બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન રામે દર્શન આપ્યા!:₹4000 કરોડમાં બનેલી 'રામાયણ'નું ટ્રેલર રિલીઝ; રાવણના રૂપમાં યશનો મહાકાય લુક, માતા સીતા-લક્ષ્મણની ઝલક
નિતીશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’નું મોસ્ટ અવેટેડ ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. મેકર્સે તેને ભારતીય સમય અનુસાર 30 જુલાઈ સવારે 4:15 વાગ્યે, બ્રહ્મ મુહૂર્તના શુભ અવસરે દુનિયાભરમાં લોન્ચ કર્યું. ‘રામાયણ’ના ટ્રેલરને હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ સહિત અનેક ભાષાઓમાં એકસાથે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરવામાં આવ્યું છે. જુઓ ટ્રેલરની ઝલક- ટ્રેલર કેવું છે? રિલીઝ થયેલા ટ્રેલરમાં રણબીર કપૂરની ભગવાન રામ તરીકેની ભવ્ય અને અદભુત ઝલક જોવા મળે છે. તેમાં યશનો ભયાનક રાવણનો લુક પણ છે. દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે તે પડદા પર પ્રભુત્વ મેળવવા માટે તૈયાર છે. સાઈ પલ્લવી સીતા તરીકે પ્રભાવશાળી દેખાય છે. ટ્રેલર સૂચવે છે કે પહેલો ભાગ રામના વનવાસથી લઈને રાવણના ઉદય સુધીના કથાવસ્તુને તેજસ્વી રીતે આવરી લેશે. નિતેશ તિવારીએ પહેલાથી જ ખુલાસો કર્યો છે કે પહેલો ભાગ એક ક્લિપહેન્ગર પર સમાપ્ત થશે – પહેલી ‘બાહુબલી’ ફિલ્મની જેમ, જેણે દર્શકોને આશ્ચર્યચકિત કર્યા હતા કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો, જેના કારણે તેઓ જવાબ શોધવા માટે સિક્વલ જોવા માટે પ્રેરિત થયા. આ સ્પષ્ટપણે સૂચવે છે કે પહેલો ભાગ એક રોમાંચક તબક્કે સમાપ્ત થશે. રામાયણના ટ્રેલરે દર્શકોનું દિલ જીત્યું ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું. ભવ્ય દ્રશ્યો, ભગવાન રામના પાત્ર અને રાવણ બનેલા યશના દમદાર અંદાજની ખૂબ પ્રશંસા થઈ રહી છે. એક યુઝરે લખ્યું, “આ માત્ર ટ્રેલર નથી, પેઢીઓથી જોડાયેલી એક ભાવના છે.” જ્યારે બીજાએ કહ્યું, “કેટલીક ફિલ્મો જોવાય છે, રામાયણ અનુભવાય છે.” એક યુઝરે લખ્યું, “રાવણના પાત્રમાં યશની કાસ્ટિંગ શાનદાર છે.” જ્યારે સાઈ પલ્લવીના સીતા રૂપને જોઈને લોકોએ કહ્યું, “મા સીતાના રૂપમાં સાઈ પલ્લવી દિવ્ય લાગી રહી છે.” ઘણા દર્શકોએ એ પણ લખ્યું કે ટ્રેલર જોવાની ઉત્સુકતામાં તેઓ આખી રાત સૂઈ શક્યા નહીં. જુઓ સંપૂર્ણ ટ્રેલર:- આ પહેલા ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર ટ્રેલર રિલીઝની જાણકારી આપી હતી કે હિંદુ પરંપરામાં સવારે 4 થી 5 વાગ્યા વચ્ચેનો સમય બ્રહ્મ મુહૂર્ત માનવામાં આવે છે, જેને કોઈપણ નવા અને શુભ કાર્યની શરૂઆત માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ જ માન્યતાને ધ્યાનમાં રાખીને મેકર્સે ટ્રેલર રિલીઝનો સમય પસંદ કર્યો. રણબીર કપૂર બન્યો છે ભગવાન રામ, યશ રાવણના રોલમાં ફિલ્મ ‘રામાયણ’માં બોલિવૂડ અને સાઉથ સિનેમાના મોટા કલાકારો એકસાથે જોવા મળવાના છે. રણબીર કપૂર ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકામાં છે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાનું પાત્ર ભજવી રહી છે. સાઉથ સુપરસ્ટાર યશ આ ફિલ્મમાં રાવણના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત સની દેઓલ હનુમાનની ભૂમિકામાં છે, જ્યારે રવિ દુબે લક્ષ્મણના પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં અરુણ ગોવિલ, લારા દત્તા, રકુલ પ્રીત સિંહ, વિવેક ઓબેરોય અને કુણાલ કપૂર પણ મહત્વની ભૂમિકાઓમાં સામેલ છે. ઓસ્કર વિજેતાઓ એઆર રહેમાન અને હેન્સ ઝિમર સંગીત આપી રહ્યા છે ફિલ્મના સંગીતને લઈને પણ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં બે દિગ્ગજ સંગીતકારો એઆર રહેમાન અને ઓસ્કર વિજેતા હેન્સ ઝિમર પ્રથમ વખત એકસાથે મળીને બેકગ્રાઉન્ડ સ્કોર અને સંગીત તૈયાર કરી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ નમિત મલ્હોત્રાના પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝ અને અભિનેતા યશના મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય પ્રોજેક્ટને બે ભાગમાં બનાવવામાં આવી રહ્યો છે, જેનો પહેલો ભાગ નવેમ્બર 2026માં દિવાળીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 4000 કરોડના બજેટમાં બની રહી છે દેશની સૌથી મોંઘી ફિલ્મ ‘દંગલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવી ચૂકેલા ડિરેક્ટર નિતેશ તિવારી છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે ભાગમાં બનનારી આ ફિલ્મનું કુલ બજેટ 4000 કરોડ રૂપિયાની આસપાસ છે, જે તેને ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ બનાવે છે. ફિલ્મના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX)ની જવાબદારી ઓસ્કર વિનિંગ કંપની DNEG સંભાળી રહી છે. ફિલ્મના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં તેના પોસ્ટ-પ્રોડક્શનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

