પિતાને ધમકી મળતા સુનીલ શેટ્ટીએ અંડરવર્લ્ડ ડોનને ગાળો આપી:15 વર્ષની ઉંમરે જવાનોને તાલીમ આપી, પોલીસે અન્નાના ફોટો પર ગેંગ્સટરનો ચહેરો લગાવ્યો

Last Updated: August 10, 2026By

90નો દાયકો. મુંબઈમાં અંડરવર્લ્ડની ધાક એવી હતી કે મોટા-મોટા ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર્સ પણ ધમકીભર્યા ફોનથી ગભરાઈ જતા હતા. આ જ સમયગાળામાં એક બોલિવૂડ એક્ટરને પણ સતત ધમકીવાળા ફોન આવી રહ્યા હતા. લગભગ દોઢ વર્ષ સુધી ધમકીઓનો સિલસિલો ચાલતો રહ્યો, પરંતુ એક દિવસ વાત હદથી આગળ વધી ગઈ. ફોન કરનાર ગેંગસ્ટરે ધમકી આપી કે, તે એક્ટરના પિતાને ગોળી મારી દેશે. દીકરાએ અત્યાર સુધી ધમકીને અવગણી હતી, પરંતુ પિતાને ધમકી મળતા જ તેની ધીરજ ખૂટી ગઈ. તેણે ગેંગસ્ટરને જ તેની ભાષામાં જવાબ આપ્યો, ગાળો આપી અને કહ્યું- ‘મારી પાસે તારા કરતાં વધુ પૈસા પણ છે અને વધુ કનેક્શન પણ છે. એટલે ક્યારેય એવું ન વિચારતો કે હું ડરી જઈશ.’ આ એક્ટર હતો બોલિવૂડનો ‘અન્ના’ એટલે કે સુનીલ શેટ્ટી અને ગેંગસ્ટર હતો હેમંત પુજારી. આજે સુનીલ શેટ્ટીના 65મા જન્મદિવસે જાણીએ તેની જિંદગીના કેટલાક એવા વણકહ્યા કિસ્સા… 15 વર્ષની ઉંમરે પોલીસને ટ્રેનિંગ આપી સુનીલ શેટ્ટીએ ‘લલ્લનટોપ’ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે તે 13-14 વર્ષનો હતો, ત્યારે બ્રુસ લીની ફિલ્મોથી એટલો પ્રભાવિત થયો કે તેણે માર્શલ આર્ટ્સ શીખવાનો નિર્ણય કરી લીધો. સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, એ સમયગાળામાં તે ક્રિકેટ પણ રમતો હતો, પરંતુ પોતાને વધુ મજબૂત અને ચપળ બનાવવા માટે તેણે માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ શરૂ કરી. સતત મહેનત અને સમર્પણનું પરિણામ એ આવ્યું કે માત્ર 15 વર્ષની ઉંમરે તેના સેન્સેઈ (શિક્ષક)એ તેને અન્ય વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવાની જવાબદારી સોંપી દીધી. આ પછી ભારત-તિબેટ સીમા પોલીસ (ITBP)ના જવાનો પણ તેની પાસે ટ્રેનિંગ લેવા આવવા લાગ્યા. એટલું જ નહીં, તે મહારાષ્ટ્ર પોલીસના જવાનોને પણ ફિટનેસ અને રનિંગની ટ્રેનિંગ આપતો હતો. સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, તે જવાનો સાથે 20થી 30 કિલોમીટર સુધી દોડ લગાવતો હતો અને રેતી અને પાણીમાં મુશ્કેલ અભ્યાસ કરાવતા હતા. જાતે પહેલી ફિલ્મના પોસ્ટર રસ્તાઓ પર ચોંટાડ્યા હતા સુનીલ શેટ્ટીની પહેલી ફિલ્મ ‘આરઝૂ’ લગભગ 90-95 ટકા શૂટ થયા પછી બંધ થઈ ગઈ. આ પછી બીજી ફિલ્મ પણ શરૂ થઈને અટકી ગઈ. સતત બે પ્રોજેક્ટ અટકી ગયા પછી આખરે તેને ‘બલવાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તક મળી. ફિલ્મ ‘બલવાન’ સમયે એટલું મોટું પ્રમોશન બજેટ નહોતું. તેથી તે પોતે પોતાની રેસ્ટોરન્ટના કર્મચારીઓ સાથે મુંબઈના રસ્તાઓ પર ફિલ્મના પોસ્ટર ચોંટાડતો હતો. ‘લલ્લનટોપ’ને આપેલા ઈન્ટરવ્યુમાં સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ‘બલવાન’ બોક્સ ઓફિસ પર સફળ રહી. દર્શકોને ફિલ્મ પસંદ આવી, પરંતુ કેટલાક ફિલ્મ સમીક્ષકોએ તેની એક્ટિંગની ભારે ટીકા કરી. એક પ્રખ્યાત સમીક્ષકે પોતાના રિવ્યુમાં તેને ‘વુડન ડોરનોબ’ (લાકડાનું હેન્ડલ) સુધી કહી દીધો હતો. એટલું જ નહીં, તેણે એવું પણ લખી દીધું કે, સુનીલ શેટ્ટીએ ફિલ્મોમાં કામ કરવાને બદલે પોતાની રેસ્ટોરન્ટમાં પાછા જઈને ઈડલી-વડા વેચવા જોઈએ. ચૂંટણી પ્રચારને લઈને સુનીલ દત્તે નારાજગી વ્યક્ત કરી હતી ગયા વર્ષે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, એકવાર સંજય દત્ત પોતાના એક મિત્રના કહેવાથી ચૂંટણી પ્રચાર માટે તૈયાર થઈ ગયો. જોકે, રમુજી વાત એ હતી કે, જે નેતા માટે તે પ્રચાર કરવા જઈ રહ્યો હતો, તે વિપક્ષી પાર્ટીનો હતો અને તે તેના પિતા સુનીલ દત્ત સામે જ ચૂંટણી લડી રહ્યો હતો. આના પર સંજય દત્તે હસતાં હસતાં સ્પષ્ટતા કરી હતી, ‘હું ભૂલી ગયો હતો.’ સુનીલ શેટ્ટીએ આગળ જણાવ્યું હતું કે, પછીથી સંજયની જગ્યાએ તેને પ્રચાર માટે મોકલવામાં આવ્યો. જ્યારે આ વાત સુનીલ દત્તને ખબર પડી, તો તેમણે સુનીલ શેટ્ટીને ઘરે બોલાવીને કહ્યું, ‘બેટા, હું તમારી મિત્રતા સમજુ છું, પરંતુ મારા વિશે પણ વિચારવું જોઈતું હતું.’ આના પર સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, એ સમયે તેના મનમાં બસ એક જ વાત આવી હતી- ‘તમારા દીકરાએ ન વિચાર્યું, હું શું વિચારું!’ સાસુના કહેવાથી ‘બોર્ડર’ ફિલ્મમાં કામ કર્યું ‘બોર્ડર’ સુનીલ શેટ્ટીની સૌથી પ્રખ્યાત ફિલ્મોમાં ગણાય છે. જોકે, સુનીલે શરૂઆતમાં આ ફિલ્મમાં કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ‘લલ્લનટોપ’ને આપેલા એક ઈન્ટરવ્યુમાં સુનીલ શેટ્ટીએ જણાવ્યું કે, એ સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે.પી. દત્તાની એક અલગ જ ઈમેજ હતી. લોકો કહેતા હતા કે, તેઓ શૂટિંગ દરમિયાન ખૂબ જ કડક અને ગુસ્સાવાળા રહે છે અને કલાકારોને બોલવામાં કે ગુસ્સો કરવામાં પણ અચકાતા નથી. આ બધું સાંભળીને સુનીલે મન બનાવી લીધું હતું કે આવા ડિરેક્ટર સાથે કામ નહીં કરે. તેને લાગ્યું કે જો કોઈ સેટ પર અપમાન કરશે કે ગાળ આપશે, તો તેના માટે કામ કરવું મુશ્કેલ બની જશે. તેથી તેણે ફિલ્મ કરવાની ના પાડી દીધી. દરમિયાન તેના સાસુએ તેને સમજાવ્યો કે કોઈની વાતો પર ભરોસો કરતા પહેલાં પોતે ફિલ્મની વાર્તા સાંભળવી જોઈએ. સાસુના કહેવાથી સુનીલની જે.પી. દત્તા સાથે મુલાકાત થઈ. તેણે ફિલ્મની વાર્તા સાંભળી અને આખરે ફિલ્મ ‘બોર્ડર’ માટે હા પાડી દીધી હતી. કારગિલમાં ઇજાગ્રસ્ત જવાનને મળીને રોઈ પડ્યો હતો ‘બોર્ડર’ની સફળતા પછી સુનીલ શેટ્ટી કારગિલ યુદ્ધ દરમિયાન ફોરવર્ડ બેઝ અને મિલિટરી હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યાં તેની મુલાકાત 19 વર્ષના એક જવાન સાથે થઈ, જેણે યુદ્ધમાં પોતાનો એક હાથ ગુમાવી દીધો હતો. સુનીલને જોતા જ જવાન બોલ્યો, ‘ભૈરવ સિંહજી, મારો એક હાથ જતો રહ્યો… મને પાછો મોકલી દો, દુશ્મનોને ખતમ કરવા છે.’ આ સાંભળીને સુનીલની આંખો ભરાઈ આવી. પરંતુ જવાનના માતા-પિતાએ તેને જ સાંત્વના આપી અને કહ્યું, ‘રડશો નહીં બેટા, તેણે દેશ માટે હાથ ગુમાવ્યો છે. નાનો દીકરો પણ ફોજમાં જશે.’ સુનીલે કહ્યું હતું કે, એ જ દિવસે તેને સમજાયું કે ભારતીય સેનાનો જુસ્સો સામાન્ય લોકો કરતાં સાવ અલગ હોય છે. અક્ષય અને સુનીલને અજય દેવગન કહે છે ‘દૂધવાળો’ સુનીલ શેટ્ટી વર્ષોથી રાત્રે 10-10:30 વાગ્યા સુધીમાં ઊંઘી જાય છે અને સવારે 5:30 વાગ્યે જીમ પહોંચી જાય છે. તેનો આ નિત્યક્રમ ક્યારેય બદલાયો નથી. આ જ ટેવને લઈને અજય દેવગન અવારનવાર તેની અને અક્ષય કુમારની મશ્કરી કરે છે. સુનીલે ‘લલ્લનટોપ’ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું, ‘અજય દેવગન અવારનવાર કહે છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બે જ દૂધવાળા છે- એક અક્ષય કુમાર અને બીજો સુનીલ શેટ્ટી. સવાર-સવારે એવું લાગે છે જાણે આ બંને જ દૂધની સપ્લાય કરવા નીકળ્યા છે.’ અંડરવર્લ્ડની ધમકી પર ગેંગસ્ટરને જ આપી દીધો પડકાર 90ના દશકમાં સુનીલ શેટ્ટીને અંડરવર્લ્ડમાંથી ધમકીઓ મળી હતી. સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, એ સમયે તેની અટક ‘શેટ્ટી’ હોવાને કારણે અંડરવર્લ્ડને લાગતું હતું કે, તેને ડરાવીને બાકીના શેટ્ટી ઉદ્યોગપતિઓ પાસેથી પણ હપ્તો વસૂલી શકાશે. ગેંગસ્ટર હેમંત પુજારી અને તેના માણસો સતત તેના ઘર, ઓફિસ અને મેનેજર પાસે ફોન કરીને ધમકીઓ આપતા હતા. આ સિલસિલો લગભગ દોઢ વર્ષ સુધી ચાલતો રહ્યો. એક દિવસ હેમંત પુજારીએ ફોન કરીને ધમકી આપી કે, તે સવારે વોક પર જતા સુનીલ શેટ્ટીના પિતાને ગોળી મારી દેશે. આ સાંભળીને સુનીલ શેટ્ટી આપો ખોઈ બેઠો. તેણે ગેંગસ્ટરને તેની જ ભાષામાં જવાબ આપ્યો. સુનીલે તેને કહ્યું, ‘તારા વિશે જેટલી માહિતી તારી પાસે છે, તેના કરતાં વધુ મારી પાસે છે. તારી બહેનો ક્યાં રહે છે, તારા ભાઈઓ ક્યાં છે, તારા સગા-સંબંધિઓ ક્યાં છે… મને બધી ખબર છે. મારી પાસે તારા કરતાં વધુ પૈસા પણ છે અને વધુ કનેક્શન પણ છે. એટલે ક્યારેય એવું ન વિચારતો કે હું ડરી જઈશ. 70-80 વર્ષના વૃદ્ધને ગોળી મારીને શું કરીશ?’ સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, તેની પાસે સુરક્ષા હતી, તેથી આખી વાતચીત રેકોર્ડ થઈ ગઈ. જ્યારે મુંબઈ પોલીસે રેકોર્ડિંગ સાંભળ્યું, તો તેમણે સુનીલને સમજાવ્યો કે આવા ગેંગસ્ટરો સાથે ઝઘડો કરવો ખતરનાક બની શકે છે. પોલીસે કહ્યું કે, આ લોકો ક્યારેક નશામાં કે ગુસ્સામાં હોય છે અને માત્ર એક આદેશ પર કોઈના પર પણ હુમલો કરી શકે છે. જોકે, સુનીલ શેટ્ટીનું કહેવું હતું કે, તે દોઢ વર્ષથી ચૂપ હતો, પરંતુ જ્યારે વાત તેના પિતા સુધી પહોંચી, તો તેઓ શાંત રહી શક્યો નહીં. જૂનિયર આર્ટિસ્ટને મુખ્યમંત્રી જેવો તૈયાર કરાવ્યો હતો ટીવી શો ‘જીના ઈસી કા નામ હૈ’ દરમિયાન એક્ટ્રેસ મહિમા ચૌધરીએ જણાવ્યું હતું કે, સુનીલ શેટ્ટી સેટ પર ખૂબ જ પ્રૅન્ક (મજાક) કરે છે. ફિલ્મ ‘યે તેરા ઘર યે મેરા ઘર’ના શૂટિંગ માટે જ્યારે મહિમા ચૌધરી પહેલીવાર આઉટડોર શૂટ પર હૈદરાબાદ પહોંચી, તો સુનીલ શેટ્ટીએ તેની સાથે મજેદાર પ્રૅન્ક કર્યો હતો. મહિમાએ જણાવ્યું હતું કે, સુનીલે એક જૂનિયર આર્ટિસ્ટને બિલકુલ મુખ્યમંત્રી જેવો તૈયાર કરાવ્યો. તેના માટે ખાસ કપડાં મંગાવવામાં આવ્યા. ત્યાં ઘણી સફેદ એમ્બેસેડર કારનો કાફલો હતો. પોલીસની ગાડીઓ, કમાન્ડો, વોકી-ટોકી અને આખી વીઆઈપી વ્યવસ્થા હતી. મહિમાને કંઈપણ ખબર નહોતી. ત્યારે જ સુનીલે તેને કહ્યું કે, તેણે એક મહત્વપૂર્ણ મીટિંગ માટે મુખ્યમંત્રીને મળવાનું છે. તેણે મહિમાને એવું પણ પૂછ્યું કે, મીટિંગમાં ઈન્ડસ્ટ્રીને લઈને શું-શું વાતો કરવાની છે. મહિમાએ પૂરી ગંભીરતાથી મીટિંગની તૈયારી શરૂ કરી દીધી અને મુખ્યમંત્રીને મળવા માટે તૈયાર થઈને પહોંચી ગઈ. આ પછી કેટલાક જૂનિયર આર્ટિસ્ટ ચંદ્રબાબુ નાયડુના જયકારા બોલાવવા લાગ્યા, જેના પછી બધા બૂમો પાડવા લાગ્યા. ત્યારબાદ સુનીલે કથિત મુખ્યમંત્રીના પગ સ્પર્શ કર્યા, જે જોઈને મહિમાએ પણ નમીને નમસ્કાર કર્યા હતા. પછીથી ખબર પડી કે આ એક પ્રૅન્ક હતો. સુનીલ શેટ્ટીએ મહિમા ચૌધરીની કારમાં સાપ મૂકી દીધો હતો! બીજી તરફ મહિમાએ આ જ શોમાં કહ્યું હતું કે, શૂટિંગના પહેલા જ દિવસે સુનીલે તેની કારમાં સાપ મૂકી દીધો હતો. જોકે, શોમાં સુનીલનું કહેવું હતું કે, તેણે કારમાં સાપ નહોતો મૂક્યો. સાપ કોઈક રીતે કારના બોનેટની અંદર ઘૂસી ગયો હતો. સુનીલે જણાવ્યું હતું કે, તેને પોતાને સાપથી ડર લાગે છે અને જો તે સાપ જોત, તો ત્યાંથી ખૂબ દૂર ભાગી જાત. પછીથી કપિલ શર્માના શોમાં સુનીલે જણાવ્યું હતું કે, મહિમા આજે પણ એવું જ માને છે કે તેણે જ કારમાં સાપ મૂક્યો હતો. સુનીલ શેટ્ટીના ફોટોમાંથી શરીરનો ભાગ લેવામાં આવ્યો હતો વર્ષ 1998. ઉત્તર પ્રદેશમાં કુખ્યાત ગેંગસ્ટર શ્રીપ્રકાશ શુક્લા પોલીસ માટે મોટો પડકાર બનેલો હતો. પોલીસ અને નવી-નવી બનેલી યુપી એસટીએફ તેની શોધમાં લાગી હતી, પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તેનો સાચો ફોટો જ નહોતો મળી રહ્યો. આઈપીએસ રાજેશ પાંડેએ જણાવ્યું હતું કે, શ્રીપ્રકાશને પણ આ વાતની જાણ થઈ ગઈ હતી કે પોલીસ તેનો ફોટો શોધી રહી છે. તેણે પોતાના વિસ્તારના ફોટોગ્રાફર્સ પર નજર રાખવાનું શરૂ કરી દીધું. જે ફોટોગ્રાફર પર તેને શંકા જતી કે તેણે તેનો ફોટો પોલીસને આપ્યો છે, તેને ધમકાવતો હતો. એક ફોટોગ્રાફરને તો દુકાનની બહાર ખેંચીને રસ્તા પર ગોળી મારી દીધી હતી. આ પછી વિસ્તારમાં એવો ભય ફેલાયો કે લોકો શ્રીપ્રકાશનો ફોટો પોતાની પાસે રાખવાથી પણ ડરવા લાગ્યા. બીજી તરફ એસટીએફ પર પણ દબાણ હતું. લોકો પ્રશ્નો ઉઠાવતા હતા કે, જ્યારે પોલીસ પાસે તેનો ફોટો પણ નથી, તો તેને પકડશે કેવી રીતે? દરમિયાન એસટીએફને બાતમીદારો પાસેથી ખબર પડી કે, શ્રીપ્રકાશ ક્યારેક-ક્યારેક લખનઉમાં પોતાની બહેન અને બહેનોઈના ઘરે આવે છે. ટીમ ત્યાં પહોંચી, પરંતુ પરિવારે તેના વિશે કોઈ માહિતી આપવાનો ઇનકાર કરી દીધો. ત્યારે જ ઘરમાં હાજર તેની નાની ભાણીઓ સાથે વાતચીત થઈ. બાળકીઓએ જણાવ્યું કે, તેના મામા તેની બર્થડે પાર્ટીમાં આવ્યા હતા અને તેની પાસે એ દિવસના ફોટો છે. તેેણે એક પુસ્તકમાં રાખેલા કેટલાક ફોટો કાઢીને પોલીસને બતાવ્યા. આખરે એસટીએફને શ્રીપ્રકાશ શુક્લાનો સાચો ફોટો મળી ગયો. પરંતુ હવે એક બીજી સમસ્યા હતી. જો તેનો અસલી ફોટો એ જ પરિવારના ઘરેથી બહાર આવે, તો શ્રીપ્રકાશને ખબર પડી જાય કે ફોટો ક્યાંથી મળ્યો અને તે પરિવારને નુકસાન પહોંચાડી શકતો હતો. એસટીએફ અધિકારીઓએ એવો રસ્તો શોધવાનું વિચાર્યું જેથી ફોટાનો સ્ત્રોત ક્યારેય સામે ન આવે. લખનઉના હઝરતગંજ વિસ્તારમાં એ સમયે ફિલ્મ સ્ટાર્સના પોસ્ટકાર્ડ અને ફોટો મળતા હતા. ત્યાં આઈપીએસ રાજેશ પાંડેની નજર એક ફોટા પર પડી, જેમાં એક્ટર સુનીલ શેટ્ટી લગભગ એ જ રીતે ઊભો હતો, જે રીતે શ્રીપ્રકાશ શુક્લા એક ગ્રુપ ફોટોમાં ઊભો હતો. પછી એક ખૂબ જ અનોખો જુગાડ કરવામાં આવ્યો. સુનીલ શેટ્ટીના ફોટામાંથી શરીરનો ભાગ લેવામાં આવ્યો અને તેના પર શ્રીપ્રકાશ શુક્લાનો ચહેરો ફિટ કરી દેવામાં આવ્યો. ફોટો એવી રીતે તૈયાર કરવામાં આવ્યો કે જોનારને પહેલી નજરે આ શ્રીપ્રકાશ શુક્લાનો જ ફોટો લાગે. આ રીતે શ્રીપ્રકાશ શુક્લાનો ફોટો સાર્વજનિક કરવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ હતી કે પછીથી જ્યારે કોઈએ શ્રીપ્રકાશને ફોન કરીને કહ્યું કે તેનો ફોટો અખબારમાં છપાયો છે, તો તેણે ફોટો જોઈને કહ્યું કે, તેણે જિંદગીમાં ક્યારેય આવી ડેનિમ શર્ટ પહેરી જ નથી અને તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો.