી અને નવા લોકો સાથે જોડાવું પડકારજનક બની શકે છે. તારાએ એમ પણ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં વધુ સારી રીતે આગળ વધવા માટે તેણે પોતાના વ્યક્તિત્વ પર કામ કરવું પડશે. તેણે જણાવ્યું કે સમય જતાં તેણે ઇન્ડસ્ટ્રીને સમજી અને પોતાના માટે એક અલગ સ્થાન બનાવ્યું. હવે સંખ્યા કરતાં ગુણવત્તા પર વધુ ધ્યાન તારાએ જણાવ્યું કે હવે તે કામની સંખ્યા કરતાં તેની ગુણવત્તા પર વધુ ધ્યાન આપવા માંગે છે. તેણે કહ્યું કે, અગાઉ તે એક વર્ષમાં લગભગ ત્રણ ફિલ્મોનું શૂટિંગ કરતી હતી, પરંતુ હવે તેણે કારકિર્દીને લઈને પોતાની વિચારસરણી બદલી છે. તે એવું કામ કરવા માંગે છે, જેમાં તેને સર્જનાત્મક સંતોષ મળે. તારાએ પોતાની સિંગિંગ અને સંગીત પ્રત્યેની રુચિ વિશે પણ વાત કરી. એક્ટિંગની સાથે સંગીત તેના માટે હંમેશાં મહત્વપૂર્ણ રહ્યું છે. હવે તે આ કૌશલ્ય પર પણ ધ્યાન આપવા માંગે છે. તેની કારકિર્દીમાં આ બદલાવ મહત્વપૂર્ણ છે. શરૂઆતના તબક્કામાં જ્યાં તે સતત ફિલ્મોનો ભાગ બની રહી હતી, ત્યાં હવે તે કામને લઈને વધુ પસંદગીયુક્ત બનવાની વાત કહે છે. આ બદલાવ કોઈપણ કલાકાર માટે મહત્વપૂર્ણ હોય છે. જ્યારે કોઈ કલાકાર પોતાના અનુભવોમાંથી શીખે છે, ત્યારે તે ધીમે-ધીમે નક્કી કરવા લાગે છે કે તેના માટે કયા પ્રકારનું કામ યોગ્ય છે. ‘ટૉક્સિક’ અને સાઉથ સિનેમામાં પ્રવેશ તારા સુતારિયાની ફિલ્મોગ્રાફીમાં ‘ટૉક્સિક: અ ફેરી ટેલ ફૉર ગ્રોન-અપ્સ’ પણ સામેલ છે. આ ફિલ્મમાં યશ, નયનતારા, કિયારા અડવાણી અને અન્ય કલાકારો સાથે તારા જોવા મળી હતી. ફિલ્મનું ડિરેક્શન ગીતુ મોહનદાસે કર્યું છે. ટ્રેલર લૉન્ચ દરમિયાન તારાએ તેને પોતાના માટે સપનું સાકાર થવા જેવું ગણાવ્યું હતું.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


