નાની વાતમાં હિંદુ વેપારીનું માથું ફોડી નાખ્યું:બાંગ્લાદેશમાં દુકાન માલિકનો દયાભાવ બન્યો મોતનું કારણ, સગીર કર્મચારીને બચાવતા પાવડાથી 3 લોકો તૂટી પડ્યા
બાંગ્લાદેશના ગાઝીપુર જિલ્લામાં શનિવારે એક હિંદુ વેપારીની માર મારીને હત્યા કરવામાં આવી. તે પોતાની મીઠાઈની દુકાનમાં કામ કરતા એક સગીર કર્મચારીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે આ મામલે ત્રણ લોકોની અટકાયત કરી છે. મૃતકની ઓળખ 55 વર્ષીય લિટન ચંદ્ર ઘોષ ઉર્ફે કાલી તરીકે થઈ છે. તે વૈશાખી સ્વીટમીટ એન્ડ હોટલનો માલિક હતો. આ દુકાન નગરપાલિકા વિસ્તાર નજીક બરનગર રોડ પર આવેલી છે. નાની વાત પર વિવાદ થયો પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે લગભગ 11 વાગ્યે મસૂમ મિયા (28) દુકાનમાં આવ્યો. કોઈ નાની વાતને લઈને તેનો દુકાનમાં કામ કરતા 17 વર્ષના કર્મચારી અનંત દાસ સાથે વિવાદ થયો. જોતજોતામાં બોલાચાલી મારામારીમાં ફેરવાઈ ગઈ. થોડીવાર પછી મસૂમ મિયાના માતા-પિતા, મોહમ્મદ સ્વપન મિયા (55) અને મજીદા ખાતૂન (45) ઘટનાસ્થળે પહોંચ્યા અને ઝઘડામાં સામેલ થઈ ગયા. જ્યારે દુકાન માલિક લિટન ચંદ્ર ઘોષે વચ્ચે પડીને પોતાના કર્મચારીને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે હુમલાખોરોએ તેના પર પણ હુમલો કર્યો. આ દરમિયાન લિટનના માથા પર પાવડા વડે હુમલો કરવામાં આવ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, ઈજા એટલી ગંભીર હતી કે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. લોકોએ આરોપીઓને પકડીને પોલીસને સોંપ્યા ઘટના બાદ સ્થાનિક લોકોમાં ગુસ્સો ફેલાઈ ગયો. લોકોએ ત્રણેય આરોપીઓ સ્વપન મિયા, મજીદા ખાતૂન અને મસૂમ મિયાને પકડી લીધા અને બાદમાં પોલીસને સોંપી દીધા. કાલીગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી (OC) મોહમ્મદ ઝાકિર હુસૈને ઘટનાની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે ત્રણેય આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને હત્યાના કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ ચાલુ છે. શરૂઆતની પ્રક્રિયા પૂરી થયા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બાંગ્લાદેશમાં સત્તાપલટ્યા બાદ લઘુમતીઓ પર હુમલા વધ્યા લગભગ 17 કરોડની વસતીવાળા મુસ્લિમ બહુમતી બાંગ્લાદેશમાં 2024ના સત્તાપલટ્યા બાદથી સ્થિતિ અસ્થિર બની રહી છે. ઇસ્લામિક સંગઠનોની સક્રિયતા વધવાથી લઘુમતીઓ પર હુમલા વધી ગયા છે. બાંગ્લાદેશમાં હિંદુ અને સૂફી મુસ્લિમ સહિત લઘુમતીઓની વસતી 10%થી પણ ઓછી છે. બાંગ્લાદેશ હિંદુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદે દેશભરમાં લઘુમતી સમુદાયો પર વધતા હુમલાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સંગઠનનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં થનારી રાષ્ટ્રીય ચૂંટણી પહેલા સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ વધી છે. ભારત બોલ્યું- લઘુમતીઓ પર વારંવાર થઈ રહેલા હુમલા ચિંતાજનક ભારતે પણ બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓ સાથેના વ્યવહાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગયા અઠવાડિયે ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તે બાંગ્લાદેશની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે – અમે બાંગ્લાદેશમાં લઘુમતીઓ અને તેમની સંપત્તિઓ પર વારંવાર થતા હુમલાઓની ચિંતાજનક પેટર્ન જોઈ રહ્યા છીએ. આવી ઘટનાઓનો સખત અને તાત્કાલિક સામનો કરવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ઘણા કિસ્સાઓમાં આ હુમલાઓને વ્યક્તિગત દુશ્મનાવટ અથવા રાજકીય કારણો ગણાવીને ઓછો અંદાજવામાં આવે છે, જેનાથી કટ્ટરપંથી તત્વોને પ્રોત્સાહન મળે છે અને લઘુમતીઓમાં અસુરક્ષાની ભાવના વધુ ઊંડી બને છે. જોકે, બાંગ્લાદેશના વચગાળાના વડા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ભારતના આરોપોને અતિશયોક્તિપૂર્ણ ગણાવ્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

