દીકરાની મેચ જોવા રાજકોટના મહેમાન બન્યા વીરુ:નિરંજન શાહ સ્ટેડિયમમાં અન્વય-આર્યવીરની ધમાકેદાર બેટિંગ બાદ ઓસ્ટ્રેલિયા 7 રને હાર્યું, પહેલી જ વન-ડેમાં ભારતની જીત
રાજકોટના જામનગર રોડ પર આવેલા નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ વચ્ચે ત્રણ વન-ડે મેચની શ્રેણીની પ્રથમ મેચ રોમાંચક માહોલમાં રમાઈ હતી. સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેમીઓ માટે સૌથી મોટું આકર્ષણ પૂર્વ દિગ્ગજ ખેલાડીઓની નવી પેઢી રહી હતી. વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર સહેવાગ અને રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડ મેદાન પર સાથે રમતા જોવા મળ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ખુદ વીરેન્દ્ર સહેવાગ પણ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. આખરી ઓવર સુધી ખેંચાયેલા આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતે ઓસ્ટ્રેલિયાને 7 રને હરાવી શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આર્યવીરે બેટીંગમાં પિતાની ઝલક બતાવી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત ઓવરોમાં 6 વિકેટના નુકસાને 182 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. જેમાં યશવર્ધન ચૌહાણે શાનદાર પ્રદર્શન કરતાં 34 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે ઝંઝાવાતી 54 રન ફટકાર્યા હતા. જ્યારે આર્યવીર સહેવાગે પિતાની ઝલક બતાવતાં 26 બોલમાં 5 ચોગ્ગા સાથે 28 રન અને અન્વય દ્રવિડે 18 બોલમાં 2 ચોગ્ગા તથા 3 ગગનચુંબી છગ્ગા સાથે 38 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. છેલ્લી ઓવરમાં મોહિત ઉલ્વાએ બાજી પલટી
183 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે પણ આક્રમક રમત દાખવી હતી. કાંગારુ કેપ્ટન જેક ઝોસ્નેકે માત્ર 27 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 55 રન ફટકારીને મેચ ભારત પાસેથી છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. 11 બોલમાં 24 રનની જરૂર હતી ત્યારે તેમણે સતત ત્રણ ચોગ્ગા ફટકારી 25 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી, પરંતુ તે પછીના જ બોલે તેઓ આઉટ થતાં મેચ રોમાંચક વળાંક પર આવી ગઈ હતી. છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીતવા 11 રનની જરૂર હતી ત્યારે સૌરાષ્ટ્રના યુવા ઝડપી બોલર મોહિત ઉલ્વાએ શાનદાર યોર્કર અને ચોક્કસ લાઇન-લેન્થથી માત્ર 3 રન આપી ભારતને 7 રને શાનદાર વિજય અપાવ્યો હતો. ક્રિકેટ પ્રેમીઓ માટે સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રીની જાહેરાત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આગામી બીજી અને ત્રીજી વનડે મેચ અનુક્રમે 21 અને 23 સપ્ટેમ્બરના રોજ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે 27થી 30 સપ્ટેમ્બર દરમિયાન ચાર દિવસીય યુથ ટેસ્ટ મેચનું આયોજન થશે. સૌરાષ્ટ્રભરના રમતપ્રેમીઓ મેદાન પર આવીને ભાવિ આંતરરાષ્ટ્રીય સિતારાઓની રમત નિહાળી શકે તે માટે આ તમામ મેચોમાં દર્શકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


