પંતગબાજીના જોરે 'પોપટલાલ' દુલ્હન લાવશે!:18 વર્ષ પછી શોમાં પત્રકાર પરણશે, ગોકુલધામથી જયપુર જશે જાન; લગ્ન માટે છોકરીની એક શરત

Last Updated: January 15, 2026By

લોકપ્રિય ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ આ દિવસોમાં ગુલાબી નગરી જયપુરમાં ધૂમ મચાવી રહી છે. મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે શોના કલાકારોએ જયપુરમાં પતંગબાજીના ખાસ દ્રશ્યો શૂટ કર્યા છે. હવામહેલની સામે ધાબા પર ઉડતી રંગબેરંગી પતંગો વચ્ચે ગોકુલધામવાસીઓનો અંદાજ જોવા જેવો હતો. પરંતુ આ વખતે પતંગબાજી માત્ર મનોરંજન માટે નથી, પોપટલાલના લગ્નનો સવાલ છે! પતંગ કપાશે તો જ પોપટલાલ પરણશે!
શોના નિર્માતા અસિત કુમાર મોદીએ જયપુરમાં શૂટિંગ દરમિયાન એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે શોમાં પોપટલાલની થનારી દુલ્હન જયપુરની છે અને તેનું નામ ‘બબલી’ છે. જોકે, આ લગ્ન આટલા સરળ નથી! બબલીએ લગ્ન માટે એક વિચિત્ર શરત મૂકી છે – “જે કોઈ તેની પતંગ કાપશે, તેની સાથે જ તે લગ્ન કરશે.” આ શરત બાદ હવે સ્ટોરીમાં જબરદસ્ત રોમાંચ જોવા મળશે. એક તરફ બબલી પોતાની ટીમ સાથે હશે, તો બીજી તરફ પોપટલાલને પરણાવવા માટે આખી ટપ્પુ સેના મેદાને પડી છે. રાજસ્થાની લુકમાં જોવા મળ્યો ‘પોપટલાલ’
શૂટિંગ દરમિયાન પોપટલાલ ઉર્ફે શ્યામ પાઠક એકદમ દેશી રાજસ્થાની લુકમાં જોવા મળ્યો હતો. તેણે રાજસ્થાની શેરવાની અને રંગીન પાઘડી પહેરીને પતંગ ઉડાવી હતી. સેટ પરથી મળતી માહિતી મુજબ, કલાકારોએ જયપુરના પ્રખ્યાત પકવાનની મજા માણી હતી અને પરંપરાગત અંદાજમાં પતંગબાજીનો આનંદ લીધો હતો. શ્યામ પાઠકે (પોપટલાલ) કહ્યું- પોપટલાલ પતંગબાજીમાં એક્સપર્ટ છે, મને પૂરો વિશ્વાસ છે કે હું બબલીની પતંગ ચોક્કસ કાપીશ. આ વખતે પોપટલાલે લગ્ન કરવાનું મક્કમ નિર્ધાર કરી લીધો છે! જયપુરની પતંગબાજી જોઈ દંગ રહી ગયા કલાકારો
શ્યામ પાઠકે જયપુરની પતંગબાજીના વખાણ કરતા કહ્યું કે, અત્યાર સુધી મેં ગુજરાતની પતંગબાજી જોઈ હતી, પણ જયપુરનો ઉત્સાહ નિરાલો છે. આ શૂટિંગમાં શ્યામ પાઠક ઉપરાંત ધર્મિત શાહ (ગોલી), નીતિશ ભાલુની (ટપ્પુ) અને સમય શાહ (ગોગી) સહિતના યુવા કલાકારો પણ જોડાયા હતા. વર્ષો પછી શોમાં પોપટલાલના લગ્નની વાત આવતા ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શોમાં છ કલાકાર ગુજરાતી શોમાં થોડા મહિનાઓ પહેલા એક નવા રાજસ્થાની ફેમિલીની એન્ટ્રી કરવામાં આવી હતી. ચાર સભ્યનો આ પરિવાર મજા પણ ચાર ગણી વધારી રહ્યો છે. શોમાં નવી એન્ટ્રી થયેલી રત્ના સિંહ અને રૂપવતી મૂળ ગુજરાતી છે, રત્ના સિંહનું સાચું નામ કુલદીપ ગોર અને રૂપવતીનું સાચું નામ ધરતી ભટ્ટ છે, એટલે હવે આ શોમાં નિર્માતા સહિત કુલ છ કલાકાર ગુજરાતી થઈ ગયા છે. શોના નિર્માતા (અસિત મોદી), જેઠાલાલ (દિલીપ જોશી), ચમકલાલ (અમિત ભટ્ટ), બાઘા (તન્મય વેકરિયા) અને સુંદરલાલ (મયૂર વાકાણી) મૂળ ગુજરાતી છે. બાકીના બે બાળકલાકાર જે મૂળ મુંબઈના છે, જેમાં છોકરાનું નામ- અક્ષન સેહરાવત અને છોકરીનું નામ- માહી ભદ્ર છે. આ કલાકારો શો છોડી ચૂક્યા છે
‘દયાભાભી’ ઉપરાંત શોના અનેક મહત્વના પાત્રો ભજવતાં કલાકારો આ શોનો સાથ છોડી ચૂક્યા છે. જેમાં, શૈલેષ લોઢા (તારક મહેતા), નેહા મહેતા (અંજલી), ભવ્ય ગાંધી (પહેલો ટપુ), જીલ મહેતા (પહેલી સોનું), ગુરુચરણસિંહ (પહેલો સોઢી), જેનીફર મિસ્ત્રી બન્સીવાલ (મિસિસ સોઢી), નિધી ભાનુશાલી (બીજી સોનું), રાજ અનડકટ (બીજો ટપુ), મોનિકા ભદોરિયા (બાવરી)નો સમાવેશ થાય છે.