બ્રેસ્ટ કેન્સરની મારે 'હીરો નંબર-1'ની હીરોઈનને બનાવી કંગાળ!:ઘરેણાં-કાર વેચીને ઈલાજના પૈસા ચૂકવ્યાં, શગુફ્તાની હાલત જોઈ આંખો ભીની થઈ જશે

Last Updated: July 25, 2026By

ટીવી અને હિન્દી સિનેમામાં પોતાની શાનદાર એક્ટિંગથી દાયકાઓ સુધી દર્શકોના દિલ પર રાજ કરનાર જાણીતી એક્ટ્રેસ શગુફ્તા અલી આજે અત્યંત દર્દનાક અને કઠિન તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. 59 વર્ષની ઉંમરે એક સમયે ટીવી સ્ક્રીન પર ચમકતો આ ચહેરો આજે ગંભીર બીમારીઓ અને ભારે આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો છે. તેમના આર્થિક સંકટ અને કથળતી તબિયતની વાતો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ફેન્સ અને ચાહકો અત્યંત ભાવુક થઈ ગયા. થર્ડ સ્ટેજ બ્રેસ્ટ કેન્સર અને ડાયાબિટીસની માર શગુફ્તા અલીએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં દિલ ખોલીને પોતાની આપવીતી જણાવી હતી. તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ થર્ડ સ્ટેજ બ્રેસ્ટ કેન્સરની ગંભીર બીમારીમાંથી પસાર થઈ ચૂક્યા છે. જ્યારે તેઓ હિટ શો ‘સાંસ’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને કેન્સર હોવાની ખબર પડી હતી. તેમણે 9 વખત કેમોથેરાપી લીધી અને ટાંકા સાથે પણ શૂટિંગ ચાલુ રાખ્યું હતું. કેન્સર સામેની જંગ જીત્યા બાદ પણ તેમની શારીરિક તકલીફો ઓછી ન થઈ. તેમને ગંભીર ડાયાબિટીસ છે, જેના કારણે તેમની આંખોની રોશની પર પણ ભારે અસર પડી છે અને તેઓ દ્રષ્ટિ ગુમાવવાની આરે પહોંચી ગયા હતા. ઈલાજ માટે ઘરેણાં ને કાર પણ વેચવી પડી છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં કામ ન મળવાને કારણે શગુફ્તા અલીની તમામ બચત ખતમ થઈ ગઈ હતી. ઘરમાં તેમની વૃદ્ધ માતાની સારવાર અને પોતાના તબીબી ખર્ચાઓ પૂરા કરવા માટે તેમણે પોતાના દાગીના, ઘરની કિંમતી ચીજવસ્તુઓ અને પોતાની ગાડી પણ વેચી દેવી પડી હતી. એક સમયે લક્ઝરી લાઈફ જીવનાર આ એક્ટ્રેસ પાસે ડૉક્ટર પાસે જવા માટે ઓટોરિક્ષાના ભાડાના પૈસા પણ બચ્યા નહોતા. એક્ટ્રેસે દર્દ વ્યક્ત કરતા કહ્યું હતું: “મેં મારા જીવનના 36 વર્ષ આ ઈન્ડસ્ટ્રીને આપ્યા છે. 17 વર્ષની ઉંમરે કામ શરૂ કર્યું હતું, પણ છેલ્લા કેટલાક વર્ષોથી મારી પાસે કોઈ કામ નથી. ઘર ચલાવવા અને ઈલાજ કરાવવા માટે મેં મારી બધી બચત અને સંપત્તિ વેચી દીધી. હવે મારી પાસે વેચવા માટે પણ કંઈ બચ્યું નથી.” જાણીતા શોઝ અને ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ શગુફ્તા અલીએ ‘સસુરાલ સિમર કા’, ‘સાથ નિભાના સાથિયા’, ‘પુનર્વિવાહ’, ‘એક વીર કી અરદાસ… વીરા’ અને ‘દિસ મેં નિકલા હોગા ચાંદ’ જેવા બ્લોકબસ્ટર ટીવી શોઝમાં મહત્વના રોલ ભજવ્યા છે. ઉપરાંત તે ‘સિર્ફ તુમ’, ‘મેહંદી’ અને ‘હીરો નંબર 1’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ નજરે પડ્યા હતા. એક સમયે ઘરોઘરમાં જાણીતો બનેલો આ ચહેરો આજે આવી હાલતમાં જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને બોલિવૂડ તથા ટીવી ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોને તેમની મદદ માટે આગળ આવવા અપીલ કરી રહ્યા છે.