પહેલી વનડે- શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડિઝને 41 રનથી હરાવ્યું:મેન્ડિસ અને નિસાંકાની અડધી સદી, ચમીરાએ 4 વિકેટ ઝડપી

Last Updated: June 4, 2026By

શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ વનડેમાં 41 રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી મેચ 7 જૂને રમાશે. કિંગ્સટનના સબીના પાર્ક સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. શ્રીલંકાએ કેપ્ટન કુસલ મેન્ડિસ અને પાથુમ નિસાંકાની ફિફ્ટીની મદદથી 7 વિકેટે 303 રન બનાવ્યા હતા. જવાબમાં 304 રનનો ટાર્ગેટ હાંસલ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝ 262 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. દુષ્મંથા ચમીરાએ 4 વિકેટ લીધી હતી. કેપ્ટન કુસલ મેન્ડિસ પ્લેયર ઓફ ધ મેચ રહ્યા હતા. નિસાંકા-મેન્ડિસ વચ્ચે સદીની ભાગીદારી જોયડન સેલ્સે વેસ્ટ ઈન્ડિઝને પહેલી વિકેટ ઝડપથી અપાવી દીધી. તેણે શ્રીલંકાના ઓપનર કામિન્દુ મેન્ડિસ (12 રન)ને શાઈ હોપના હાથે કેચ કરાવ્યો. આ પછી પથુમ નિસાંકા અને કેપ્ટન કુસલ મેન્ડિસે સદીની ભાગીદારી કરીને સ્કોર 150ને પાર પહોંચાડ્યો. મેથ્યુ ફોર્ડે કુસલ મેન્ડિસ (72 રન)ને અલ્ઝારી જોસેફના હાથે કેચ કરાવીને આ ભાગીદારી તોડી. મેન્ડિસ પછી નિસાંકા 79 રન બનાવીને આઉટ થયો. છેલ્લે જનિથ લિયાનાગે (અણનમ 44) અને ચરિત અસલંકા (અણનમ 45)એ ટીમને 303/7 રન સુધી પહોંચાડી દીધી. વેસ્ટ ઈન્ડિઝ માટે રોસ્ટન ચેઝ, જોયડન સેલ્સ અને મેથ્યુ ફોર્ડે બે-બે વિકેટ લીધી. શાઈ હોપની ફિફ્ટી, ચમીરાની 4 વિકેટ 304 રન ચેઝ કરી રહેલી યજમાન ટીમની શરૂઆત સારી રહી. જસ્ટિન ગ્રિવ્સ (45) અને જોન કેમ્પબેલ (17) એ પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન શાઈ હોપે 56 રન બનાવ્યા, પરંતુ તેમને બીજા છેડેથી કોઈ બેટરોનો સાથ મળ્યો નહીં. વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ 49.2 ઓવરમાં 262 રન પર સમેટાઈ ગઈ. શ્રીલંકા માટે દુષ્મંથા ચમીરાએ 4 વિકેટ ઝડપી. મહીશ તીક્ષણાએ 2 વિકેટ લીધી.