પૂર્વ શ્રીલંકન અંડર-19 સ્ટાર પેસર હવે અમેરિકાથી ડેબ્યૂ કરશે:શ્રીલંકા છોડીને પેટ્રોલ પંપ પર કામ કર્યું; હવે અમેરિકન લીગનો સ્ટાર બન્યો અમશી

Last Updated: July 11, 2026By

મેજર લીગ ક્રિકેટ (MLC) 2026ની ઓપનિંગ મેચમાં જ્યારે ગ્રાન્ડ પ્રેયરી સ્ટેડિયમની સપાટ પીચ પર બેટર્સ સરળતાથી રન બનાવી રહ્યા હતા, ત્યારે ટેક્સાસ સુપર કિંગ્સ (TSK)ના 25 વર્ષીય યુવા અમશી ડી સિલ્વાએ પોતાની ગતિ અને ધારદાર બાઉન્સરથી ખળભળાટ મચાવી દીધો. પોતાના પ્રમાણમાં નાના કદ અને અનોખી બોલિંગ એક્શન હોવા છતાં અમશી પોતાની 140 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ગતિથી બેટર્સને ચોંકાવી દે છે. જોકે, તે માત્ર પોતાની ખતરનાક બોલિંગ કે મેદાન પર ચિત્તા જેવી ચપળતા માટે જ નહીં, પરંતુ તે ભાવુક કહાની માટે પણ ચર્ચામાં છે, જેમાં તેણે શ્રીલંકાની નેશનલ ટીમની કેપ કરતાં પોતાના પરિવારને પસંદ કર્યો. અમશી મૂળ શ્રીલંકાના વતની છે અને એક સમયે તેને ત્યાંના સૌથી આશાસ્પદ ઝડપી બોલરોમાંના એક ગણવામાં આવતો હતો. અંડર-19 વર્લ્ડ કપમાં તે પોતાની ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો, જ્યાં તેણે મથીશા પથિરાના અને દિલશાન મદુશંકા જેવા વર્તમાન સિતારાઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો હતો. શ્રીલંકા ‘A’ માટે શાનદાર પ્રદર્શન પછી દરેક ક્રિકેટ પંડિતનું માનવું હતું કે અમશીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂકવો એ માત્ર સમયની વાત છે. પરંતુ અમશીના અંગત જીવનમાં એક ખાલીપો હતો. તેના પિતા 2008માં જ એક મિશનરી ચેપ્લિન તરીકે અમેરિકા ચાલ્યા ગયા હતા, જ્યારે અમશી અને તેની માતા સંજોગોવશાત્ શ્રીલંકામાં જ રહી ગયા. ક્રિકેટના મેદાન પર અમશી જેટલો આગળ વધી રહ્યો હતો, તેનો પરિવાર તેટલો જ દૂર થતો જઈ રહ્યો હતો. પોતાના સપનાને પીછો કરવાનો સીધો અર્થ હતો માતાને પિતાથી લાંબા સમય સુધી અલગ રાખવા. આખરે, આ યુવા ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની મહત્વાકાંક્ષાને પાછળ છોડીને પરિવારને એક કરવા માટે અમેરિકામાં સ્થાયી થવાનો નિઃસ્વાર્થ નિર્ણય કર્યો. અમેરિકામાં શરૂઆતના દિવસો ખૂબ જ સંઘર્ષભર્યા રહ્યા. ગુજારા માટે તમણે ઇન્ડિયાનાના એક ગેસ સ્ટેશન (પેટ્રોલ પંપ) પર લાંબી શિફ્ટમાં કામ કર્યું. એવું લાગ્યું કે જાણે તેની કારકિર્દી પૂરી થઈ ગઈ છે. ત્યારે જ પૂર્વ શ્રીલંકાઈ ક્રિકેટર એન્જેલો પરેરાએ નવી આશા જગાવી. તેણે અમશીને TSKના અભ્યાસ સત્રમાં ટ્રાયલની તક અપાવી. નેટ્સમાં પોતાની પહેલી જ સ્પેલમાં અમશીએ પોતાની ઘાતક યોર્કર અને બાઉન્સરથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આ શાનદાર પ્રદર્શને તેને TSKના ડ્રાફ્ટમાં 48 લાખ રૂપિયાનો મોટો કરાર અપાવ્યો. પોતાની સચોટ બાઉન્સર અને ‘બેક-ઓફ-ધ-હેન્ડ સ્લોઅર’ બોલના દમ પર તે ટુર્નામેન્ટના સૌથી સફળ બોલરોમાંના એક તરીકે ઉભરી આવ્યો છે. હવે અમેરિકી ક્રિકેટમાં ચર્ચા છે કે અમશી જલ્દી જ USAની નેશનલ જર્સી પહેરશે.

Leave A Comment