ટ્રમ્પે બરાક ઓબામા અને તેમની પત્નીને વાનર કહ્યા:2020ની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો; પૂર્વ NSA બોલ્યા- ટ્રમ્પ અમેરિકી ઇતિહાસનો કાળો ડાઘ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગુરુવારે ટ્રુથ સોશિયલ પર શેર કરાયેલા એક વીડિયોને કારણે સખત ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ વીડિયોમાં તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામાને વાનરના રૂપમાં દર્શાવ્યા છે. લગભગ એક મિનિટના વીડિયોમાં તેમણે દાવો કર્યો કે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બેલેટ ગણનારી કંપની ડોમિનિયન વોટિંગ સિસ્ટમ્સે ટ્રમ્પ વિરુદ્ધ ગડબડ કરી હતી. વીડિયોના અંતમાં થોડી સેકન્ડ માટે ઓબામા દંપતીના ચહેરા વાનરોના શરીર પર દર્શાવવામાં આવે છે. તે જ દરમિયાન બેકગ્રાઉન્ડમાં ‘ધ લાયન સ્લીપ્સ ટુનાઈટ’ ગીત વાગે છે. જોકે વિવાદ વધતા તેમણે આ વીડિયોને ડિલીટ કરી દીધો. બરાક ઓબામાના નજીકના અને પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બેન રોડ્સે આ અંગે ટ્રમ્પના ઇતિહાસનો કાળો ડાઘ ગણાવ્યો. તેમણે કહ્યું કે આવનારા સમયમાં અમેરિકી લોકો ઓબામા દંપતીને સન્માનિત વ્યક્તિઓ તરીકે યાદ કરશે, જ્યારે ટ્રમ્પને ઇતિહાસના એક કાળા અધ્યાયની જેમ વાંચવામાં આવશે. કેલિફોર્નિયા બોલ્યું – ટ્રમ્પનું વર્તન ઘૃણાસ્પદ આ પોસ્ટ પર કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે પણ સખત વિરોધ નોંધાવ્યો. તેમણે ટ્રમ્પના આ વર્તનને અત્યંત ઘૃણાસ્પદ ગણાવ્યું. ન્યૂસમે X પર લખ્યું કે રાષ્ટ્રપતિનું આવું વર્તન શરમજનક છે અને દરેક રિપબ્લિકને તેની નિંદા કરવી જોઈએ. આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે આ પ્રકારનો વીડિયો પોસ્ટ કર્યો હોય. ગયા વર્ષે તેમણે એક AI વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં બરાક ઓબામાને ઓવલ ઓફિસમાં ધરપકડ થતા અને જેલમાં બતાવવામાં આવ્યા હતા. બાદમાં તેમણે વધુ એક AI વીડિયો પોસ્ટ કર્યો, જેમાં અશ્વેત નેતા હકીમ જેફ્રીઝને નકલી મૂછો અને સોમ્બ્રેરો પહેરેલા બતાવવામાં આવ્યા હતા. બરાક ઓબામા અમેરિકાના ઇતિહાસના એકમાત્ર અશ્વેત રાષ્ટ્રપતિ છે. તેમણે 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પના વિરોધી કમલા હેરિસને સમર્થન આપ્યું હતું. ટ્રમ્પ ઘણી વખત 2020ની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવી ચૂક્યા છે અમેરિકાની 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી પછી ડોનાલ્ડ ટ્રમ્પે પરિણામો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને સતત આરોપ લગાવ્યા હતા કે ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિ થઈ છે. ટ્રમ્પનું કહેવું હતું કે તેઓ ચૂંટણી જીતી ચૂક્યા હતા, પરંતુ તેમની પાસેથી જીત છીનવી લેવામાં આવી હતી. નવેમ્બર 2020માં જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા, ત્યારે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેનને વિજેતા જાહેર કરવામાં આવ્યા. આ પછી ટ્રમ્પ અને તેમની ટીમે દાવો કર્યો કે ઘણા રાજ્યોમાં વોટિંગ અને વોટોની ગણતરીમાં ગડબડી થઈ છે ટ્રમ્પે આરોપ લગાવ્યો કે મેલ-ઇન બેલેટ્સ એટલે કે ટપાલ દ્વારા નાખવામાં આવેલા મતોમાં ગેરરીતિ થઈ. તેમણે એમ પણ કહ્યું કે વોટિંગ મશીન બનાવતી કંપની ડોમિનિયન વોટિંગ સિસ્ટમ્સએ મતોની ગણતરીમાં છેડછાડ કરી. જોકે, આ આરોપોના સમર્થનમાં ટ્રમ્પ કે તેમની ટીમ કોઈ નક્કર પુરાવા રજૂ કરી શકી નહીં. ટ્રમ્પના આ આરોપોની અસર તેમના સમર્થકો પર પણ પડી. 6 જાન્યુઆરી 2021ના રોજ ટ્રમ્પ સમર્થકોની ભીડે અમેરિકી સંસદ ભવન કેપિટલ પર હુમલો કરી દીધો. તે સમયે સંસદમાં જો બાઈડનની જીતને ઔપચારિક રીતે મંજૂરી આપવામાં આવી રહી હતી. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા અને બાદમાં સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી. અમેરિકી ચૂંટણી અધિકારીઓ, અદાલતો અને તપાસ એજન્સીઓએ વારંવાર કહ્યું કે 2020ની ચૂંટણી સુરક્ષિત અને નિષ્પક્ષ હતી અને કોઈ મોટા પાયાની ગેરરીતિના પુરાવા મળ્યા નથી. આમ છતાં ટ્રમ્પ આજે પણ પોતાના સમર્થકો વચ્ચે આ દાવો કરતા રહ્યા છે કે તેઓ અસલી વિજેતા હતા. ઓબામા અને ટ્રમ્પ વચ્ચે 2011થી તકરાર ચાલુ બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની પરસ્પર તકરાર 2011થી શરૂ થઈ હતી. ટ્રમ્પ સતત એ સવાલ ઉઠાવતા રહ્યા કે ઓબામા અમેરિકામાં જન્મ્યા પણ હતા કે નહીં અને શું તેઓ અમેરિકી નાગરિક હોવાને લાયક છે. આખરે ઓબામાને પોતાનું બર્થ સર્ટિફિકેટ સાર્વજનિક કરવું પડ્યું. આ દરમિયાન ઓબામાએ ટ્રમ્પનું નામ લીધા વિના કહ્યું કે કેટલાક લોકો તમાશો કરીને દેશના મહત્વના મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવી રહ્યા છે. તેના ત્રણ દિવસ પછી વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનરમાં ઓબામાએ ટ્રમ્પ પર ખુલ્લેઆમ મજાક ઉડાવી. તે સમયે ટ્રમ્પ પણ કાર્યક્રમમાં હાજર હતા. તેમણે ટ્રમ્પ પર કટાક્ષ કરતા કહ્યું કે હવે તેઓ સાચા મુદ્દાઓ પર ધ્યાન આપી શકે છે, જેમ કે ચંદ્ર પર ઉતરવું નકલી હતું કે નહીં, રોસવેલમાં શું થયું હતું અને બિગી અને ટુપૅક ક્યાં છે. 2011 પછી પણ આ તકરાર અટકી નહીં. 2012માં ટ્રમ્પે એક વીડિયો જાહેર કરીને કહ્યું કે જો ઓબામા પોતાનો પાસપોર્ટ અને કોલેજના દસ્તાવેજો સાર્વજનિક કરી દે, તો તેઓ રાષ્ટ્રપતિની પસંદગીની કોઈ સંસ્થાને 50 લાખ ડોલરનું દાન કરશે. જોકે, ઘણા વર્ષો પછી ટ્રમ્પે સ્વીકારી લીધું કે ઓબામા અમેરિકામાં જ જન્મ્યા હતા. 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ઓબામાએ પોતાની ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટનનું સમર્થન કર્યું અને ટ્રમ્પની સતત ટીકા કરી. 2016માં જ જ્યારે ટ્રમ્પનો 2005નો ‘એક્સેસ હોલીવુડ’ ટેપ સામે આવ્યો, જેમાં તેમણે મહિલાઓ વિશે વાંધાજનક વાતો કરી હતી, ત્યારે ઓબામાએ શિકાગોમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પના ચારિત્ર્ય પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ટ્રમ્પની ભાષા અને નિવેદનબાજી પરેશાન કરનારી છે અને તે બાળકો અને લોકશાહી માટે ખોટો સંદેશ આપે છે. તેમણે ટ્રમ્પની નેતૃત્વ ક્ષમતા પર પણ સવાલો ઉઠાવ્યા. ચૂંટણી પહેલાં જ તેમણે મજાકમાં કહ્યું કે ટ્રમ્પની ટીમે તેમને તેમના ટ્વિટર (X) એકાઉન્ટથી દૂર રાખ્યા છે. જો કોઈ વ્યક્તિ પોતાનું ટ્વિટર સંભાળી ન શકે, તો તે ન્યુક્લિયર કોડ્સ કેવી રીતે સંભાળશે. ટ્રમ્પે ઓબામાને નબળા નેતા ગણાવ્યા હતા ટ્રમ્પે પોતાની 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીની ઝુંબેશ ઓબામા સરકારની નીતિઓ વિરુદ્ધ જ ચલાવી હતી. ટ્રમ્પનો આરોપ છે કે ઓબામાના આઠ વર્ષના શાસનમાં અમેરિકા નબળું પડ્યું છે, નોકરીઓ બહાર જતી રહી અને દેશની હાલત બગડી ગઈ. તેમણે ઓબામાને નબળા નેતા ગણાવીને પોતાને મજબૂત વિકલ્પ તરીકે રજૂ કર્યા હતા. વિદેશ નીતિને લઈને ટ્રમ્પે ઈરાન ન્યુક્લિયર ડીલ (2015)ને ઓબામાની સૌથી મોટી નિષ્ફળતા ગણાવી હતી. ટ્રમ્પે તેને અમેરિકા માટે અત્યાર સુધીનો સૌથી ખરાબ કરાર ગણાવ્યો હતો. રાષ્ટ્રપતિ બન્યા પછી 2018માં ટ્રમ્પે અમેરિકાને આ ડીલમાંથી બહાર કાઢી લીધું અને સીધા જ તેના માટે ઓબામાને જવાબદાર ઠેરવ્યા. મિડલ ઈસ્ટને લઈને પણ ટ્રમ્પ સતત ઓબામા પર આક્રમક રહ્યા છે. તેમણે સીરિયા, ઇરાક અને લિબિયાની નીતિઓને ખોટી ગણાવતા કહ્યું કે ઓબામાના કારણે ત્યાં સ્થિતિ બગડી અને ISIS જેવા આતંકવાદી સંગઠનને વિકસવાનો મોકો મળ્યો. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે ટ્રમ્પે ઘણી વાર કહ્યું કે ઓબામાના કાર્યકાળમાં રશિયા, ચીન અને ઉત્તર કોરિયા અમેરિકાને ગંભીરતાથી લેતા ન હતા. ટ્રમ્પે દાવો કર્યો કે તેમની કડક નીતિની સરખામણીમાં ઓબામાનું વલણ ખૂબ નરમ હતું. તેમણે અનેક પ્રસંગોએ કહ્યું કે અર્થતંત્રની સમસ્યાઓ અને દેશમાં વધેલું રાજકીય વિભાજન ઓબામાના સમયની દેન છે. એટલું જ નહીં, કોવિડ-19 મહામારી દરમિયાન પણ ટ્રમ્પે સ્વાસ્થ્ય માળખાની નબળાઈઓ માટે અગાઉની સરકારો, ખાસ કરીને ઓબામા પ્રશાસન પર નિશાન સાધ્યું હતું. ટ્રમ્પ ઘણી વાર ઓબામાને નોબેલ મળવાનો વિરોધ પણ કરી ચૂક્યા છે. 2009માં જ્યારે ઓબામાને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો, ત્યારે તેમને રાષ્ટ્રપતિ બન્યાને એક વર્ષ પણ પૂરું થયું ન હતું. ટ્રમ્પે ઘણી વાર કહ્યું કે ઓબામાને પુરસ્કાર તેમના વચનો માટે મળ્યો, કામ માટે નહીં.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

