દેવ આનંદના દીકરા સુનીલ આનંદનું નિધન:70 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યો; જે હૉસ્પિટલમાં પિતાનું અવસાન થયું હતું ત્યાં જ અંતિમ શ્વાસ લીધા
બોલિવૂડના દિવંગત દિગ્ગજ અભિનેતા દેવ આનંદના દીકરા અને એક્ટર-નિર્દેશક સુનીલ આનંદનું 26 જુલાઈની સવારે લંડનમાં નિધન થયું. તેઓ 70 વર્ષના હતા. પારિવારિક સૂત્રો અનુસાર, હૃદયરોગના હુમલા બાદ તેમણે તે જ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, જ્યાં વર્ષ 2011માં તેમના પિતા દેવ આનંદનું નિધન થયું હતું. તેમની ભત્રીજી જીના નારંગે સત્તાવાર નિવેદન જારી કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે. પરિવારે આ મુશ્કેલ સમયમાં લોકોને તેમની ગોપનીયતા જાળવી રાખવા અપીલ કરી છે. ભત્રીજી જીના નારંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું
સુનીલ આનંદના નિધનની જાણકારી તેમની ભત્રીજી જીના નારંગે પરિવાર તરફથી આપી. જાહેર કરાયેલી નોંધમાં લખવામાં આવ્યું હતું કે, ‘ભારે હૃદયથી અમારો પરિવાર સુનીલ આનંદના નિધનની જાણકારી આપી રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં મળેલા પ્રેમ, પ્રાર્થનાઓ અને સમર્થન માટે અમે સૌના આભારી છીએ. અમે સૌને વિનંતી કરીએ છીએ કે અમારી ગોપનીયતાનું સન્માન કરે, જેથી અમે સાથે મળીને આ મુશ્કેલ સમયમાંથી બહાર આવી શકીએ.’ જોકે, પરિવારે હજુ અંતિમ સંસ્કાર સંબંધિત જાણકારી શેર કરી નથી. 1984માં ફિલ્મ ‘આનંદ ઔર આનંદ’થી કર્યું હતું ડેબ્યૂ
સુનીલ આનંદે વર્ષ 1984માં તેમના પિતા દેવ આનંદના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘આનંદ ઔર આનંદ’થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ‘કાર થીફ’ અને ‘મૈં તેરે લિયે’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું. જોકે, તેમને અભિનેતા તરીકે તેમના પિતા જેવી સફળતા અને ઓળખ મળી શકી નહીં. ત્યારબાદ તેમણે કેમેરા સામે કામ કરવાને બદલે પડદા પાછળ કામ કરવાનો નિર્ણય લીધો. નવકેતન ફિલ્મ્સનો કાર્યભાર સંભાળ્યો
ફિલ્મોમાં એક્ટિંગમાં મનપસંદ સફળતા ન મળ્યા પછી સુનીલ આનંદે પરિવારના પ્રતિષ્ઠિત પ્રોડક્શન બેનર ‘નવકેતન ફિલ્મ્સ’ની જવાબદારી સંભાળી. તેઓ લાંબા સમય સુધી આ પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા રહ્યા અને તેના કામકાજને આગળ વધારતા રહ્યા. તેમણે દેવ આનંદની સિનેમાઈ વિરાસતને જીવંત રાખવા અને તેમના દ્વારા બનાવેલા બેનરને સંભાળવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. પરિવારમાં 94 વર્ષીય માતા કલ્પના કાર્તિક અને બહેન દેવિકા
સુનીલ આનંદ પોતાના પાછળ 94 વર્ષીય માતા અને ભૂતકાળની પ્રખ્યાત એક્ટ્રેસ કલ્પના કાર્તિક અને બહેન દેવિકાને છોડી ગયા છે. તેમના માતા અને બહેન હાલમાં તમિલનાડુના ઊટીમાં રહે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

