ભારતીય બેડમિન્ટનમાં નવી સ્કોરિંગ સિસ્ટમ લાગુ પડશે:21ને બદલે 15 પોઇન્ટની રમત હશે; એર્નાકુલમ સિનિયર રેન્કિંગ ટુર્નામેન્ટથી શરૂઆત થશે

Last Updated: July 2, 2026By

ભારતીય બેડમિન્ટનમાં જુલાઈ 2026થી નવી સ્કોરિંગ સિસ્ટમ લાગુ પડશે. આ અંતર્ગત ગેમ 21 પોઇન્ટ્સને બદલે 15 પોઇન્ટ્સની હશે. બેડમિન્ટન એસોસિયેશન ઑફ ઈન્ડિયા (BAI)એ ગુરુવારે તેની જાહેરાત કરી. નવા નિયમોનો પ્રથમ ઉપયોગ 7થી 14 જુલાઈ દરમિયાન એર્નાકુલમના રિજનલ સ્પોર્ટ્સ સેન્ટરમાં યોજાનારી ઓલ ઇન્ડિયા સિનિયર રેન્કિંગ ટુર્નામેન્ટમાં કરવામાં આવશે. ત્યારબાદ આ ફોર્મેટ તમામ ઝોનલ ચેમ્પિયનશિપ, ડોમેસ્ટિક રેન્કિંગ ટુર્નામેન્ટ અને નેશનલ ચેમ્પિયનશિપમાં લાગુ પડશે. તેમાં અંડર-11, અંડર-13, અંડર-15, અંડર-17, અંડર-19, સિનિયર અને માસ્ટર્સ સહિતના તમામ એજ ગ્રુપનો સમાવેશ થશે. નવા નિયમમાં શું બદલાશે? નવા ફોર્મેટમાં મેચ પહેલાની જેમ બેસ્ટ ઑફ-3 ગેમ જ રહેશે, પરંતુ હવે દરેક ગેમ 21ને બદલે 15 પોઇન્ટની હશે. 14-14ની બરાબરી થવા પર 2 પોઈન્ટની લીડ જરૂરી રહેશે. જો સ્કોર 20-20 સુધી પહોંચે છે, તો પછીનો પોઇન્ટ જીતનાર ખેલાડી ગેમ પોતાના નામે કરશે. એટલે કે, દરેક ગેમની મહત્તમ મર્યાદા 21 પોઇન્ટ હશે. બ્રેક અને કોર્ટ બદલવાના નિયમો પણ બદલાયા હવે મિડ-ગેમ બ્રેક 11 પોઇન્ટને બદલે 8 પોઇન્ટ પર મળશે અને તે 60 સેકન્ડનો હશે. ત્રીજી ગેમમાં ખેલાડીઓ 8 પોઇન્ટ પર કોર્ટ બદલશે. ગેમની વચ્ચે મળતો 120 સેકન્ડનો બ્રેક પહેલાની જેમ ચાલુ રહેશે અને પાછલી ગેમનો વિજેતા જ આગામી ગેમમાં પહેલી સર્વિસ કરશે. જાન્યુઆરી 2027થી BWF પણ લાગુ કરશે BAI મહાસચિવ સંજય મિશ્રાએ જણાવ્યું કે, ઘરેલું સ્તરે નવા ફોર્મેટને પહેલા લાગુ કરવાનો ઉદ્દેશ્ય ખેલાડીઓ, કોચો અને ટેકનિકલ અધિકારીઓને સમયસર તેની આદત પાડવાનો છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) આ સ્કોરિંગ સિસ્ટમને જાન્યુઆરી 2027 થી ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં લાગુ કરશે.