બ્રેકઅપની ચર્ચા વચ્ચે ત્રિશાએ વિજય સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો:રાત્રે 12 વાગ્યે 5 કેક સાથે સુપરસ્ટારને સરપ્રાઈઝ આપ્યું; રોમેન્ટિક ફોટો શેર કરી વખાણના પુલ બાંધ્યા

Last Updated: June 23, 2026By

2026ની શરૂઆતથી જ સાઉથ સુપરસ્ટાર અને તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજય અને સાઉથ સ્ટાર ત્રિશા કૃષ્ણનની ખાસ મિત્રતા ચર્ચામાં છે. ત્રિશા પણ દર વર્ષે વિજયના જન્મદિવસે બંનેના ફોટો શેર કરીને સ્પેશિયલ રીતે વિશ કરતી હોય છે. પણ આ વર્ષે ત્રિશાએ વિજયના 52માં જન્મદિવસે વિશ કરતો ફોટો શેર ન કરતા સોશિયલ મીડિયા પર બંનેના બ્રેકઅપની ચર્ચાઓ તેજ બની હતી. જોકે, ત્રિશાએ આજે રોમેન્ટિક ફોટો શેર કરીને વિજયને શુભેચ્છાઓ પાઠવી છે. ‘જેના લીધે જીંદગી જીવવા જેવી લાગે છે’ ત્રિશા કૃષ્ણને વિજયના જન્મદિવસના એક દિવસ પછી એટલે કે 23 જૂનની મોડી સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો. ફોટોમાં તે પ્રેમથી એકીટસે વિજયને જોઈ રહી છે. ફોટોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘જે વ્યક્તિના કારણે આ આખી જિંદગી જીવવા જેવી લાગે છે, તેને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ!’ ફોટોમાં ત્રિશા પાંચ કેક લઈને સેલિબ્રેશન માટે પહોંચેલી દેખાઈ રહી છે, જ્યારે તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયના ચહેરા પર સરપ્રાઇઝથી મળેલી ખુશી છૂપાવ્યે છુપાઈ રહી નથી. ત્રિશાએ વિજયને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યો? અફેરની ચર્ચાઓ વચ્ચે પણ ત્રિશા ક્યારેય વિજયને જાહેરમાં જન્મદિવસની શુભેચ્છા આપવાની તક છોડતી નથી, પરંતુ આ વર્ષે 22 જૂનના રોજ વિજયના 52માં જન્મદિવસે કોઈ પોસ્ટ કરી નહોતી. આ દરમિયાન યુઝર્સે એ પણ નોંધ્યું કે, ત્રિશા હવે ઇન્સ્ટાગ્રામ પર વિજયને ફોલો કરી રહી નથી. ત્યારબાદ બંને વચ્ચે કથિત રીતે બ્રેકઅપ થયું હોવાની અટકળો તેજ બની હતી. જોકે, હવે ત્રિશાની પોસ્ટે તમામ અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધા છે. ત્રિશાએ અગાઉ વિજયના જન્મદિવસે કરેલી પોસ્ટ… વિજયની પત્નીએ લગ્નેત્તર સંબંધનો આરોપ લગાવ્યો નોંધનીય છે કે, સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની પત્ની સંગીતા સોનાર્લિંગમે થોડા મહિના પહેલાં કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. તે સમયે તેણે કોઈનું નામ લીધાં વિના પતિના લગ્નેત્તર સંબંધનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ લાગ્યાના તરત બાદ જ વિજય અને ત્રિશા એક લગ્ન સમારોહમાં પહોંચ્યાં હતાં. બંનેએ મેચિંગ કપડાં પહેર્યાં હતાં. બંનેને સાથે જોઈને યુઝર્સે અટકળો લગાવવાની શરૂ કરી દીધી હતી. અજીત કુમારની માતાના નિધન પર બંને સાથે પહોંચ્યા હતા આ આખો મામલો ત્યારે ફરી ચર્ચામાં આવ્યો, જ્યારે વિજય અને ત્રિશા ચેન્નઈમાં સાઉથ સ્ટાર અજીત કુમારના ઘરે સાથે પહોંચ્યાં. અજીત કુમારના માતા મોહિની મણિનું ઉંમર સંબંધિત બીમારીઓના કારણે નિધન થયું. આ દુઃખની ઘડીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને રાજકારણ સાથે જોડાયેલા ઘણા લોકો અજીતના ઘરે સંવેદના વ્યક્ત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન વિજય ભારે સુરક્ષા વચ્ચે ત્યાં પહોંચ્યા અને અજીતને ગળે લગાવીને સાંત્વના આપી. તેની સાથે ત્રિશા પણ બ્લેક કલરના સલવાર સૂટમાં અજીતના પરિવારને મળવા પહોંચી હતી. બર્થડે અને શપથ ગ્રહણ સમારોહથી વધી અફવાઓ વિજય અને ત્રિશા વચ્ચેની નિકટતાના સમાચાર છેલ્લા કેટલાક મહિનાથી સતત ચર્ચામાં છે. મે મહિનામાં ત્રિશાના જન્મદિવસે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તિરુમાલા મંદિરના દર્શન કર્યા પછી ત્રિશા ચેન્નઈમાં વિજયના ઘરેથી નીકળતી જોવા મળી હતી. આ ઉપરાંત જ્યારે વિજયે પોતાની નવી રાજકીય પાર્ટી માટે શપથ ગ્રહણ સમારોહ રાખ્યો હતો, ત્યારે પણ ત્રિશા તેની માતા ઉમા કૃષ્ણન સાથે ત્યાં હાજર હતી. આ બંને ઘટનાઓ પછી સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને લઈને ચર્ચા તેજ બની ગઈ હતી. ત્રિશાના જન્મદિવસે જ થલાપતિનો ‘વિજય’ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ આવ્યા હતા, જે દિવસે ત્રિશા તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી હતી. ત્રિશાએ સવારે તિરુપતિ બાલાજીના દર્શન કર્યાં હતાં, અને વિજયની જીતના સમાચાર મળતા જ તે વિજયના નીલાંકરાઈ સ્થિત ઘરે પણ પહોંચી હતી. જોકે, સંબંધોની અફવાઓ પર ન તો વિજયે કે ન તો ત્રિશાએ હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું છે. બંને આ મામલે મૌન સેવી રહ્યા છે.