ટ્રિસ્ટન સ્ટબ્સ અને રાયન રિકેલ્ટન વર્લ્ડ કપ ટીમમાં સામેલ:સાઉથ આફ્રિકાએ ઈજાગ્રસ્ત ડોનોવન ફરેરા અને ડી જ્યોર્જીને બદલ્યા

Last Updated: January 22, 2026By

સાઉથ આફ્રિકાએ T20 વર્લ્ડ કપના સ્ક્વોડમાં ટ્રિસ્ટન સ્ટબ્સ અને રાઇન રિકેલ્ટનને સામેલ કર્યા છે. બંનેએ ડોનોવન ફરેરા અને ટોની ડી જ્યોર્જીનું સ્થાન લીધું, જેઓ SA20 લીગમાં રમતી વખતે ઇજાગ્રસ્ત થયા હતા. ICC ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં રમાશે. SA20માં મિલર પણ ઇજાગ્રસ્ત થયો
ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA)એ ગુરુવારે જણાવ્યું કે ઇજાને કારણે બંને ખેલાડીઓને તક મળી. છેલ્લી ઘડીએ ટીમ બદલવાનો કોઈ ઇરાદો નહોતો. SA20માં પાર્લ રોયલ્સ તરફથી રમતા ડેવિડ મિલર પણ ઇજાગ્રસ્ત થયો. તે જોબર્ગ સુપર કિંગ્સ સામે સેન્ચુરિયનમાં એલિમિનેટર પણ રમી શકશે નહીં. પ્રિટોરિયા કેપિટલ્સ તરફથી રમતા લુંગી એન્ગિડી પણ ક્વોલિફાયર-1માં પોતાની ઓવર પૂરી કરી શક્યો નહોતો. રવિવારે પ્રિટોરિયા કેપિટલ્સ તરફથી રમતા ડેવાલ્ડ બ્રેવિસે 38 બોલમાં 75 રન બનાવ્યા, પરંતુ તેને પણ પોતાની આંગળીમાં ઇજા થઈ છે. મિલર, એન્ગિડી અને બ્રેવિસ ત્રણેય સાઉથ આફ્રિકાના વર્લ્ડ કપ સ્ક્વોડનો ભાગ છે. બાર્ટમેનને તક નહીં
CSAએ ઈજાગ્રસ્ત એનગિડીને સ્ક્વોડમાં જ રાખવાનો નિર્ણય કર્યો, આ કારણે SA20ના ટૉપ વિકેટ ટેકર ફાસ્ટ બોલર ઓટનીલ બાર્ટમેનને વર્લ્ડ કપ ટીમમાં તક મળી શકી નહીં. CSAએ કહ્યું કે બ્રેવિસ અને એન્ગિડી જલ્દી જ ફિટ થઈ જશે, પરંતુ મિલરની ઈજા ગંભીર હોઈ શકે છે. વેસ્ટ ઇન્ડીઝ સામે પણ રમશે રિકેલ્ટન
વિકેટકીપર બેટર રાયન રિકેલ્ટન આવતા અઠવાડિયે વેસ્ટ ઇન્ડીઝ સામે 3 T20ની સિરીઝ પણ રમશે. CSAએ કહ્યું કે મિલર વેસ્ટ ઇન્ડીઝ સિરીઝ રમી શકશે નહીં. જો ઈજા ગંભીર રહી તો તેની જગ્યાએ રુબિન હર્મનને સામેલ કરી શકાય છે. જેણે SA20માં સનરાઇઝર્સ માટે 8 ઇનિંગ્સમાં 205 રન બનાવ્યા હતા. ગ્રુપ-Dમાં છે સાઉથ આફ્રિકા
સાઉથ આફ્રિકાને કેનેડા, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને UAE સાથે ગ્રુપ-Dમાં રાખવામાં આવ્યું છે. ટીમ 9 ફેબ્રુઆરીએ અમદાવાદમાં પહેલી મેચ રમશે. તેમને પછી 11મીએ અફઘાનિસ્તાન, 14મીએ ન્યુઝીલેન્ડ અને 18મીએ UAE સામે ટકરાવાનું છે. ટીમ શરૂઆતી 3 મેચ અમદાવાદમાં રમ્યા બાદ ગ્રૂપ સ્ટેજનો છેલ્લી મેચ દિલ્હીમાં રમશે. સાઉથ આફ્રિકાની નવી સ્ક્વોડ
એડન માર્કરમ (કેપ્ટન), કોર્બિન બોશ, ડેવોલ્ડ બ્રેવિસ, ક્વિન્ટન ડી કોક, માર્કો યાન્સેન, જ્યોર્જ લિન્ડે, કેશવ મહારાજ, ક્વેના મફાકા, ડેવિડ મિલર, લુંગી એન્ગિડી, એનરિક નોર્કિયા, કાગીસો રબાડા, રાયન રિકેલ્ટન, જેસન સ્મિથ અને ટ્રિસ્ટન સ્ટબ્સ.