'નેટ બોલર'થી 'મેચ વિનર' સુધી:ભારતીય મૂળના જયે આયર્લેન્ડ માટે 5 વિકેટ ઝડપી; ક્યારેક ટીમ ઈન્ડિયાનો નેટ બોલર હતો
રાજસ્થાનના ટોંક જિલ્લાના જય મુન્દ્રાએ આયર્લેન્ડ તરફથી રમતા ભારત સામે રવિવારે પૂરી થયેલી બે મેચની સિરીઝમાં પાંચ વિકેટ ઝડપી. તે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં બીજા નંબરે રહ્યો. 27 વર્ષના જયની લેફ્ટ આર્મ મીડિયમ પેસ બોલિંગમાં ઓસ્ટ્રેલિયન દિગ્ગજ મિચેલ સ્ટાર્કની ઝલક જોવા મળી. તેની ટોંકથી આયર્લેન્ડ સુધીની સફર અને આયર્લેન્ડ ટીમમાં પસંદગી વિશે ભાસ્કરે વિસ્તૃત વાતચીત કરી. પ્રસ્તુત છે આ વાતચીતના અંશ… આયર્લેન્ડમાં શરૂઆત કેવી રીતે થઈ? આ વાર્તા કોરોનાના સમયમાં શરૂ થઈ. તે દરમિયાન ક્રિકેટ લગભગ બંધ હતું. મેં બીટેક પૂરું કરી લીધું હતું. પપ્પા ઇચ્છતા હતા કે હું ભણવા પર ધ્યાન આપું, તેથી તેમણે એમટેક કરવાની સલાહ આપી. મારું એડમિશન આયર્લેન્ડમાં થઈ ગયું અને હું ત્યાં ગયો. પહેલા વર્ષે મારું સંપૂર્ણ ધ્યાન ભણવા પર હતું. ત્યાં સુધી મેં વિચાર્યું ન હતું કે એક દિવસ હું આયર્લેન્ડની નેશનલ ટીમમાંથી રમીશ. પહેલા તમે લેફ્ટ આર્મ સ્પિનર હતા, પછી ફાસ્ટ બોલર કેવી રીતે બન્યા? બાળપણમાં હું સ્પિન બોલિંગ કરતો હતો. ટોંકમાં મારા પહેલા કોચ ઇમ્તિયાઝ અલી સરે મારી ઊંચાઈ જોઈને કહ્યું કે જો ઝડપી બોલિંગ કરીશ તો વધુ આગળ જઈ શકીશ. મેં તેમની સલાહ માની અને ત્યાંથી જ મારી જિંદગી બદલાઈ ગઈ. પિતાએ ભણવા માટે વિદેશ મોકલ્યો હતો. ક્રિકેટ સુધી કેવી રીતે પહોંચ્યા? લોકો સમજે છે કે પપ્પા ક્રિકેટની વિરુદ્ધ હતા, પણ એવું બિલકુલ નહોતું. તેઓ ઇચ્છતા હતા કે મારું ભવિષ્ય સુરક્ષિત રહે. તેથી તેમણે કહ્યું કે પહેલા ભણતર પૂરું કર. આયર્લેન્ડ પહોંચ્યા પછી હું ડબલિનના લેનસ્ટર ક્રિકેટ ક્લબ સાથે જોડાયો. પછી આઇરિશ સિનિયર કપ રમવાની તક મળી. જ્યારે મેં પહેલી મેચમાં સંજુ સેમસનની વિકેટ લીધી હતી ત્યારે પપ્પા જ યાદ આવ્યા હતા. અફસોસ છે કે પપ્પા આ દુનિયામાં નથી. શું ક્યારેય એવું લાગ્યું કે ભારત તરફથી રમવું જોઈતું હતું? દરેક ક્રિકેટરનું સપનું હોય છે કે તે મોટા સ્તરે રમે. પણ હું આ વિશે વધારે વિચારતો નથી. મને જ્યાં તક મળી છે, ત્યાં હું મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માગુ છું. હાલમાં મારું સંપૂર્ણ ધ્યાન આયર્લેન્ડ માટે સારું પ્રદર્શન કરવા પર છે. છેલ્લી વાર જ્યારે ભારતીય ટીમ આયર્લેન્ડ આવી હતી, ત્યારે તમે નેટ બોલર હતા? હા, તે સમયે મેં ભારતીય ખેલાડીઓને નેટમાં બોલિંગ કરાવી હતી. ત્યાં મારી જસપ્રીત બુમરાહ સાથે પણ વાત થઈ હતી. તેમણે ફક્ત એક વાત કહી હતી, “જેટલી પણ તક મળે, પૂરા ફોકસ સાથે રમવું.” હજુ પણ તે વાત મારા મગજમાં રહે છે. IPL રમવા માગો છો? ચોક્કસ, દરેક ક્રિકેટર IPL રમવા માગે છે. જો ભવિષ્યમાં તક મળી તો ચોક્કસ રમવા માંગીશ. પરંતુ હાલમાં મારી પ્રાથમિકતા આયર્લેન્ડ માટે સતત સારું પ્રદર્શન કરવાની છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

