'ધુરંધર 2'ના લીધે આદિત્ય ધરનું પ્રોડક્શન હાઉસ બ્લેકલિસ્ટ થયું!:શૂટિંગમાં વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતા BMCની લાલ આંખ, ₹1 લાખનો દંડ ફટકારાશે
બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ની સિક્વલ ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ને લીધે ડિરેક્ટર આદિત્ય ધરની મુશ્કેલી વધી છે. ‘ધુરંધર 2’ની શૂટિંગ દરમિયાન ફિલ્મમેકર્સે વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતા બૃહન્મુંબઈ નગર નિગમ (BMC)એ લાલ આંખ કરી છે. BMCએ સોમવારે ડિરેક્ટર આદિત્ય ધરના પ્રોડક્શન હાઉસ B62 સ્ટુડિયોઝને બ્લેકલિસ્ટ કરી દીધું છે. હવે કંપની મહારાષ્ટ્ર ફિલ્મ, સ્ટેજ એન્ડ કલ્ચરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ પાસેથી પરવાનગી લઈ શકશે નહીં. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’એ તેના રિપોર્ટમાં BMCના અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, BMCના ઝોન 1ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે B62 સ્ટુડિયોઝ અને અન્ય બે અરજદારો કોમલ પોખરિયાલ અને નાસિર ખાનને કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. 1 લાખ રૂપિયા દંડની ભલામણ BMC એ ઇમારતની ટેરેસ પર શૂટિંગ કરવા અને પરવાનગી વિના બે જનરેટર વાનનો ઉપયોગ કરવા બદલ ₹1 લાખ દંડની ભલામણ કરી છે. આ સાથે ₹25,000ની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવાની પણ માંગ કરવામાં આવી છે. નગર નિગમ અનુસાર, પ્રોડક્શન હાઉસે 7 અને 8 ફેબ્રુઆરી વચ્ચે શૂટિંગની પરવાનગી માંગી હતી. 30 જાન્યુઆરીના રોજ એ વોર્ડના મોદી સ્ટ્રીટ અને પેરિન નરિમાન સ્ટ્રીટ પર શૂટિંગની પરવાનગી આપવામાં આવી હતી. શરતોનું સંપૂર્ણ ઉલ્લંઘન કરવામાં આવ્યું: અધિકારી અધિકારીઓનો દાવો છે કે, સેટ પર પોલીસ વિભાગની શરતોનું સંપૂર્ણ ઉલ્લંઘન કરવામાં આવ્યું. પરવાનગીમાં ફટાકડા અને જ્વલનશીલ સામગ્રીના ઉપયોગ પર પ્રતિબંધ હતો. ઉલ્લંઘન પછી ડિપોઝિટ જપ્ત કરીને બ્લેકલિસ્ટ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ કોમલ પોખરિયાલે 13 અને 14 ફેબ્રુઆરી માટે નવી પરવાનગી માંગી, પરંતુ અગાઉના ઉલ્લંઘનનો હવાલો આપતા અરજી રદ કરવામાં આવી. પછી 14 ફેબ્રુઆરીએ રાત્રે 12:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી શૂટિંગ માટે નવી અરજી કરવામાં આવી. અરજદારોએ ખાતરી આપી કે જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ થશે નહીં, જેના પછી શરતો સાથે પરવાનગી આપવામાં આવી. જોકે, BMC અધિકારીઓ અનુસાર 14 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 12:45 વાગ્યે મુંબઈ પોલીસને ફરિયાદ મળી કે શૂટિંગ દરમિયાન સળગતી મશાલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પાંચ સળગતી મશાલો જપ્ત કરી. બીજી ઘટના પછી અરજદારોએ ખાતરી આપી કે આગ સંબંધિત દ્રશ્યો હવે VFX દ્વારા ફિલ્માવવામાં આવશે. એ વોર્ડ કાર્યાલયે કોમલ પોખરિયાલ અને નાશીર ખાન વિરુદ્ધ પણ ભવિષ્યમાં શૂટિંગની પરવાનગી રોકવાની ભલામણ કરી છે. નોંધનીય છે કે, ફિલ્મ ‘ધુરંધર 2’નું ડિરેક્શન આદિત્ય ધર કરી રહ્યા છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રણવીર સિંહ છે. ફિલ્મ 19 માર્ચ 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

