બાંગ્લાદેશમાં શેખ હસીનાની બેઠક પર હિંદુ ઉમેદવાર:BNPને આપી રહ્યા છે ટક્કર; કાલે મતદાન અને બંધારણીય સુધારા પર જનમત સંગ્રહ

Last Updated: February 11, 2026By

બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પરંપરાગત બેઠક ગોપાલગંજ-3 પર મુકાબલો ઘણો રસપ્રદ બન્યો છે. અહીં BNPના ઉમેદવાર એસએમ જિલાનીને બે હિંદુ ઉમેદવારો સખત ટક્કર આપી રહ્યા છે. સ્વતંત્ર ઉમેદવાર ગોવિંદ ચંદ્ર પ્રમાણિક અને ગણો ફોરમના દુલાલ ચંદ્ર વિશ્વાસને મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. ગોપાલગંજ-3 બેઠકમાં ટુંગીપાડા અને કોટાલિપાડા વિસ્તારો આવે છે. ટુંગીપાડામાં લગભગ 26% અને કોટાલિપાડામાં 47%થી વધુ હિંદુ વસ્તી છે. આ વિસ્તાર શેખ મુજીબુર રહેમાનની જન્મભૂમિ છે અને લાંબા સમયથી અવામી લીગનો ગઢ માનવામાં આવે છે. ગોવિંદ ચંદ્ર પ્રમાણિકનું કહેવું છે કે તેમને લોકો તરફથી સારો ટેકો મળી રહ્યો છે. જ્યારે એક 23 વર્ષના યુવકે કહ્યું કે જો મત નહીં આપીએ તો હુમલો કે કેસ થઈ શકે છે. તેણે કહ્યું કે મત તો આપીશું, પરંતુ કદાચ આ વખતે BNPને મત આપીશું. બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ મતદાન અને બંધારણ સુધારા પર જનમત સંગ્રહ થવાનો છે. BNPએ 80 હિંદુઓને ટિકિટ આપી BNPએ પણ ઘણા લઘુમતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. તેના 80 હિંદુ ઉમેદવારોમાંથી ઢાકા-1 બેઠક પરથી ગોયેશ્વર ચંદ્ર રોયને મજબૂત માનવામાં આવી રહ્યા છે. મગુરામાં નિતાઈ રોય ચૌધરી સામે કોઈ મોટો હરીફ નથી. બાગેરહાટ-1 બેઠક જે અગાઉ અવામી લીગનો ગઢ રહી છે, ત્યાં BNPના કપિલ કૃષ્ણ મંડલને મજબૂત માનવામાં આવી રહ્યા છે. બાગેરહાટ-4 માં સોમનાથ ડે પણ જીતના દાવેદાર ગણાઈ રહ્યા છે. જમાત-એ-ઇસ્લામીએ પણ પહેલીવાર કોઈ હિંદુ ઉમેદવારને ટિકિટ આપી છે. પાર્ટીએ ખુલના-1 બેઠક પરથી કૃષ્ણા નંદીને મેદાનમાં ઉતાર્યા છે. અહીં BNPના આમિર એજાઝ ખાન અને CPBના કિશોર કુમાર રોય સામે મુકાબલો છે. કૃષ્ણા નંદી પોતાની સરળ અને મજાકિયા શૈલીને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. હિંદુ બહુમતીવાળા જિલ્લાઓમાં પણ મોટા પક્ષોએ હિંદુ ઉમેદવારોને ઉતાર્યા નથી ગોપાલગંજ અને ખુલના ઉપરાંત બાગેરહાટ, બરીસાલ, પિરોજપુર, મગુરા, જેસોર અને દિનાજપુર જિલ્લાઓમાં પણ હિંદુ વસ્તી સારી એવી છે. પરંતુ બરીસાલ, પિરોજપુર, જેસોર અને દિનાજપુરમાં આ વખતે મોટી પાર્ટીઓએ હિંદુ ઉમેદવારોને ઉતાર્યા નથી. બરીસાલ-5 બેઠક પરથી ડેમોક્રેટિક યુનાઈટેડ ફ્રન્ટના ડો. મોનિષા ચક્રવર્તી ચર્ચામાં છે. બરીસાલ-2 પરથી ગણો અધિકાર પરિષદના રણજીત કુમાર બારોઈ ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેમની જીતની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે. પિરોજપુરમાં કોઈ લઘુમતી ઉમેદવાર મેદાનમાં નથી. જેસોર-4 થી BMJP ના સુકૃતિ કુમાર મંડલ ચૂંટણી લડી રહ્યા છે. દિનાજપુર-3 થી CPB ના અમૃત કુમાર રોય અને દિનાજપુર-1 થી જકર પાર્ટીના રઘુનાથ ચંદ્ર રોય મેદાનમાં છે, પરંતુ તેમની જીતની આશા ખૂબ ઓછી જણાવવામાં આવી રહી છે. સાઉથ એશિયાના પાવર બેલેન્સ માટે મહત્વપૂર્ણ બાંગ્લાદેશ બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણી નક્કી કરશે કે દેશ આગળ ભારતની નજીક રહેશે કે પાકિસ્તાન અને ચીન તરફ ઝુકશે. આનાથી સાઉથ એશિયાનું પાવર બેલેન્સ બદલાઈ શકે છે. આ જ કારણોસર આ ચૂંટણીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બાંગ્લાદેશ સાઉથ એશિયાના પાવર બેલેન્સ માટે એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ દેશ ભૂગોળ, રાજનીતિ, અર્થતંત્ર અને વ્યૂહાત્મક હિતો એમ ચારેય મોરચે એકસાથે અસર કરે છે. બાંગ્લાદેશ, ભારતના પૂર્વોત્તર રાજ્યોને લગભગ ચારેય બાજુથી ઘેરે છે. ભારતનો નોર્થ-ઈસ્ટ સિલીગુડી કોરિડોર દ્વારા ભારત સાથે જોડાય છે. આવા સંજોગોમાં બાંગ્લાદેશની ભૂમિકા ભારત માટે કનેક્ટિવિટી, સુરક્ષા અને સપ્લાય લાઈનોની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ બની જાય છે. બીજું મોટું કારણ છે ભારત-ચીન વચ્ચેની વ્યૂહાત્મક ખેંચતાણ. ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં બાંગ્લાદેશમાં બંદરગાહ, રસ્તા, વીજળી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કર્યું છે. જો બાંગ્લાદેશ ચીનની વધુ નજીક જાય છે, તો તે ભારત માટે સીધો વ્યૂહાત્મક ફટકો છે, ખાસ કરીને બંગાળની ખાડી અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં. બાંગ્લાદેશની દરિયાઈ સીમા આ વિસ્તારને વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ બનાવે છે. આ વિસ્તાર ગ્લોબલ શિપિંગ, એનર્જી રૂટ્સ અને નૌકાદળની ગતિવિધિઓ માટે અત્યંત સંવેદનશીલ છે. ચોથું પરિબળ છે ઇસ્લામિક રાજકારણ અને કટ્ટરવાદ. બાંગ્લાદેશ મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, પરંતુ અત્યાર સુધી તેનું રાજકારણ તુલનાત્મક રીતે સંતુલિત રહ્યું છે. જો ત્યાં રાજકીય અસ્થિરતા વધે અથવા કટ્ટરવાદને સ્થાન મળે, તો તેની અસર માત્ર બાંગ્લાદેશ પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ ભારત, મ્યાનમાર અને સમગ્ર દક્ષિણ એશિયાની સુરક્ષા પર પડે છે.