બન્યા વિના જ વેચાઈ રહ્યું છે અમેરિકાનું સ્ટેડિયમ:2030માં સ્ટેડિયમ શરૂ થશે, 'એક્સપિરિયન્સ સેન્ટર'થી વર્ષો પહેલા વેચાઈ રહી છે પ્રીમિયમ સીટો

Last Updated: July 29, 2026By

અમેરિકાના ચાર્લોટ શહેરમાં એક એવું સ્ટેડિયમ છે, જેની નવી બેઠકો હજુ લાગી નથી, નવી દિવાલો બની નથી અને નિર્માણનું મોટું કામ 2027માં શરૂ થશે. તેમ છતાં, ત્યાં અત્યારથી જ સ્ટેડિયમની સૌથી મોંઘી સૂટ અને પ્રીમિયમ બેઠકો વેચાઈ રહી છે. ફરક માત્ર એટલો છે કે ખરીદદારોને અસલી સ્ટેડિયમ નહીં, પરંતુ તેનું ભવિષ્ય બતાવવામાં આવી રહ્યું છે. બેંક ઓફ અમેરિકા સ્ટેડિયમ માટે લગભગ 12 હજાર 500 કરોડ રૂપિયાના નવીનીકરણ પ્રોજેક્ટ હેઠળ ટેપર સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટે એક નવું એક્સપિરિયન્સ સેન્ટર શરૂ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ રમત જગતનું સૌથી આધુનિક પ્રિવ્યૂ સેન્ટર છે. તેનો હેતુ નિર્માણ પૂરું થવાની રાહ જોયા વિના સ્ટેડિયમના પ્રીમિયમ ભાગોનું વેચાણ શરૂ કરવાનો છે. લગભગ 16 હજાર વર્ગફૂટમાં બનેલું આ સેન્ટર સ્ટેડિયમ સામે હનીવેલના ગ્લોબલ મુખ્યાલયના ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવ્યું છે. આ 2030 સુધી ખુલ્લું રહેશે. આ જ જગ્યાએથી NFL ટીમ કેરોલિના પેન્થર્સ અને એમએલએસ ક્લબ શાર્લોટ એફસી માટે કોર્પોરેટ બોક્સ, પ્રીમિયમ બેઠકો અને હોસ્પિટાલિટી પેકેજ વેચવામાં આવશે. સેન્ટરમાં પ્રવેશતા જ ડિજિટલ લોકર દેખાય છે. તેમાં સ્ટેડિયમના જૂના યાદગાર પળોને ડિજિટલ રીતે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ એક મોટું વિડિયો થિયેટર આવે છે, જ્યાં સ્ટેડિયમના ભવિષ્યની ઝલક બતાવવામાં આવે છે. આગળના રૂમમાં 85 લોકોના હોલોગ્રામ મેસેજીસ છે. તેમાં પૂર્વ ખેલાડીઓથી લઈને NFL કમિશનર રોજર ગુડેલ સુધીના લોકો સામેલ છે, જેઓ આ સ્ટેડિયમની અગત્યતા જણાવે છે. ત્યારબાદ ખરીદદારો એક એવા ડિજિટલ રૂમમાં પહોંચે છે, જ્યાં નિર્માણ પૂર્ણ થયા વિના નવા સ્ટેડિયમનો વર્ચ્યુઅલ અનુભવ મળે છે. મોટી ઇન્ટરેક્ટિવ સ્ક્રીન પર એ પણ બતાવવામાં આવે છે કે ખરીદદાર ક્યાં પાર્કિંગ કરશે, કયા ગેટથી અંદર જશે અને તેની સીટ કે સ્યુટ ક્યાં હશે. અહીં પ્રીમિયમ સીટો, પ્રેસ ક્લબ બાર અને લક્ઝરી સ્યુટની વાસ્તવિક પ્રતિકૃતિઓ પણ બનાવવામાં આવી છે જેથી ગ્રાહક માત્ર તસવીરો ન જુએ, પરંતુ તેમને અનુભવી પણ શકે. જો કોઈ ગ્રાહક ત્યાં જ ખરીદીનો નિર્ણય કરે છે તો તેના માટે તરત જ લેઝર પ્રિન્ટેડ સ્યુટ કી-કાર્ડ તૈયાર કરી દેવામાં આવે છે. એટલે કે સોદો તે જ સમયે પૂરો થઈ શકે છે. સ્ટેડિયમની ઉંમર હવે 30 વર્ષ થઈ ગઈ છે. આ જ કારણોસર તેનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ જાહેર કરાયેલા બજેટ ઉપરાંત, ટેપર સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઇનમેન્ટે તેમાં લગભગ 5000 કરોડનું વધારાનું રોકાણ પણ ઉમેર્યું છે. દર્શકો સંબંધિત નિર્માણ કાર્ય 2027માં શરૂ થશે. રમતગમત ઉદ્યોગમાં હવે આવા સેલ્સ પ્રિવ્યૂ સેન્ટર ઝડપથી વધી રહ્યા છે. કારણ સ્પષ્ટ છે. પહેલા સ્ટેડિયમ બનતું હતું, પછી સીટો વેચાતી હતી. હવે સ્ટેડિયમ બન્યાના ઘણા વર્ષો પહેલા જ તેની કમાણી શરૂ થઈ જાય છે. બેંક ઓફ અમેરિકા સ્ટેડિયમનું આ મોડેલ દર્શાવે છે કે આધુનિક રમતગમતના વ્યવસાયમાં માત્ર મેદાન જ નહીં, પરંતુ ટેકનોલોજી અને અનુભવ પણ કરોડો ડોલરની કમાણીનું મોટું સાધન બની ગયા છે.

Leave A Comment