પ્રભાસ-તૃપ્તિની 'સ્પિરિટ'ની રિલીઝ ડેટ જાહેર:કોરિયન, મેન્ડરીન અને જાપાનીઝ સહિત 8 ભાષામાં ફિલ્મ રિલીઝ થશે; દીપિકાની હકાલપટ્ટી બાદથી ફિલ્મ સતત ચર્ચામાં

Last Updated: January 17, 2026By

દીપિકા પાદુકોણની હકાલપટ્ટી બાદથી જ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’ સતત ચર્ચામાં છે. ત્યારે લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ‘સ્પિરિટ’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. પ્રભાસ અને તૃપ્તિ ડિમરી સ્ટારર આ ફિલ્મ 5 માર્ચ 2027ના રોજ રિલીઝ થશે. મેકર્સે રિલીઝ ડેટ જાહેર કરી ફિલ્મના મેકર ટી-સિરીઝે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની જાહેરાત કરી. તેમણે એક બ્લેક એન્ડ વ્હાઇટ પોસ્ટર પોસ્ટ કર્યું, જેના કેપ્શનમાં લખ્યું હતું- ‘યાદ રાખો, ‘સ્પિરિટ’ 5 માર્ચ, 2027ના રોજ વર્લ્ડ વાઇડ રિલીઝ થવા જઈ રહી છે.’ સ્થાનિક ઉપરાંત વિદેશી ભાષામાં પણ રિલીઝ થશે ‘સ્પિરિટ’ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’ને આઠ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. આમાં તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ, હિન્દી, મેન્ડરિન (ચીન), જાપાનીઝ અને કોરિયન ભાષાનો સમાવેશ થાય છે. ચાહકોએ કહ્યું- ‘2027 ખૂબ દૂર છે, આટલું મોડું કેમ’ ફિલ્મની રિલીઝ ડેટ સામે આવતા જ ચાહકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. ઘણા ચાહકોએ કોમેન્ટમાં પ્રભાસને નંબર 1 પાન ઇન્ડિયા સ્ટાર ગણાવ્યો. જ્યારે કેટલાક લોકોએ પોસ્ટ પર લખ્યું – ‘રાહ જોઈ શકતા નથી.’ કેટલાક ચાહકોએ પ્રશ્નાર્થ ભાવમાં કહ્યું કે, 2027 ખૂબ દૂર છે. આટલું મોડું કેમ?’ પ્રભાસ-તૃપ્તિનો ઇન્ટેન્સ લુક નોંધનીય છે કે, નવા વર્ષના અવસરે મેકર્સે ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું હતું. પોસ્ટરમાં પ્રભાસ અને તૃપ્તિ એક બારી પાસે ઉભેલા દેખાઈ રહ્યા છે. પ્રભાસ લાંબા વાળ, દાઢી અને મૂછો સાથે શર્ટલેસ જોવા મળ્યો હતો. તેના શરીર પર ઈજાના નિશાન અને ખભા, હાથ અને પીઠ પર ઘણી પટ્ટીઓ બાંધેલી છે. પ્રભાસના હોઠ વચ્ચે એક સિગારેટ છે અને એક હાથમાં દારૂનો ગ્લાસ છે. પોસ્ટરમાં તૃપ્તિ આછા ગ્રે રંગની સાડીમાં પ્રભાસની નજીક ઉભેલી જોવા મળી રહી છે અને તે પ્રભાસની સિગારેટ સળગાવતી જોવા મળી રહી છે. તૃપ્તિનો ચહેરો ખૂબ જ શાંત અને ગંભીર દેખાઈ રહ્યો છે. ફિલ્મના પહેલા પોસ્ટરે પણ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. પ્રભાસ અને તૃપ્તિનો લુક ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો.