ટ્રમ્પનો રાઇફલ સાથેનો ફોટો, ઈરાનને ધમકી:કહ્યું- જલ્દી સમજદાર બનો, હવે વધુ નરમી નહીં દાખવીએ; અમેરિકા વિરુદ્ધ UN પહોંચ્યું ઈરાન

Last Updated: April 29, 2026By

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાઇફલ સાથેનો ફોટો શેર કરીને ઈરાનને કડક ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે, જલ્દી સમજદાર બનો, હવે વધુ સમય નરમી રાખવામાં આવશે નહીં. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રાઇફલ સાથે એક ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટો પર લખ્યું હતું, ‘નો મોર મિસ્ટર નાઈસ ગાય’ એટલે કે હવે વધુ સમય નરમાશ રાખવામાં આવશે નહીં. તેમણે પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલી વાતચીતની ધીમી ગતિ પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે ઈરાન પોતાને સંભાળી શકતું નથી. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો જલ્દી કોઈ સમજૂતી નહીં થાય, તો અમેરિકા વધુ કડક વલણ અપનાવી શકે છે. આ દરમિયાન ઈરાને અમેરિકા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ફરિયાદ કરી છે. ‘તેહરાન ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, ઈરાને પત્રમાં અમેરિકા પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકાએ તેના જહાજો જપ્ત કરીને ‘સમુદ્રી ચાંચિયાગીરી’ (પાયરસી) કરી છે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. UAE એ ઓપેક છોડ્યું: સંયુક્ત આરબ અમીરાત (UAE) એ 1 મેથી તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકમાંથી 59 વર્ષ પછી બહાર નીકળવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. ઓપેક વિશ્વના મોટા તેલ ઉત્પાદક દેશોનું જૂથ છે. 2. ટ્રમ્પે ઓફર ઠુકરાવી: ઈરાને અમેરિકાને હોર્મુઝ ખોલવા અને જહાજોની અવરજવર શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ પછી પરમાણુ મુદ્દે વાત થવાની હતી, પરંતુ ટ્રમ્પે આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો. 3. ત્રીજી વાર પાકિસ્તાન પહોંચ્યા ઈરાની વિદેશ મંત્રી: ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી મંગળવારે સવારે રશિયાની પોતાની યાત્રા પૂરી કર્યા પછી ઈસ્લામાબાદ પહોંચ્યા. છેલ્લા 48 કલાકમાં આ તેમની ત્રીજી પાકિસ્તાન મુલાકાત છે. 4. 10 લાખ નોકરીઓ ખતમ: ઈરાન સરકારે જણાવ્યું કે યુદ્ધના કારણે દેશમાં સીધા જ ઓછામાં ઓછી 10 લાખ નોકરીઓ ખતમ થઈ ગઈ છે. ભવિષ્યમાં 1 કરોડથી વધુ નોકરીઓનો ખતરો છે. 5. તેલના ભાવ વધ્યા: મંગળવારે પણ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત સાતમા દિવસે વધારો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમત 110 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ હતી. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…