બાંગ્લાદેશ ચૂંટણી સિરીઝ પાર્ટ-2:શેખ હસીના અને ખાલિદા ઝિયાએ સાથે મળીને રાષ્ટ્રપતિને હટાવ્યા, પછી જીવનભર બંનેએ દુશ્મની નિભાવી
રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનની હત્યા પછી બાંગ્લાદેશના રાજકારણમાં ઊથલપાથલ મચી ગઈ. 1982ના માર્ચમાં સેનાપ્રમુખ હુસૈન મોહમ્મદ ઈરશાદે બળવો કરીને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. દેશભરમાં માર્શલ લો લાગુ કરી દેવામાં આવ્યો, સંસદ ભંગ થઈ ચૂકી હતી, બંધારણને સ્થગિત કરી દેવામાં આવ્યું, સાથે જ તમામ રાજકીય હિલચાલ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. એક વર્ષ પછી ઈર્શાદ પોતે રાષ્ટ્રપતિ બની ગયા. આ પછી શેખ મુજીબની પુત્રી હસીના અને ઝિયાઉર રહેમાનની પત્ની ખાલિદાની રાજકારણમાં એન્ટ્રી થઈ, પછી બંનેએ મળીને ઈરશાદને પદ છોડવા મજબૂર કર્યા. પાર્ટ-2માં હસીના અને ખાલિદાની મિત્રતાથી દુશ્મની સુધીની કહાની વાંચો… વર્ષ- 1981 પિતાનો વારસો સંભાળવા બાંગ્લાદેશ પહોંચ્યાં હસીના બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ શેખ મુજીબની હત્યા થઈ ચૂકી હતી. દેશ અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અવામી લીગના નેતાઓએ અનુભવ્યું કે પાર્ટીને ફરીથી ઊભી કરવા માટે કોઈ એવા ચહેરાની જરૂર છે, જે શેખ મુજીબના વારસા સાથે જોડાયેલો હોય. ખાલિદાના પતિ ઝિયાઉર રહેમાને 1975માં શેખ હસીનાના દેશ પાછાં ફરવા પર રોક લગાવી દીધી હતી. આવા સંજોગોમાં દેશનિકાલમાં રહેતા જ તેમને અવામી લીગના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં. આ પછી ઉપરાષ્ટ્રપતિ સત્તારે હસીનાને બાંગ્લાદેશ આવવાની મંજૂરી આપી દીધી. તેઓ ભારતથી બાંગ્લાદેશ પાછા ફર્યાં. આ પહેલો પ્રસંગ હતો જ્યારે તેઓ 1977માં પિતાની હત્યા પછી દેશ પહોંચ્યાં. આ પછી શેખ હસીનાએ રસ્તાઓ પર ઊતરીને પોતાની રાજનીતિ શરૂ કરી. વર્ષ- 1981 ખાલિદા ઝિયાની રાજનીતિમાં એન્ટ્રી ખાલેદા ઝિયા રાજકારણથી લગભગ દૂર હતાં. ઘર, બાળકો અને ઔપચારિક જાહેર કાર્યક્રમો, બસ આ જ તેમની દુનિયા હતી, પરંતુ પતિના મૃત્યુ સાથે જ આ દુનિયા તૂટી ગઈ. 36 વર્ષની ઉંમરે ખાલેદા ઝિયા વિધવા બન્યાં. બીજી તરફ, રહેમાનની ગેરહાજરીમાં પાર્ટીમાં એવો કોઈ ચહેરો નહોતો, જે તેને એકજૂટ રાખી શકે. પાર્ટી ઘણાં જૂથોમાં વહેંચાઈ ગઈ હતી અને કોઈપણ જૂથ એટલું મજબૂત નહોતું કે બાકીના બધા એને સ્વીકારી લે. બધા પોતપોતાના નેતા બનાવવા માગતા હતા. બીજી તરફ, શેખ હસીના અવામી લીગની કમાન સંભાળી ચૂક્યા હતા. આવી સ્થિતિમાં BNPમાં ખાલેદા ઝિયાનું નામ ઊભરી આવ્યું. તેઓ પોતાના પતિનો રાજકીય વારસો લઈને પાછા ફર્યાં હતાં, એટલે કે મુકાબલો હવે ‘મુજીબની દીકરી વિરુદ્ધ ઝિયાની પત્ની’નો બનવા લાગ્યો હતો. પતિના મૃત્યુના 1 વર્ષ પછી ઝિયાની પાર્ટીમાં એન્ટ્રી થઈ. બે વર્ષ પછી 1984માં તેમને પાર્ટીનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યાં. ત્રીજી ચૂંટણી- 1986 લોકશાહીના નામે ચૂંટણી, પરંતુ અસલી તાકાત સેના પાસે આર્મી ચીફ ઇરશાદે ભલે સત્તાને પોતાના નિયંત્રણમાં લઈ લીધી હતી, પરંતુ તેમના પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું હતું. આવા સમયે તેમણે એ જ રસ્તો પસંદ કર્યો, જે તેમના પહેલા ઝિયાઉર રહેમાને પસંદ કર્યો હતો. ચૂંટણી દ્વારા સત્તાને કાયદેસરતા આપવી. આ જ હેતુથી ઇરશાદે જાતિય પાર્ટી બનાવી હતી. ત્યાર બાદ 7 મે 1986ના રોજ બાંગ્લાદેશમાં ત્રીજી સામાન્ય ચૂંટણી યોજાઈ, જોકે આ ચૂંટણી શરૂઆતથી જ વિવાદોમાં રહી. અવામી લીગે નક્કી કર્યું કે તે ચૂંટણીમાં ભાગ લેશે, જ્યારે BNPએ તેનો બહિષ્કાર કર્યો. એ સમયે અવામી લીગની કમાન શેખ હસીનાના હાથમાં હતી. ચૂંટણીનાં પરિણામો સંપૂર્ણપણે ઇરશાદની તરફેણમાં ગયાં. જાતીય પાર્ટીને 153 બેઠક, અવામી લીગને 76 બેઠક મળી. ઇરશાદે રાષ્ટ્રપતિ તરીકે સંસદ અને સરકાર બંને પર નિયંત્રણ સ્થાપિત કર્યું. ચૂંટણી પછી તેમણે ઔપચારિક રીતે માર્શલ લો હટાવવાની જાહેરાત કરી, પરંતુ દેશની અસલી તાકાત સેનાના હાથમાં જ રહી. ચોથી ચૂંટણી- 1988 ખાલેદા ઝિયા અને શેખ હસીનાએ સાથે મળીને લડાઈ લડી 1986ની ચૂંટણી કરાવ્યા પછી ઇરશાદને આશા હતી કે આંતરરાષ્ટ્રીય દબાણ ઓછું થશે અને તેમની સત્તાને કાયદેસરતા મળશે, પરંતુ એનું ઊલટું થયું અને ચૂંટણીને નકલી માનવામાં આવી. રસ્તાથી લઈને સંસદ સુધી આંદોલન ચાલુ રહ્યું. આવી સ્થિતિમાં 1988માં ઇરશાદે ફરીથી ચૂંટણી કરાવવાની જાહેરાત કરી, જોકે આ વખતે BNPની જેમ અવામી લીગે પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. આગળના 2 વર્ષ સુધી દેશમાં વિરોધ પ્રદર્શનોનો સિલસિલો ચાલુ રહ્યો. ઓક્ટોબર 1990માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રસ્તાઓ પર ઉતરવાનું શરૂ કર્યું. જોતજોતાંમાં શાળા, કોલેજ, મેડિકલના વિદ્યાર્થીઓ બધા જોડાઈ ગયા. નવેમ્બર આવતા-આવતા પરિસ્થિતિ ખરાબ થઈ ચૂકી હતી. પોલીસે ઘણાં પ્રદર્શનો પર સીધી ગોળીઓ ચલાવી. ઘણા અહેવાલોમાં 100થી વધુ વિદ્યાર્થીઓનાં મોતનો દાવો કરવામાં આવ્યો. કહેવાય છે કે આ જ એ ક્ષણ હતી જ્યારે વિદ્યાર્થી નેતાઓએ બંને પક્ષોને સ્પષ્ટ કહ્યું કે જો ખાલિદા ઝિયા અને શેખ હસીના તેમને સમર્થન આપવા માટે એકસાથે નહીં આવે, તો આ આંદોલન મરી જશે. ખાલિદા ઝિયા અને શેખ હસીનાએ પહેલીવાર એક સંયુક્ત વિપક્ષી મોરચો બનાવ્યો. રેલીઓ નક્કી થઈ, હડતાળો જાહેર કરવામાં આવી અને બંનેએ જાહેરમાં એકબીજાને સમર્થન આપ્યું. ઘણી જગ્યાએ તેઓ એક જ સરઘસનો ભાગ બની. બાંગ્લાદેશના રાજકારણમાં આવું પહેલીવાર બની રહ્યું હતું. પાંચમી ચૂંટણી- 1991 ખાલિદા ઝિયાએ શેખ હસીનાને હરાવ્યાં ખાલિદા ઝિયા અને શેખ હસીના જ્યારે એકસાથે રસ્તાઓ પર ઊતર્યાં ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે ઇરશાદ લાંબા સમય સુધી ટકી શકશે નહીં. આખરે ઇરશાદને રાષ્ટ્રપતિ પદ છોડવું પડ્યું અને દેશની જવાબદારી એક કાર્યકારી સરકારને સોંપવામાં આવી. આ પછી 1991માં ચૂંટણીઓ યોજાઈ. આ ચૂંટણીનું મહત્ત્વ ફક્ત એ વાતમાં નહોતું કે કોણ જીતશે, પરંતુ આ સવાલમાં હતું કે દેશ કેવી રીતે ચાલશે. જ્યારે શેખ મુજીબુર રહેમાને એકપક્ષીય વ્યવસ્થા લાગુ કરી, ત્યારે સત્તા રાષ્ટ્રપતિની આસપાસ કેન્દ્રિત થવા લાગી. તેમની હત્યા પછી પરિસ્થિતિ વધુ વણસી. સેના સીધી સત્તામાં આવી ગઈ અને ઝિયાઉર રહેમાન અને પછી હુસૈન મોહમ્મદ ઇરશાદના સમયમાં રાષ્ટ્રપતિ પદ જ અસલી સત્તાનું કેન્દ્ર બની ગયું. ધીમે ધીમે જનતાના મનમાં એવી ધારણા બેસી ગઈ કે જ્યારે રાષ્ટ્રપતિ સૌથી શક્તિશાળી હોય છે, ત્યારે તે જ પદ તાનાશાહીનો માર્ગ બની જાય છે. આવી સ્થિતિમાં 1991ની ચૂંટણી માત્ર સરકાર બનાવવા માટે નહોતી, પરંતુ રાષ્ટ્રપતિના હાથમાં બધી સત્તા આવતી અટકાવવા માટે પણ હતી. ખાલેદા ઝિયા અને શેખ હસીના એક જ નિષ્કર્ષ પર પહોંચ્યા કે જો રાષ્ટ્રપતિ પાસે વધુ સત્તા રહેશે, તો સેના માટે રાજકારણમાં પાછા ફરવું હંમેશા સરળ રહેશે. 1991ની ચૂંટણી પછી રાષ્ટ્રપતિના અધિકારો મર્યાદિત કરી દેવામાં આવ્યા અને દેશને ફરીથી સંપૂર્ણપણે સંસદીય વ્યવસ્થામાં લઈ જવામાં આવ્યો. અસલી સત્તા વડાપ્રધાન અને સંસદ પાસે આવી ગઈ. ભારતની જેમ જ બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ ઔપચારિક પદ બની ગયું. 1990 પછી, બાંગ્લાદેશમાં લોકતાંત્રિક ચૂંટણીઓ શરૂ થઈ, જ્યાં હસીના અને ખાલિદા ઝિયા વારાફરતી સત્તામાં આવ્યા. 1991ની ચૂંટણીમાં BNPએ 140 બેઠકો જીતી. ખાલિદા ઝિયા 20 માર્ચ 1991ના રોજ પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા. ખાલિદા ઝિયાના જન્મદિવસ પર વિવાદ ખાલિદા ઝિયા પર એક આરોપ એ પણ હતો કે તેમણે પોતાની જન્મતારીખ ખોટી જણાવીને 15 ઓગસ્ટ, જે શેખ હસીના માટે શોકનો દિવસ છે, તેને પોતાના જન્મદિવસ તરીકે ઉજવ્યો. આ મામલે કોર્ટે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કર્યું. છઠ્ઠી ચૂંટણી- 1996 માત્ર 12 દિવસ ચાલી સરકાર 1991માં સત્તામાં આવ્યા પછી ખાલેદા ઝિયાની સરકાર પાસેથી લોકોને આશા હતી કે લશ્કરી શાસનના લાંબા ગાળા પછી લોકશાહી મજબૂત થશે. શરૂઆતમાં પરિસ્થિતિ સારી રહી, પરંતુ જેમ જેમ કાર્યકાળ આગળ વધ્યો, સરકાર અને વિપક્ષ વચ્ચે સંઘર્ષ વધતો ગયો. અવામી લીગનો આરોપ હતો કે ખાલેદા ઝિયાની સરકાર સત્તામાં હોય ત્યારે નિષ્પક્ષ ચૂંટણી કરાવવી શક્ય નથી. પાર્ટી સતત આ માંગ કરતી રહી કે ચૂંટણી એક તટસ્થ કાર્યકારી સરકાર હેઠળ કરાવવામાં આવે, પરંતુ સરકારે આ માંગને બંધારણ વિરુદ્ધ ગણાવીને ફગાવી દીધી. આ તણાવ વચ્ચે 15 ફેબ્રુઆરી 1996ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવી. અવામી લીગ અને મોટાભાગના વિરોધ પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. ઘણી બેઠકો પર મતદાન થયું જ નહીં અને જ્યાં થયું પણ, ત્યાં મતદારો ખૂબ ઓછા જોવા મળ્યા. માત્ર 21 ટકા મતદાન થયું. પરિણામે, BNPએ જંગી જીત નોંધાવી અને ખાલિદા ઝિયા ફરી એકવાર વડાપ્રધાન બન્યા. અવામી લીગે આ સરકારને માનવાનો ઇનકાર કર્યો. વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા. આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ આ ચૂંટણી અંગે સવાલો ઉઠાવ્યા. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે ખાલિદા ઝિયાને સમજાયું કે સમાધાન વિના આગળ વધવું શક્ય નથી. આખરે ભારે દબાણ બાદ સંસદ ભંગ કરવામાં આવી. આ સરકાર માત્ર 12 દિવસ ચાલી શકી. સાતમી ચૂંટણી- 1996 શેખ હસીના પ્રથમ વખત બાંગ્લાદેશનાં વડાંપ્રધાન બન્યાં ત્યારબાદ બંધારણમાં સુધારો કરીને ચૂંટણી તટસ્થ કાર્યકારી સરકાર હેઠળ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી. જૂન 1996માં ફરીથી ચૂંટણીઓ યોજાઈ. આ વખતે આખો વિપક્ષ મેદાનમાં હતો અને મુકાબલો સીધો ખાલિદા ઝિયા અને શેખ હસીના વચ્ચે હતો. 12 જૂન 1996ના રોજ યોજાયેલી આ ચૂંટણીમાં પરિણામો ખૂબ જ નજીકનાં રહ્યાં. અવામી લીગ સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી, જ્યારે BNP થોડા અંતરથી પાછળ રહી ગઈ. અવામી લીગે 146 બેઠકો જીતી. કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી, પરંતુ અવામી લીગે નાના પક્ષો અને અપક્ષ સાંસદોનો ટેકો મેળવી લીધો. હસીના 23 જૂન 1996ના રોજ પ્રથમ વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા. આવતીકાલે પાર્ટ-3માં વાંચો… શેખ હસીના-ખાલિદાના ઝઘડા અને બળવાની કહાની… ————————— આ સમાચાર પણ વાંચો… બાંગ્લાદેશ ચૂંટણી સિરીઝ પાર્ટ-1: આઝાદીના હીરો શેખ મુજીબુર સત્તા મળતાં જ તાનાશાહ બન્યા, જે સેનાને શક્તિશાળી બનાવી હતી તેણે જ તેમની હત્યા કરી સેનાના કેટલાક જુનિયર અધિકારીઓએ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનનાં ત્રણ ઘરો પર એકસાથે હુમલો કર્યો. ફાયરિંગ સાંભળીને મુજીબુર સીડીઓ પરથી નીચે ઊતરવા લાગ્યા. તેઓ કંઈ સમજી શકે એ પહેલાં તેમના પર ગોળીઓ વરસાવી દેવામાં આવી. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

